Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(આર્ય મહાગરિકાલીન રાજવંશ) આગળ જણાવવામાં આવ્યું જ છે કે આર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળના છેવટના દિવસોમાં (વી. નિ. સં. ૨૧૫ માં) મૌર્ય રાજ્યવંશનો ઉદ્ભવ થયો. આર્ય મહાગિરિના આચાર્યકાળમાં આ રાજવંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્યએ એમના પ્રેરણાસ્ત્રોત મહામાત્ય ચાણક્યના પરામર્શ પ્રમાણે અનેક વર્ષો સુધી વિદેશી તેમજ પ્રાદેશિક રાજસત્તાઓની સાથે સંઘર્ષ કરતા રહીને સમગ્ર ભારતને પોતાના સુદઢ શાસનસૂત્રમાં બાંધીને એક સાર્વભૌમસત્તા સંપન્ન, સશકત અને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એણે કાબુલ અને કંધારમાંથી પણ યુનાની વિજેતા સેલ્યુકસને ખદેડીને એ પ્રદેશોને બૃહત્તર ભારતની રાજ્ય સરહદમાં જોડી દીધા.
અનેક પ્રાચીન ગ્રંથોમાં આ પ્રમાણેના ઉલ્લેખો મળે છે કે - “જે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય પાટલિપુત્રના રાજસિંહાસન પર આસન્ન થયો એ વખતે તે જૈન ધર્માવલંબી ન હતો, પણ ચાણક્ય વિવિધ યુક્તિઓ વડે જૈન ધર્મ અને જૈન શ્રમણોનું મહત્ત્વ સાબિત કરી ચંદ્રગુપ્તને જૈન ધર્માવલંબી બનાવ્યો. એના ફળસ્વરૂપે આગળ જતા ચંદ્રગુપ્ત જૈન ધર્મ પ્રત્યે અત્યંત આસ્તિક પરમ - શ્રદ્ધાળુ શ્રાવક બની ગયો અને એણે જિનશાસનની નોંધપાત્ર સેવાઓ કરી.
ક્યાંક કોઈ કાવતરાખોર દગાથી ઝેર વગેરેના ઉપયોગથી ચંદ્રગુપ્તની હત્યા ન કરી દે, એ દૃષ્ટિએ દૂરંદેશી ચાણક્ય ચંદ્રગુપ્તને પાટલિપુત્રની રાજગાદી પર બેસાડ્યા પછી ધીમે-ધીમે ખોરાકમાં એકદમ થોડા જ પ્રમાણમાં ઝેર ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે વધારવામાં આવેલું એ પ્રાણઘાતક વિષ ચંદ્રગુપ્ત માટે અમૃત સમાન અત્યંત આવશ્યક પૌષ્ટિક ઔષધ - દવાનું કામ કરવા લાગ્યું. અનુક્રમે આ રીતે ચંદ્રગુપ્તના દરરોજના ભોજનમાં વિષની માત્રાપ્રમાણ એટલું વધારી દેવામાં આવ્યું કે જો ચંદ્રગુપ્ત માટે બનેલું એ ભોજન કોઈ બીજી વ્યક્તિ જરા-અમથું પણ ચાખી લે તો એના માટે આ ઝેરીલું ભોજન તત્કાળ પ્રાણઘાતક સાબિત થતું હતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99999999998 ૧૯૫