________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४२३
આ રીતે વ્યક્તિનો જગતના સઘળાયે પદાર્થોનો સાક્ષાત્કાર કરવાનો સ્વભાવ છે જ. તેમાં પ્રતિબંધક બનતા કર્મોનો અત્યંત નાશ થાય છે, ત્યારે તે સર્વપદાર્થોનો સાક્ષાત્કાર કરે છે. આ જ તેની સર્વજ્ઞતા છે. આથી “વ્યાપકધર્મની અનુપલબ્ધિ” આ હેતુ સર્વજ્ઞાભાવનો સાધક બનતો નથી.
વિરુદ્ધવિધિ અર્થાત્ સર્વજ્ઞથી વિરુદ્ધ અસર્વજ્ઞની વિધિ પણ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકતી નથી. કારણ કે તમે બતાવો કે અસર્વજ્ઞની વિધિ સાક્ષાત્ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે કે પરંપરાએ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે ?
સર્વજ્ઞથી વિરુદ્ધ અસર્વજ્ઞની વિધિ સાક્ષાત્ સર્વજ્ઞાભાવને સિદ્ધ કરે છે. અર્થાત્ સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરવાવાળા અસર્વજ્ઞનું વિધાન કરીને સર્વજ્ઞાભાવ સિદ્ધ કરે છે.” આવો પ્રથમપક્ષ સ્વીકારશો તો પ્રશ્ન થશે કે... સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કોઈ ચોક્કસ દેશમાં કે ચોક્કસ સમયમાં અથવા ત્રણકાળ સંબંધી સર્વદેશમાં કે ત્રણકાળ સંબંધી સર્વકાળમાં કરવામાં આવશે ?
સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કોઈ ચોક્કસ દેશ-કાળમાં જ કરવામાં આવશે.” આવા પ્રથમપક્ષમાં સર્વત્ર અને સર્વદા સર્વજ્ઞાભાવ સિદ્ધ થશે નહિ. માત્ર જ્યાં વિધાન કર્યું હશે, તે તે દેશ-કાલમાં જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થશે. જે સ્થળે જે કાળે અગ્નિ સળગાવવામાં આવશે, તે સ્થળે અને તે કાળે જ શીતનો અભાવ હશે. પરંતુ સર્વત્ર અને સર્વદા શીતનો અભાવ હોતો નથી.
અર્થાતુ જે દેશ અને જે સમયમાં અગ્નિ સળગાવવામાં આવે, તે દેશ અને તે સમયમાં જ અગ્નિના વ્યાપક ઉષ્ણતા વિરોધી શીતનો અભાવ જોવાય છે, પરંતુ ત્રણલોકમાં કે ત્રણે કાળમાં અગ્નિના વ્યાપક ઉષ્ણતાના વિરોધી શીતનો અભાવ જોવા મળતો નથી.
સર્વજ્ઞનો સાક્ષાત્ વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન ત્રણે લોકમાં તથા ત્રણે કાળમાં કરવામાં આવશે.” આ દ્વિતીયપક્ષ પણ અયોગ્ય છે. કારણકે છબસ્થ(અસર્વજ્ઞ)થી ત્રણે લોકમાં કે ત્રણે કાળમાં સર્વજ્ઞનો વિરોધ કરનાર અસર્વજ્ઞનું વિધાન કરવું અસંભવિત છે. કારણકે જે સર્વજ્ઞ હોય તે જ ત્રણલોક અને ત્રણકાળનું પરિજ્ઞાન કરી શકે છે. અસર્વજ્ઞ માટે તે શક્ય નથી. આથી અસર્વજ્ઞ ત્રણે કાળ અને ત્રણે લોકમાં સર્વજ્ઞના અભાવનું વિધાન કરી શકે નહિ.
જો અસર્વજ્ઞ પણ ત્રણે કાળમાં કે ત્રણે લોકમાં સર્વજ્ઞના અભાવનું વિધાન કરી શકતો હોય તો, તે પણ અસર્વજ્ઞ ન રહે, પરંતુ સર્વજ્ઞ જ બની જાય. કારણકે તે જે વિધાન કરે છે, તે ત્રણે કાળ કે ત્રણે લોકના પરિજ્ઞાન વિના કરી શકાય તેમ નથી. અને આ તો અમને ઇષ્ટ જ સિદ્ધ થઈ ગયું.