Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ધર્માવલંબી જ હતો. પોતાના રાજ્યના ૯મા વર્ષ(વી. નિ. સં. ૨૬૬)માં અશોકે કલિંગ પર ચઢાઈ કરી. કલિંગપતિ ક્ષેમરાજ એની શક્તિશાળી વિશાળ સેના લઈને રણભૂમિમાં આવી ચઢ્યો. બંને તરફથી ભયંકર યુદ્ધ થયું. ક્ષેમરાજના વીર સૈનિકોએ કલિંગની રક્ષા માટે ઘણી શૂરવીરતાથી યુદ્ધ કર્યું. પણ મગધ સામ્રાજ્યની અત્યંત બળવાન વિશાળ સેના દ્વારા ભયંકર રક્તપાત પછી આખરે એમણે હાર સ્વીકારવી પડી. કલિંગના આ યુદ્ધમાં દોઢ લાખ સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા, એક લાખ યોદ્ધા હણાયા તેમજ એનાથી પણ વધુ કેટલાયે યોદ્ધા યુદ્ધમાં લાગેલા ઝખમો - ઘાના પરિણામે યુદ્ધ પૂરું થયા પછી મૃત્યુ પામ્યા. આ ભીષણ નરસંહારથી અશોકના હૃદય પર ઊંડો આઘાત લાગ્યો. એણે પોતાના ૧૩મા શિલાલેખમાં એના માટે સ્વયંને દોષી જણાવતા એવી ઘોષણા કરાવી દીધી કે - “હવે ભવિષ્યમાં એ ક્યારેય આ રીતનો નરસંહાર અને રક્તપાત વડે કોઈ પણ દેશ ઉપર વિજય અભિયાન નહિ કરે.'
જે વખતે અશોક પશ્ચાત્તાપની આગમાં બળી રહ્યો હતો. એ જ વખતે શક્ય છે કે બૌદ્ધ ભિક્ષુસંઘના આચાર્યના સંપર્કમાં આવ્યો અને એમનાથી પ્રભાવિત થઈ બૌદ્ધધર્માવલંબી બની ગયો. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી અશોકે એનું બાકીનું આયખું બૌદ્ધ ધર્મના પ્રચારપ્રસાર અને વિકાસમાં પૂરું કર્યું. એણે ભારતના પાડોશી દેશોમાં પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બોદ્ધ ધર્મના પ્રચાર માટે બૌદ્ધશ્રમણ અને શ્રમણીના રૂપમાં દીક્ષિત કરાવી લંકામાં મોકલ્યા. અશોકે માત્ર ધર્મનો પ્રચાર જ ન કર્યો, પરંતુ પ્રજાના હિત માટે પણ અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા અને શિલાલેખો કંડરાવ્યા, જેમાં જનકલ્યાણની દષ્ટિએ અનેક રીતની ધાર્મિક અને સાંસ્કૃતિક આજ્ઞાઓ પ્રસારિત કરવામાં આવી હતી.
આમ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારમાં અશોકે જે નામાંકિત કાર્યો કર્યા છે, એના લીધે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં અશોકનું નામ દીર્ઘકાળ સુધી આદર સાથે યાદ કરવામાં આવશે. ૨૪ વર્ષ સુધી મગધના સામ્રાજ્યનો રાજ્ય વહીવટ કર્યા પછી વિ. નિ. સં. ૨૮૨માં મૌર્ય સમ્રાટ અશોકનું દેહાંત થયું. કેટલાક ઇતિહાસકારોની માન્યતા છે કે અશોક એના આયખાના છેલ્લાં ચાર વર્ષોમાં ફરી જૈન ધર્માવલંબી બની ગયો હતો. અશોક પછી એનો પૌત્ર સમ્મતિ મગધ સામ્રાજ્યનો અધિપતિ બન્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999969696969696998 ૧૯૯]