Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૨૬, ૧૩ અને ૧૦ અધ્યયનોમાં વિભક્ત છે. આ સૂત્રમાં ભવભ્રમણનો અંત કરવાવાળા સાધકોની સાધનાદશાનું વર્ણન હોવાને લીધે આનું નામ અંતકૃતદશા રાખવામાં આવ્યું છે.
આના પ્રથમ બે વર્ગોમાં ગૌતમ આદિ વૃષ્ણિ કુળના ૧૮ રાજકુમારોની સાધનાનું વર્ણન છે. ત્રીજા વર્ગના ૧૩ અને ચોથા વર્ગનાં ૧૦ અધ્યયનોમાં વર્ણિત ૨૩ ચારિત્રાત્મક વસુદેવ, કૃષ્ણ, બળદેવ અને સમુદ્રવિજયના રાજકુમાર બતાવવામાં આવ્યા છે. પંચમ વર્ગમાં કહેવામાં આવ્યું છે કે રાજકુમારની જેમ રાજરાણીઓ પણ સંયમસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીકૃષ્ણની પદ્માવતી વગેરે રાણીઓ અને પુત્રવધૂઓએ પણ ૨૦-૨૦ વર્ષના દીક્ષાકાળમાં ૧૧ અંગોનું જ્ઞાન પ્રાપ્ત કરી દીર્ઘકાલીન કઠોર તપશ્ચર્યા દ્વારા સકળ દુઃખોનો અંત કરી શાશ્વત શિવપદ પ્રાપ્ત કર્યું. છઠ્ઠા વર્ગમાં ભગવાન મહાવીરના શાસનવર્તી વિભિન્ન શ્રેણીના ૧૬ સાધકોનું વર્ણન છે. સાતમા અને આઠમા વર્ગના ૨૩ અધ્યયનોમાં નંદા, નંદમતી અને કાલી, સુકાલી આદિ શ્રેણિકની ૨૩ રાણીઓના સાધનામય જીવનનું વર્ણન છે.
અંતકૃતદશા સૂત્રની એ વિશેષતા છે કે એમાં તદ્દભવ મોક્ષગામી જીવોનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાનો વિજય હતો. કે રાજઘરાનાનાં નર-નારી વિપુલ ઐશ્વર્ય અને અપરિમિત ભોગોને ત્યાગીને ઘણી મોટી સંખ્યામાં ત્યાગની તરફ અગ્રેસર થયા.
૯. અનુત્તરોપપાતિક-દશા
દ્વાદશાંગીના ક્રમમાં અનુત્તરોપપાતિક-દશા નવમું અંગ છે. એમાં ૧ શ્રુતસ્કંધ, ૩ વર્ગ, ૩ ઉદ્દેશનકાળ, ૩ સમુદ્દેશનકાળ, પરિમિત વાચનાઓ અને સંખ્યાત ૧૦૦૦ પદ છે. વર્તમાનમાં આ સૂત્ર ૧૯૨ શ્લોક પરિમાણનું છે.
આ અંગમાં એવા મહાપુરુષોના ચરિત્ર આપવામાં આવ્યાં છે કે જેમણે ઘોર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમની સાધના પછી મરણ પ્રાપ્ત કરી અનુત્તર વિમાનોમાં દેવત્વ પ્રાપ્ત કર્યું અને ત્યાંથી ચ્યવન કરી મનુષ્યભવમાં સંયમધર્મની સમ્યગ્ આરાધના કરી મુક્તિ પ્રાપ્ત કરશે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) –
sto