________________
ગાથા : ૬૩
પાંચમો કર્મગ્રંથ
૨૫૯
બંધાયેલાં તે કર્મોમાં બાંધેલો જે રસ છે. તે અધ્યવસાય દ્વારા હિન કરીને પોતાના રૂપે જીવ વેદે છે. તેને વિપાકોદય કહેવાય છે. અને પોતાનો ઉદય ન હોય ત્યારે પોતાના મૂલકર્મમાં સજાતીયમાં અથવા સજાતીય ન હોય ત્યારે વિજાતીયમાં ભળીને જે ઉદયમાં આવે તેને સંક્રમણ અથવા વિવક્ષિત પ્રકૃતિનો પ્રદેશોદય કહેવાય છે. સારાંશ કે જે કર્મ જેટલા રસવાળું બાંધ્યું હોય, તે કર્મના તે રસમાંથી અધ્યવસાયને અનુસારે ફેરફાર કરી પરિવર્તિત કરેલા રસ પ્રમાણે સ્વવિપાકથી ભોગવવું તે રસોદય (વિપાકોદય) કહેવાય છે. અને બંધાયેલું તે વિવક્ષિત કર્મ બાંધ્યા પછી ભવપ્રત્યયિક અથવા ગુણપ્રત્યયિક તેનો ઉદય ન થવાથી તેના કર્મપરમાણુઓને પોતાના મૂલકર્મમાં જ સજાતીય ઉદયમાં હોય તો તેનામાં અને સજાતીય ન હોય તો વિજાતીયમાં ભેળવીને તેવી પરપ્રકૃતિ રૂપે વિવક્ષિત કર્મપરમાણુઓને ભોગવવા તે પ્રદેશોદય કહેવાય છે.
જેમ કે મિથ્યાત્વ મોહનીયનાં બંધાયેલ દલિકોને મંદરસવાળાં કરીને પણ મિથ્યાત્વમોહનીયરૂપે ભોગવવાં તે મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય કહેવાય છે. અને સમ્યક્વમોહનીય કે મિશ્રમોહનીય રૂપે કરીને તે રૂપે ભોગવવા તે મિથ્યાત્વનો પ્રદેશોદય કહેવાય છે.
એવી જ રીતે દેવભવમાં ગયેલો જીવ દેવગતિનામકર્મ, પંચેન્દ્રિયજાતિ નામકર્મ અને વૈક્રિયશરીરનામકર્માદિનાં દલિકોને
સ્વવિપાકથી ઉદયસ્વરૂપે અનુભવે છે. તે વિપાકોદય છે અને દેવગતિમાં રહેલો તે જ દેવનો જીવ મનુષ્યગતિ આદિ શેષ ત્રણ ગતિનામકર્મ, પંચેન્દ્રિય સિવાયની ચાર જાતિનામકર્મ એમ અનુદયવતી નામકર્મની શેષ પ્રકૃતિનાં કર્મદલિકોને ભવપ્રત્યયિક ઉદય ન હોવાથી દેવગતિનામકર્માદિ ઉદયવતી એવી નામકર્મની ૨૧,૨૫,૨૭,૨૮,૨૯ અને ૩૦ પ્રકૃતિઓમાં સંક્રમાવીને જે તે રૂપે ઉદયથી ભોગવે તેને મનુષ્યગતિ આદિ અનુદયવતી પ્રકૃતિઓનો પ્રદેશોદય કહેવાય છે. આવી જ રીતે ગુણપ્રત્યયિક જે પ્રકૃતિઓનો અનુદય થયો હોય તેનો પણ ઉદયવતીમાં સંક્રમાવીને જે ઉદય થાય તે અનુદયવતીનો પ્રદેશોદય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org