________________
૩૭૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
૧૩
આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.
શ્રીમદ્ભુ મતભેદમાં ન પડતાં આત્મા તરફ પાઠકનું લક્ષ દોરાય તે હેતુથી આત્મસિદ્ધિની રચના કરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગા-૪૫ થી ૪૮માં શિષ્ય આત્માના અસ્તિત્વ સંબંધી વિવિધ શંકાઓ પ્રસ્તુત કરે છે. ગાથા ૪૯ થી ૫૮માં સદ્ગુરુ તેનું સમાધાન કરે છે.
અનાદિ કાળના અજ્ઞાનને કારણે દેહ જેવો આત્મા ભાસે છે. જેમ તલવાર અને મ્યાન જુદાં છે, તેમ દેહ અને આત્મા ભિન્ન છે, સ્વતંત્ર છે. આત્મા અરૂપી છે. તે જોઇ શકાતો નથી પરંતુ તેનો અનુભવ પ્રત્યેક અવસ્થામાં ‘હું છું;’ એમ જણાય છે. ઈન્દ્રિયના વિષયોને જાણનારો આત્મા ઈન્દ્રિયથી જુદો છે. ઈન્દ્રિયો જડ છે. આત્મા ચેતન છે. આત્મા, ઇન્દ્રિય વિના લોકાલોકનું જ્ઞાન કરી શકે છે. દેહધારી જીવ બાળક, યુવાન, પ્રૌઢતા અને વૃદ્ધાવસ્થાને અનુભવે છે. દેહ એ જડ છે.જડ અને ચેતન ભિન્ન છે. તે પોતાને અને પર પદાર્થને જાણે છે. અગ્નિથી ઉષ્ણતા, સાકરથી મીઠાશ, લીમડાથી કડવાશ જુદી ન હોય, તેમ આત્મથી જ્ઞાન જુદું ન હોય. ઉપરોક્ત વિગતો આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરે છે.
ઉપાધ્યાય યશોવિજયજીએ કડી - ૧૮ થી ૩૩ માં સમકિતના બીજા સ્થાન આત્મનીનિત્યતાનું પ્રતિપાદન કર્યું છે. અહીં બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદનું ગ્રંથકારે ખંડન કર્યું છે.
બૌદ્ધદર્શન આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આત્મા અનેક છે; તેવું પણ સ્વીકારે છે પરંતુ સમકિતના બીજા સ્થાન (આત્મા નિત્ય છે)માં તેમની શ્રદ્ધા વિપરીત છે. તેઓ ક્ષણિકવાદી હોવાથી આત્માને અશાશ્વત માને છે. દુનિયાના સર્વ પદાર્થો ક્ષણિક છે. આત્માને ક્ષણિક માનવાથી રાગ-દ્વેષ રૂપ વાસનાઓ મંદ પડે છે. અનિત્ય વસ્તુ અશાશ્વત છે, તેથી તે પદાર્થ કે વસ્તુ પ્રત્યે જીવને રાગ ન વધે અને તેના નાશથી ખેદ પણ ન થાય. રાગ-દ્વેષ એ જ સંસાર છે. રાગાદિથી મુક્ત ચિત્તધારા એ જ મોક્ષ છે; એવું બૌદ્ધ ધર્મનું કથન છે.
બૌદ્ધમતનું
જ ખંડન કરતા ગ્રંથકાર કહે છે.
સંસાર પરિભ્રમણમાં વિવિધ પ્રકારના દેહધારણ કરવા છતાં સ્વરૂપથી આત્માનું અસ્તિત્વ એક જ છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે જે જાયું તે જાય' અર્થાત્ જેનો જન્મ છે, તેનો નાશ છે. અથવા ‘કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી' એવી કહેવતો બોલીએ છીએ. તેનો અર્થ એમ છે કે પ્રત્યેક જીવનો જન્મ અપેક્ષાએ અંત અવશ્ય છે, પરંતુ સર્વ અવસ્થામાં આત્મ તત્ત્વ કાયમ રહે છે. જેમ એક જ સોનામાંથી કેયૂર, કુંડલ, બંગડીઓ બનાવીએ છતાં બધામાં મૂળ સ્વરૂપે સોનું તો રહેલું જ છે. સોનાનો ઘાટ બદલાય છે. દ્રવ્યરૂપે સોનું શાશ્વત છે. પર્યાયમાં પરિવર્તન આવે છે, તેમ આત્મદ્રવ્ય જન્મ-મરણ ઈત્યાદિ અવસ્થામાં શાશ્વત રહે છે.
આત્માના ક્ષણિકવાદને સ્વીકારતાં હિંસા-અહિંસાનું ફળ શી રીતે ઘટી શકે ? સાધકની સાધનાનું શું પ્રયોજન? વળી મોક્ષ તત્ત્વ શી રીતે ઘટી શકે?
આત્માને નિત્ય માનવાથી રાગ થાય, તેથી મોક્ષમાં બાધા ઉત્પન્ન થાય; એવું બૌદ્ધોનું માનવું યોગ્ય નથી; આત્માની નિત્યતા સ્વીકાર્યા વિના મોક્ષની સિદ્ધિ ન થાય. જે માટીના પિંડને ચક્ર, કુંભાર ઈત્યાદિનો સંયોગ થાય, તેમાંથી જ ઘડો નિર્માણ થઈ શકે, અન્ય માટીના પિંડમાંથી નહીં. વળી જે શિલ્પીના હાથમાં અણઘડ પત્થર આવે, તેમાંથી જ મૂર્તિનું નિર્માણ થાય; અન્યમાંથી નહીં. જો આત્મા ક્ષણિક હોય તો આત્મજ્ઞાન, ચારિત્ર આદિ હેતુઓની