________________
આથી તેઓ જ્યારે પ્રવચન આપે ત્યારે તે વધુ પ્રિય લાગતા હોય છે. તેઓએ ગુજરાતના વિભિન્ન ભાગોમાં અધ્યાપન કાર્ય કર્યું છે. મૂળે અધ્યાપકનો જીવ હોવા છતાં તેઓ પહેલા જૈન શ્રાવક છે. જ્યાં પણ જાય ત્યાં સર્વપ્રથમ જૈન ધર્મના નિયમો પ્રમાણે સુવિધા પ્રાપ્ત થશે કે નહીં તેની ખાતરી કરી લે. નવકારશી અને
ચૌવિહાર અચૂક કરે. આથી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠાનો ખ્યાલ આવે છે. ભોજનમાં પણ જૈન ધર્મના ! નિયમાનુસાર ભોજનની ખાતરી પણ કરી લે. આથી તેમની સાથે યાત્રા કરવામાં હંમેશા રાહત રહે. અમે
ઉદયપુર યુનિ.માં સેમિનાર પ્રસંગે સાથે હતા તથા આચાર્ય મહાપ્રજ્ઞજીની નિશ્રામાં આયોજિત શ્રાવકાચાર સેમિનાર માટે સુરત સાથે ગયા હતા. તેમના વિચારો સ્પષ્ટ અને જે વાત ન સમજાય તે માટે તેઓ હંમેશા જિજ્ઞાસા દાખવે. ક્યારેય કોઇનીય શેહમાં તણાય નહીં. સાચું કહેતાં કે પૂછતાં જરાય ખચકાય નહીં; આ તેમની ખાસિયત છે. તેમની અભ્યાસરુચિ જબરી છે. કોઇપણ વિષય ઉપર બોલતાં પહેલાં તે વિષયને આત્મસાત્ કરી લે અને પછી જ તે વિષય ઉપર બોલે.
અમુક વર્ષ પૂર્વે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યાકેન્દ્રમાં જોડાયા હતા. આ કેન્દ્રના પ્રથમ વડા શ્રીમતી મધુસેન હતા. તેમના અવસાન પછી આ કેન્દ્રની ગતિવિધિ મંદ પડી ગઈ હતી. જૈન કેન્દ્રની પ્રવૃત્તિ વેગવંતી બને તે માટે શ્રી શેખરભાઈને પસંદ કરવામાં આવ્યા. તેમણે જૈન કેન્દ્રમાં અધ્યયન કાર્ય વધુ સઘન બને તથા જૈનકેન્દ્ર વધુ પ્રભાવી ઢંગે કાર્ય કરે તે માટે ઘણા ફેરફારો કર્યા અને તેને પરિણામે એક નવી ચેતનાનો ઉદય થયો હતો. નવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરી જનતામાં જૈનવિદ્યા પ્રત્યે અભિરુચિ પેદા કરવામાં તેઓ સફળ રહ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે જૈન વિદ્યાકેન્દ્ર આવા સન્નિષ્ઠ કાર્ય કરનારની સેવાઓ લાંબા સમય સુધી લઇ ન શક્યું.
શ્રી શેખરભાઈ જન્મ દિગમ્બર જૈન હોવા છતાં તેમનામાં દિગમ્બરત્વ કે સંપ્રદાયનું અભિનિવેશપણું ; જોવા મળતું નથી. તેઓએ મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિ તરીકેની વર્ષો સુધી સેવાઓ આપી એક છે નવો આદર્શ રચ્યો હતો. માત્ર જૈન તરીકે જ રહી જૈન શાસનની કેટલી મોટી સેવા થઇ શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. મહાવીર જૈન વિદ્યાલય શ્વેતામ્બર સંચાલિત સંસ્થા હોવા છતાં તેમણે ત્યાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યાપન કરાવ્યું અને વિદ્યાર્થીઓને જૈન ધર્મના અનુરાગી બનાવ્યા હતા. તેમણે તીર્થકર વાણી નામનું સામયિક પ્રસિદ્ધ કર્યું. ત્રણ ભાષામાં પ્રકાશિત થતા આ સામાયિકમાં જૈનધર્મના મૌલિક સિદ્ધાન્તો વિષયક લેખો તો લખ્યા પણ સાંપ્રત સમસ્યાઓ અને પ્રશ્નો બાબતે નિષ્પક્ષ ચર્ચાત્મક તંત્રી લેખો લખી સમાજને સાચી માહિતી પૂરી પાડવાની ઉમદા કામગીરી બજાવી છે. સામયિક પ્રગટ કરવું તો સરળ છે પણ નિયમિત અને સ્તરીય લેખો છપાતા રહે તે જોવું અત્યંત કપરું કામ છે. શેખરભાઈ આ કાર્ય નિર્વિધે, એકલા હાથે કરી રહ્યા છે તે માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. .
શેખરભાઈ આદર્શ ગૃહપતિ, પ્રબુદ્ધ અધ્યાપક, ઉત્તમ સેવક, ઉમદા વ્યક્તિ, સ્નેહી મિત્ર, સાચા શ્રાવક, વિદ્યાર્થીવત્સલ શિક્ષક છે. તેમનું જીવન અત્યંત સરળ અને સાદું હોવા છતાં વિચારો ઊંચા છે અને તેઓ પોતાના સિદ્ધાન્તમાં અડગ છે. તેમને શાસનદેવો નીરોગી દીર્ધાયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.
જિતેન્દ્ર બી. શાહ નિદેશક- એલ.ડી. ઇન્સ. ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ