Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થઈ મુનિને આકર્ષવાના પ્રયત્નો બંધ કરી દીધા. મહાયોગી સ્થૂળભદ્રનું ઇન્દ્રિયદમનમાં અદ્ભુત અલૌકિક સામર્થ્ય જોઈ કોશા એમની સામે નત મસ્તકે પશ્ચાત્તાપભર્યા સાદે ક્ષમાપરાધની યાચના કરવા લાગી.
પછી મુનિ સ્થૂળભદ્રના ઉપદેશથી કોશાએ ધર્મમાં એની અગાધશ્રદ્ધા અભિવ્યક્ત કરીને એમની પાસે શ્રાવિકાધર્મ અંગીકાર કરી તે સંપૂર્ણ વિશુદ્ધ-નિર્મળ ભાવે એમની સેવા કરવા લાગી.
ચતુર્માસ સંપન્ન થતા પ્રથમ ત્રણ શિષ્ય પોત-પોતાના અભિગ્રહોનું સંપૂર્ણ પાલન કર્યા પછી આચાર્ય સંભૂતવિજયની સેવામાં હાજર થયા. સંભૂતિવિજયે એમના આસનથી થોડા ઉપર ઊઠીને એ ઘોર તપસ્વીઓનું સ્વાગત કરતા બોલ્યા : “કઠિન સાધના કરનારા તપસ્વીઓ ! તમારું સ્વાગત છે.’’
કોશા વેશ્યાના ઘરેથી આવી રહેલા પોતાના શિષ્ય સ્થૂળભદ્રને જોઈ આચાર્ય અચાનક એમના આસન પરથી ઊભા થઈને મુનિ સ્થૂળભદ્રનું સ્વાગત કરતા બોલ્યા : “દુષ્કરથી પણ અતિદુષ્કર કાર્યને કરનારા સાધક શિરોમણિ ! તમારું સ્વાગત છે.”
મુનિ સ્થૂળભદ્રને ગુરુ પાસેથી પોતાના કરતાં વધુ સન્માન મળેલું જોઈ ત્રણેય સાધુઓનાં મનમાં દ્વેષભાવ જાગ્યો. એ ત્રણેય મુનિઓ આર્ય સ્થૂળભદ્ર પ્રત્યે ઈર્ષ્યાભાવ વ્યક્ત કરતા વાંતો કરવા લાગ્યા ‘આર્ય સ્થૂળભદ્ર મંત્રીપુત્ર છે, આ કારણે જ ગુરુદેવ આપણી સાથે પક્ષપાત કરીને એને દુષ્કર - દુષ્કરકારી'ના સંબોધનથી સર્વાધિક માન આપ્યું. ભવ્ય ભવનમાં રહીને ષડ્સ ભોજન કરીને પણ જો ‘દુષ્કર- દુષ્કરકારી’ની ઉપાધિ મેળવી શકાય છે, તો આગામી ચતુર્માસમાં આપણે પણ જરૂરથી આ કાર્ય કરી ‘દુષ્કર-દુષ્કરકારી’ની દુર્લભ ઉપાધિ પ્રાપ્ત કરીશું.’
ત્યાર બાદ આચાર્ય એમના શિષ્યવૃંદની સાથે અન્યત્ર વિહાર કરી ગયા. આઠ મહિના સુધી અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા રહી એમણે અનેક ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું, અને ત્યાર બાદ ફરી ચતુર્માસનો સમય નિકટ આવ્યો.
૧૬૮
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)