________________
૩૭૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ક્ષણ અને તેના ફળરૂપ મોક્ષની ક્ષણ બંને જુદા હોવાથી એક દ્રવ્યમાં ક્યાંથી સંભવી શકે? તેથી એવી મુશ્કેલી થશે કે ચારિત્ર આદિ પ્રવૃત્તિ એ અંધ વ્યક્તિએ પકડેલ અસત્ય રાહ સમાન ઈષ્ટસ્થાને નહીં પહોંચાડે. તેથી આત્માને નિત્ય સ્વીકારવામાં જ મોક્ષ છે. જેમ વાદળાઓના સમૂહનો નાશ થતાં સૂર્ય-ચંદ્ર પ્રકાશિત થાય છે, તેમ દોષ સહિત અને દોષરહિત અવસ્થામાં એકનિત્ય આત્મા હોય તો જ મુક્તપણું સંભવી શકે.
ઉપાધ્યાય યશોવિજયજીએ વિવિધ દૃષ્ટાંતો આપી બૌદ્ધમતના ક્ષણિકવાદનું ખંડન કર્યું છે. જે તેમની પ્રખર વિદ્વત્તા અને કુશળ બુદ્ધિનું દર્શન કરાવે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ ગા-૬૦ થી ૭૦ માં આત્માની નિત્યતા વિષે શિષ્યની શંકા તથા તે શંકાનું સરળ ભાષામાં સમાધાન કર્યું છે.
આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત ‘વિશેષાવશ્યકભાષ્ય' નામના ગ્રંથમાં ગણધરવાદનું નિરૂપણ થયું છે. ભગવાન મહાવીરના ૧૧ ગણધરોમાંથી ત્રીજા વાયુભૂતિજીને જીવ અને શરીર એક છે, તેવો સંશય હતો. ભગવાન મહાવીરે તેનું નિરાકરણ કર્યું. તલમાંથી તેલ નીકળે છે, કારણ કે તલના પ્રત્યેક દાણામાં તેલ છે, તેમ પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્ય નથી. તેથી તેના સમૂહથી ચૈતન્ય ઉત્પન્ન ન થાય. ચૈતન્ય એ સ્વંતત્ર દ્રવ્ય છે. જડ કદી ચૈતન્ય ન બને, ચૈતન્ય કદી જડ ન બને.
માતાના ગર્ભમાં પણ સૌ પ્રથમ જીવ આવે, ત્યાર પછી શરીરની રચના થાય છે. તેથી દેહની સાથે આત્મા ઉત્પન્ન થાય છે, તે માન્યતા અસત્ય છે. દેહ અને આત્માનો તાદાત્મ્ય (અવિનાભાવ) સંબંધ નથી. આત્મા વગરનો દેહ પણ જોવા મળે છે. જીવની નિત્યતાનો વધુ તર્ક સહિત સિદ્ધ કરતા શ્રીમદ્જી કહે છે -
કોઈ સંયોગથી નહીં જેની ઉત્પત્તિ થાય,
r
નાશન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
દેહ સંયોગી પદાર્થો દ્વારા બને છે. જીવ પોતે જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહે છે, તેટલા આકાશ પ્રદેશ પર રહેલા કાર્મણ વર્ગણાના અનંતપ્રદેશી સ્કંધોને દેહની રચના માટે ગ્રહણ કરે છે. પછી દેહની વૃદ્ધિ અને સંરક્ષણ માટે આહારદ્વારા અને રોમદ્વારા પરમાણુઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે દેહાદિ પદાર્થો સંયોગોથી ઉત્પન્ન થાય છે પણ ચૈતન્ય એવો આત્મા અસંયોગી છે. તેની ઉત્પત્તિ કે વિનાશ નથી.
જીવ પદાર્થરૂપે, સ્વરૂપદશારૂપે, જ્ઞાનગુણરૂપે નિત્ય છે. જીવે અંકિત કરેલા સંસ્કારો બીજા ભવમાં પણ જોવા મળે છે. બાળકનું ભૂખ લાગવાથી રડવું, અજાણ્યા વ્યક્તિને જોઈ કૂતરાનું ભસવું, સર્પનું ફૂંફાડો મારવું ઈત્યાદિ સંસ્કારો દેખાય છે, તે પૂર્વભવના આત્માના કર્મના સંસ્કારો છે. તેથી સિદ્ધ થાય છે કે આત્માનિત્ય છે.
જૈનદર્શનની દાર્શનિક વિચારધારા અનુસાર ગ્રંથકાર કહે છે કે, આત્મા દ્રવ્યથી નિત્ય છે. ગતિરૂપ શરીરને ધારણ કરવો, તે આત્માનો વૈભાવિક પર્યાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અદેહી છે. કર્મોના કારણે જીવને શરીર ધારણ કરવું પડે છે. આત્માને ક્ષણિક માનવાથી કર્મની ફિલોસોફીનો સિદ્ધાંત ઊડી જશે. આત્માને નિત્ય માનવાથી મૃત્યુનો ડર ટળે છે તેમજ બોલનાર અને વિચારનાર આત્મા પોતે છે. આપણે પ્રથમ વિચારીએ છીએ, પછી બોલીએ છીએ. આ બંને ક્ષણો જુદી હોવાથી આત્મા નિત્ય છે, ક્ષણિક નથી; એવું સિદ્ધ થાય છે.
ઉપાધ્યાયજી સમકિતના ત્રીજા અને ચોથા સ્થાનની વાત ગાથા - ૩૪ થી ૮૧માં વિસ્તારપૂર્વક કરે છે.