________________
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આ ગાથાનો વિસ્તારાર્થ એ છે કે – સાધુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેને અભાવે ઉપાધ્યાય પાસે, તેને અભાવે પ્રવર્તક પાસે, તેને અભાવે સ્થવિર પાસે અને તેને અભાવે ગણાવચ્છેદક પાસે જે કોઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પોતાના ગચ્છમાં ઉપરના પાંચેનો અભાવ હોય તો સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વગેરે પાંચેની પાસે અનુક્રમે એકએકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઈતર અસાંભોગિક એટલે જુદી સામાચારીવાળા સંવિગ્ન ગચ્છમાં તે જ ક્રમે આલોચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થ પાસત્ય એટલે ગીતાર્થ થયા પછી પાસસ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક એટલે શ્વેતવસ્ત્રધારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત, બ્રહ્મચર્ય રહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષા વડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ધારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે તેના અભાવે ગીતાર્થ પશ્ચાત્ કૃત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલ ગૃહસ્થ પાસે આલોચના લેવી.
આવા પાસાદિકને પણ આલોયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરવો. કેમકે ધર્મનું મૂળ વિનય છે. જો કદાચ પાસત્કાદિક પોતે પોતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના લેવી. જેણે ચારિત્રનો વેષ તજી દીધો છે એવા પશ્ચાત્ કૃત પાસે લેતાં તેને અલ્પકાળનું સામાયિક ઉચ્ચરાવીને તથા વેષ ધારણ કરાવીને પછી વિધિપૂર્વક આલોયણા લેવી. તેવા પાસત્કાદિકના પણ અભાવે જે ઉદ્યાનાદિકમાં બેસીને અહંન્ત અને ગણધરાદિકે ઘણીવાર આલોચના આપી હોય, અને તે જે દેવતાએ જોયું-સાંભળ્યું હોય, ત્યાં જઈ તે સમ્યગુદૃષ્ટિ દેવતાની અટ્ટમ વગેરે તપથી આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કરી તેની પાસે આલોચના લેવી. જો કદાચ જેણે આલોયણ સાંભળેલ તે દેવતા આવી ગયો હશે તો તેને સ્થાને ઉત્પન્ન થયેલો બીજો દેવતા મહાવિદેહમાં વિચરતા અરિહંતને પૂછીને આલોચના આપશે, તેના પણ અભાવે અરિહંતની પ્રતિમા પાસે આલોચીને પોતે જ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. તેના પણ અયોગે ઈશાન કોણ તરફ મુખ રાખી અહંન્ત સિદ્ધની સમક્ષ આલોચના કરવી. પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કેમકે શલ્ય સહિત રહેવાથી આરાધકપણું નષ્ટ થાય છે. આ વગેરે વ્યાખ્યાન વ્યવહારસૂત્રમાં પણ લખેલું છે. આલોચનાના અનેક ગુણો છે. કહ્યું છે કે -
लहु आल्हाइजणणं, अप्परनिवत्ति अज्जवं सोही ।
दुक्करकरणं आणा, निस्सल्लत्तं च सोहीगुणा ॥१॥ શબ્દાર્થ - “લઘુતા, આહલાદ ઉત્પન્ન થવો તે, સ્વપરની નિવૃત્તિ, આર્જવ, શુદ્ધતા, દુષ્કર કરવાપણું, આજ્ઞા અને નિઃશલ્યત્વ - એ શોધિ એટલે આલોયણાના ગુણો છે.”
તાત્પર્યાર્થઃ- લઘુતા એટલે જેમ ભાર વહન કરનારનો ભાર લઈ લેવાથી તે લઘુ (હળવો)