Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
યુદ્ધમાં ઘાવ લાગવાના કારણે સિકંદરની મૃત્યુની અફવા ફેલાઈ ગઈ. આથી ઘણા બધા યુનાની સૈનિકો ગભરાઈને મોટા પાયે યુનાન તરફ ભાગી છૂટ્યા. એના સૈનિકનું મનોબળ તૂટી ગયું. પોતાની અને પોતાના
સૈનિકોની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખી સિકંદર સેના સહિત વિજય-અભિયાનને બંધ કરી ફરી પોતાના દેશ પરત ફર્યો.
જેમ-જેમ યુનાન તરફ જઈ રહેલો સિકંદર ભારતીય પ્રદેશને પોતાની પાછળ છોડતો ગયો, તેમ-તેમ એ ભારતીય પ્રદેશો વિદેશી શાસનની ચુંગાળમાંથી દૂર થઈ સ્વતંત્ર થતા ગયા. બેબિલોન પહોંચતા - પહોંચતા સિકંદર ઈ.સ. પૂર્વે જૂન-૩૨૩માં મૃત્યુ પામ્યો.
સિકંદરના અવસાન બાદ એના સામ્રાજ્યમાં સર્વત્ર અંધકાર અને અરાજકતાએ શાસન જમાવી દીધું. સિકંદર નિઃસંતાન હતો, માટે એના સેનાપતિઓએ સિકંદરના રાજ્યનો માંહોમાંહે (પરસ્પર) ભાગ વહેંચી લીધો. પહેલા ભાગલા સિકંદરના મૃત્યુ પછી તરત જ ઈ.સ. પૂર્વ ૩૨૩માં અને બીજા ભાગલા ત્રિયાશ ડિસસ નામક સ્થળે ઈ.સ. પૂર્વ ૩૨૧માં થયો.
સિકંદરના આ આક્રમણથી ભારતીયોમાં એક નવીન ચેતનાનો સંચાર થયો અને ભારતમાં એક મહાન શક્તિશાળી મોટી રાજ્યસત્તાને જન્મ આપવાની પૂર્વભૂમિકાનું નિર્માણ થયું. વસ્તુતઃ સિકંદરના આ સૈનિક અભિયાન વડે ભારતીયોની રણક્ષમતા અને વીરતા આ સંસાર સમક્ષ પ્રગટ થઈ. માત્ર પુરુષો જ નહિ, પણ અહીંની સ્ત્રીઓ વિરાંગનાઓએ પણ યુદ્ધ-મેદાનોમાં રણચંડી રૂપે જોરદાર પ્રદર્શન કરી માતૃભૂમિની રક્ષા કરતા-કરતા જીવ જોખમમાં મૂક્યો.
૩૨૭ ઈ.સ. પૂર્વ સિકંદર વડે ભારત પર કરાયેલા આક્રમણ દરમિયાન ઈ.સ. પૂર્વ ૩૨૩માં સિકંદરની મૃત્યુ પછી ૩૦૪ ઈ.સ. પૂર્વમાં યુનાની શાસક સેલ્યુકસ દ્વારા પુનઃ ભારત પર કરવામાં આવેલ આક્રમણ સમયે તથા ૩૨૭ ઈ.સ. પૂર્વથી ૩૦૪ ઈ.સ. પૂર્વ સુધી વિદેશી આક્રમણોને નિષ્ફળ કરવા તથા ભારતને એક સશક્ત રાષ્ટ્ર બનાવવામાં ચંદ્રગુપ્ત મૌર્યએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ સંદર્ભમાં સંક્ષિપ્તરૂપે એનું જીવનવૃત્તાંત અહીં આપવામાં આવી રહ્યું છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૮૧