________________
૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પુસ્તકાદિનો અગ્નિથી દાહ થયો હોય અથવા નષ્ટ થયા હોય તો શક્તિ છતે તે પુસ્તકો ફરીથી નવાં લખાવવાં, અક્ષરોને પગ અડકે તો નીવિ આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં) આહારનિહાર કરવાથી નવિ આવે, થૂક વડે અક્ષર કાઢે તો પુરિમષ્ઠ આવે, જપમાળા (નવકારવાળી) તૂટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નીવિ આવે, કાળ વખતે સિદ્ધાંત ભણે-ગણે અથવા કોઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમઢનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહિ, આલોવે નહિ તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે.'
હવે ‘નિસંકિય નિક્કખિય' ઈત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તો ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું.) સ્થાનાંગસૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમષ્ઠ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. પ્રમાદથી દેવગુરુને વંદના ન કરે તો પુરિમષ્ઠ, પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપધાણું વગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર ધોયેલા વસ્ત્ર વડે પૂજા કરે તો પુરિમષ્ઠ અને દેવ, ગુરુ, પુસ્તક, સંઘ, ચૈત્ય, તપ, સાધુ, શ્રાવક અને સામાચારીની દેશથી આશાતના કરે તો આયંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેક ઉપવાસ, દેરાસરની અંદર તંબોળ ખાવું, જળ પીવું, ભોજન કરવું ઈત્યાદિ દશ પ્રકારની ચૈત્યની આશાતના દેશથી થાય તો આયંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તો પુરિમષ્ઠ, ઉત્કૃષ્ટથી આયંબિલ, અન્ય તીર્થિકના દેવગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઈત્યાદિ બાદર મિથ્યાત્વ એકવાર કરવાથી પ્રત્યેકે એકએક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તો પ્રત્યેક દશ દશ ઉપવાસ, સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તો જઘન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, સ્થાપનાચાર્યનું પડિલેહણ ન કરે તો પુરિમઢ, પડી જાય તો એકાસણું, ખોવાઈ જાય તો ઉપવાસ, પ્રતિમાની અંગુલી વગેરે પોતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ, સૂક્ષ્મપણે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો જઘન્યથી પુરિમઢ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભોગમાં લે તો દસ ઉપવાસ, દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહિ તે સંકાશ શેઠ, સાગરશેઠ વગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વી પર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તો આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી થોડા તપ વડે શુદ્ધિ થાય છે અને જો ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તો તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે.
માતંગપુત્રનું દૃષ્ટાંત કામરૂપપટ્ટણમાં કોઈ ચાંડાલને ઘેર દાંતવાળો પુત્ર ઉત્પન્ન થયો. તે જોઈને તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરનો રાજા ફરવા નીકળ્યો. તેણે ૧. આ દષ્ટાંતો પૂર્વે વ્યાખ્યાન ૨૧૫ મા આવી ગયેલાં છે.