Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બધી રીતે યોગ્ય સમજીને આર્ય સ્કંદિલે એમને આચાર્ય બનાવ્યા. એક વખત વિહારકમે ફરતા-ફરતા વૃદ્ધવાદી ભૃગુપુરની તરફ જઈ રહ્યા હતા. ત્યારે સિદ્ધસેન નામના એક વિદ્યાન, જે પોતાના પ્રજ્ઞાબળબુદ્ધિબળની સામે સંસારના અન્ય વિદ્વાનોને તણખલા સમાન ગણતા હતા, શાસ્ત્રાર્થ કરવાની મનસા લઈ દેશ-દેશાંતરથી ફરતા-ફરતા ભૃગુપુર તરફ આવી પહોંચ્યા. વૃદ્ધવાદીની વિદ્વત્તાની યશકીર્તિ સાંભળી તેઓ એમની પાછળ ચાલી નીકળ્યા. એ વખતે વૃદ્ધવાદી વિહાર કરી રહ્યા હતા. સિદ્ધસેન પણ એમની પાછળ-પાછળ ગયા અને રસ્તામાં બંનેનો મિલાપ થયો. મળતાની સાથે જ સિદ્ધસેને વૃદ્ધવાદીને કહ્યું : “હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગુ છું.”
આચાર્ય વૃદ્ધવાદીએ કહ્યું: “સારી વાત છે, પણ અહીં શાસ્ત્રાર્થની મધ્યસ્થતા કરનારા કોઈ વિદ્વાન સભ્ય નથી. આવી સ્થિતિમાં સભ્યો વગર વાદમાં જય-પરાજયનો નિર્ણય કોણ કરશે ?”
વાદ કરવા માટે અત્યંત ઉતાવળા થયેલા સિદ્ધસેને ગોવાળોની તરફ ઇશારો કરતા કહ્યું: “આ ગોવાળો જ સભ્ય બને.” - વૃદ્ધવાદીએ સિદ્ધસેનનો આ પ્રસ્તાવ હર્ષથી સ્વીકાર્યો. ગોવાળોની સામે શાસ્ત્રાર્થ શરૂ થયો. જેમાં સિદ્ધસેને પહેલ કરી. એમણે સભ્ય ગોવાળોને સંબોધીને ઘણા લાંબા સમય સુધી પદલાલિત્યપૂર્ણ સંસ્કૃત ભાષામાં બોલીને પોતાનો પૂર્વપક્ષ પ્રસ્તુત કર્યો. પણ સિદ્ધસેનની એક પણ વાત એ ગોવાળિયાની સમજમાં આવી નહિ. જ્યારે સિદ્ધસેન પોતાનો પક્ષ પૂર્ણ કરી વિરમ્યા ત્યારે અવસરજ્ઞ વૃદ્ધવાદીએ દબાવીને કચ્છ બાંધી સંગીતમય તાનમાં બોલવાનું શરૂ કર્યું, જેનો ભાવાર્થ છે - જે કોઈ જીવને નથી મારતો, ચોરી નથી કરતો, પરસ્ત્રીગમનનો પરિત્યાગ કરે છે અને યથાશક્તિ થોડું-થોડું દાન કરે છે, તે ધીમે-ધીમે સ્વર્ગધામ પ્રાપ્ત કરી લે છે.”
વૃદ્ધવાદીની વાત સાંભળી ગોવાળિયાઓ ઘણા ખુશ થયા અને બોલ્યા: “ઓ હો ! બાબાજી મહારાજે કેટલો શ્રુતિ સુખદ, સુંદર અને સાચો માર્ગ બતાવ્યો છે. આ સિદ્ધસેનજી તો શું બોલ્યા, શું નહિ બોલ્યા, એ પણ યાદ નથી. માત્ર જોર-જોરમાં બોલીને એમણે અમારા કાનમાં પીડા પેદા કરી છે.” જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 969696969696969696969 ૨૨૯