________________
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧
અવશ્ય હોય તે ધ્રુવસત્તાક અને કદાચિત હોય તે અધૂવસત્તાક આવી વ્યાખ્યા કેમ કરી?
ઉત્તર-જે પ્રકૃતિઓની જે ગુણસ્થાનક સુધી સત્તા કર્મસ્તવાદિમાં કહી છે ત્યાં સુધી નિયત સત્તાવાળી પ્રકૃતિઓને ધ્રુવસત્તા અને અનિયત સત્તાવાળી પ્રકૃતિઓને અધ્રુવસત્તા. એમ જો કહેવામાં આવે તો મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચારકષાયોની સત્તા ઉપશમશ્રેણીને આશ્રયી અગિયારમા ગુણસ્થાનક સુધી કર્મસ્તવાદિમાં કહી છે. ત્યાં મિથ્યાત્વમોહનીયની પહેલા-બીજા-ત્રીજા ગુણઠાણે નિયતસત્તા હોય છે. અને ઉપશમસમ્યકત્વવાળા જીવને આશ્રયી ૪ થી ૧૧ સુધી, ક્ષયોપશમ સમ્યત્વવાળાને આશ્રયી ૪ થી ૭ સુધી સત્તા હોય છે. તથા ક્ષાયિક સમ્યકત્વીને આશ્રયી ચોથાથી ચૌદમા સુધી સત્તા હોતી નથી. આ રીતે અનિયત સત્તાવાળી થવાથી મિથ્યાત્વમોહનીયની સત્તા પણ અધુવસત્તા થઈ જાય. જ્યારે શાસ્ત્રોમાં મિથ્યાત્વમોહનીયની સત્તાને ધ્રુવસત્તા જ કહી છે. તેથી ઉપરોક્ત વ્યાખ્યા ન કરતાં અનાદિમિથ્યાત્વીને જે નિયત સત્તા હોય તે ધ્રુવસત્તા એવી વ્યાખ્યા કરી છે.
એ જ રીતે અનંતાનુબંધી ચારકષાયોની સત્તા પણ કર્મગ્રંથોમાં સાતમા અથવા અગિયારમા ગુણસ્થાનક સુધી કહી છે છતાં પહેલે, બીજે નિયત સત્તા હોય છે અને ત્રીજાથી અગિયારમા સુધી વિકલ્પ સત્તા હોય છે. તથા ચોથા ગુણસ્થાનકથી સાતમા સુધીમાં અનંતાનુબંધી ચારકષાયોની વિસંયોજના કરી નિસત્તાક થઈ મિથ્યાત્વના ઉદયથી પડીને પહેલા ગુણઠાણે આવતાં પુનઃ અનંતાનુબંધીની સત્તા આવે છે. આ રીતે અનંતાનુબંધી પણ અનિયત સત્તાવાળો થવાથી અધુવસત્તાક થઈ જાય. અને શાસ્ત્રોમાં તે અનંતાનુબંધીને ધ્રુવસત્તાક કહેલો છે. તેથી પણ ઉપરોક્ત વ્યાખ્યા છોડીને અનાદિમિથ્યાત્વી જીવને જે નિયતસત્તા તે ધ્રુવસત્તા કહેવાય. એવી વ્યાખ્યા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org