________________
સમયસાર : આત્મખ્યાતિ
જે વિભાવ તેહ નૈમિત્તિક, સંતતિ ભાવ અનાદિ;
પર નિમિત્ત વિષય સંગાદિક, હોય સંયોગે સાદિ. રે સ્વામી !
અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો;
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્દન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી !
શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ,
આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી !'' - શ્રી દેવચંદ્રજી
અને આ આત્મભાવ પ્રગટ થતાં સમ્યગ્દષ્ટિને હિતોદય હોય છે, સર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ હોય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યનો ઉદય થઈ તે ઉત્તરોત્તર વધતી જતી તેજસ્વીતાને પામી મધ્યાહ્ને પૂર્ણપણે પ્રતપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યનો ઉદય થઈ, ઉત્તરોત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ બીજનો ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણિમાએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામે છે. અથવા સહસ્રદલ કમલ કલિકા જેમ ઉત્તરોત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઉઠે છે, તેમ અત્રે હિતોદય રૂપ સહસ્રદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. કારણકે સત્ સાધનના સેવન થકી સમ્યગ્દષ્ટિનું આત્મબલ ઓર ને ઓર વધે છે, આત્મશક્તિનો ઉદ્રેક-પ્રબલપણું થતું જાય છે, આત્મસંયમના યોગે અત્યંત શક્તિ સંચય થાય છે, મન-વચન-કાયાના પ્રમત્ત યોગથી આત્માની વેડફાઈ જતી ચારે કોર વેરણ છેરણ થતી શક્તિને અટકાવી, સમ્યગ્દષ્ટિ જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી રોકી રાખી, આત્મવીર્યની અત્યંત જમાવટ (mobilisation) કરે છે અને આમ આત્મસામર્થ્યયોગથી યોગમાર્ગે પ્રયાણ કરતો તે તીક્ષ્ણ આત્મોપયોગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતો જઈ, શક્તિ ઉદ્રેકથી સમસ્ત આત્મશક્તિઓનું (આત્મગુણનું) ઉપબૃહણ - પરિપોષણ કરતો આગળ વધે છે. એટલે આવા ઉપબૃહક સમ્યગ્દષ્ટિને શક્તિ દૌર્બલ્ય કૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે.
-
સમ્યગ્દષ્ટિ જ્ઞાની
૩૭૨
-