________________
ગાથા : ૯૫-૯૬
પાંચમો કર્મગ્રંથ
૪૨૩
કર્મપ્રદેશોનું અનંતગુણાપણું આ જીવ પ્રત્યેક સમયે અનંતાનંત કર્મપ્રદેશના બનેલા સ્કંધોને બાંધે છે. પૂર્વે કહેલા પાંચે બોલો સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગથી માંડીને વધુમાં વધુ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સુધીના માપવાળા કહ્યા છે. તે સર્વે અસંખ્યાતા છે. જ્યારે કર્મપ્રદેશો જઘન્યથી પણ અનંતાનંત હોય છે. તેથી અનુભાગબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોથી કર્મપ્રદેશો સારી રીતે અનંતગુણા ઘટી શકે છે. અનુભાગબંધના અવિભાગ પલિચ્છેદો તેનાથી પણ અનંતગુણા છે.
અનુભાગબંધના અવિભાગપલિચ્છેદોનું અનંતગુણાપણું
પ્રતિસમયે આ જીવ અનંતાનંત કર્મપ્રદેશો બાંધે છે અને બંધાતા એવા કાર્મણવર્ગણાના પ્રત્યેક એવા તે પ્રદેશોમાં આ જીવ જે રસ બાંધે છે તે રસના જો ટુકડા કરીએ અને તે કેવલી ભગવાનની પ્રજ્ઞાથી જેના બે વિભાગ ન થાય એવા અતિશય સૂક્ષ્મ વિભાગો કરીએ કે જેને જૈનશાસ્ત્રોમાં અનુભાગબંધના અવિભાગપલિચ્છેદ કહેવાય છે તે અવિભાગપલિચ્છેદો એક એક કર્મપ્રદેશોમાં સર્વજીવો કરતાં અનંતગુણા બંધાય છે. આ કારણથી કર્મપ્રદેશો કરતાં પ્રતિપ્રદેશે અનંતા અનંતા અવિભાગપલિચ્છેદો બંધાતા હોવાથી તે અવિભાગપલિચ્છેદો કર્મપ્રદેશો કરતાં અનંતગુણા છે.
આ પ્રમાણે પ્રથમના પાંચ બોલ અસંખ્યાતગુણા અને છેલ્લા બે બોલ અનંતગુણા છે એમ સાતબોલનું અલ્પબદુત્વ જાણવું.
વિસ્તાર પૂર્વક પ્રદેશબંધ પૂર્ણ કર્યો. અહીં એક પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વાદિ ચાર મૂલ બંધહેતુઓમાંથી કયા બંધહેતુ વડે આ પ્રદેશબંધ થાય છે ? તે સમજાવવા માટે તેની સાથે સાથે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ પણ શેનાથી થાય છે ? તે પણ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org