________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ વધુ પ્રયત્નશીલ બને છે. તે સુદેવ, સુગુરુ, અને સુધર્મનું સ્વરૂપ જાણી યથાશક્તિ તેનું પાલન કરે છે. વ્રતોની આરાધના કરવી, ધર્મ તરફ વળવું એ સંસાર પ્રત્યેની આસક્તિ ઘટે પછીજબની શકે. (૪) અનુકંપા - સ્વદયા અને પરદયા. જેમાં પ્રથમ અહિંસા વ્રત અને બારમું અતિથી સંવિભાગ વ્રત (સાધર્મિક ભક્તિ) આવી શકે. કોઈ પણ પ્રાણીના દુઃખોને નિઃસ્વાર્થ ભાવે દૂર કરવા તે પરાયા છે. અહિંસા વતનું પાલન તે જ જીવ કરી શકે જેનું હૃદય કરુણાથી ભરેલું છે. કઠોરતા છે ત્યાં જીવો પ્રત્યેની મૈત્રી નથી. જ્યાં મૈત્રી ભાવ નથી, ત્યાં અનુકંપા પણ ન હોય. જેમ કાળી માટીમાં વાવેલું બીજ અંકુરિત થઈ ફૂટી નીકળે છે; પરંતુ સૂકી, ઉજ્જડ જમીનમાં વાવેલું બીજ નિષ્ફળ બને છે, તેમ અનુકંપાથી આર્દ્ર બનેલા દિલમાં અહિંસા ધર્મનું બીજ ઉગી નીકળે છે. જ્યાં સ્વદયા છે ત્યાં પરદયા છે. અભવી જીવ સંયમની ઉત્કૃષ્ટપણે આરાધના કરી પરદયા કરે છે પણ મોક્ષના લક્ષ્યથી ક્રિયા ન થવાથી વિશેષ અર્થ સરતો નથી. વળી બારમા વ્રતમાં સાધર્મિક ભક્તિ, સુપાત્રદાનમાં પણ સ્વ અને પર દયાના ભાવ નિહિત છે. (૫) આસ્થા - શ્રદ્ધા. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની આસ્થા તે વ્રતની પૂર્વભૂમિકા છે. આસ્થા વિના કોઈ કાર્ય સિદ્ધ ન થાય, આસ્થાથી ભાવના અને ભાવનાથી ભવનાશ થાય. જેના રોમ-રોમમાં ધર્મનો દ્રઢ અનુરાગ અને આસ્થા હોય તે સમકિતી આત્મા કહેવાય છે.
હિતશિક્ષારાસ', જે ચરણકરણાનુયોગની રચના છે, જેમાં કવિએ ન્યાય, નીતિ, પ્રમાણિકતા, સદાચાર, આદિ માર્ગાનુસારીના ગુણોની ચર્ચા કરી છે. માર્ગાનુસારીના ૩૫ ગુણો એ સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકારૂપ છે. સમ્યગદર્શન એ મૂળ છે. માર્ગાનુસારીના બોલ એ બીજ છે. જે બીજ જમીનમાં દટાય છે તેને નવપલ્લવિત થવા હવા, પાણી, પ્રકાશ અને અનુકૂળ વાતાવરણ મળતાં તે બીજ અંકુરરૂપે જમીનમાંથી બહાર ફૂટી નીકળે છે. ત્યાર પછી ઉત્તરોત્તર વિકાસ પામતાં વૃક્ષ રૂપે ધરતી પર અડીખમ ઊભું રહી શકે છે. બીજના જતનમાં વૃક્ષનો જન્મ છે અને બીજની ઉપેક્ષામાં વૃક્ષનો નાશ છે. એજ રીતે માર્ગાનુસારીના એક એક ગુણમાં કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધીની શક્યતા રહેલી છે. માર્ગાનુસારીના ગુણોના અભાવમાં જીવ સર્વવિરતિ ગુણસ્થાનક સુધી કદાચ શુભભાવોના કારણે પહોંચે, તો પણ તે ગુણસ્થાનકે સ્થિર રહેવા માટે આ ગુણોનું પાલન જીવનમાં અમલી બનવું જ જોઈએ.
ફાનસમાં નાનો દીવો હોય છે. તેની ચારેબાજુ કાચની મોટી ચીમની હોય છે. ચીમની વિના દીવો પ્રગટી શકે એવું બને, પણ ચીમની વિના દીવો ટકી ન શકે કારણકે પવનની નાનકડી લહેર પણ દીવાને બુઝાવવા સક્ષમ છે, જ્યારે ચીમની દ્વારાદીવો સુરક્ષિત રહી શકે છે. ચીમની પોતાની તમામ તાકાતથી દીવાનું રક્ષણ કરે છે. માર્ગાનુસારીના ગુણો ચીમનીના સ્થાને છે. જ્યારે સમ્યગદર્શનાદિ ગુણો દીવાને સ્થાને છે.
માર્ગનુસારીના ગુણો જીવનમાં કોમળતા પ્રગટાવે છે. શિષ્ટ સમાજની વચ્ચે સર્જન તરીકે રહેવા માટેની લાયકાતો આત્મામાં પ્રગટાવે છે. સજ્જનતા ધીરે ધીરે આત્માને મહાનતા તરફ લઈ જવામાં ઉપકારક બને છે. કહ્યુ છે કે -