________________
૪૦૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
(૨) કર્મગ્રંથ અનુસાર અનાદિ મિથ્યાત્વી જીવને સૌ પ્રથમ ઉપશમ સમકિતની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં જ થાય છે. જ્યારે સિદ્ધાંતકાર અનુસાર કોઈ જીવને સર્વ પ્રથમ ક્ષયોપશમ અથવા કોઈ જીવને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમકિત ચારે ગતિના જીવો પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાતાધર્મકથામાં મેક્કુમારના આત્માએ હાથીના ભવમાં તથા દિગંબર મત અનુસાર ભગવાન મહાવીરના આત્માએ સિંહના ભવમાં સમકિતી પ્રાપ્ત કર્યું હતું, એવી માન્યતા છે.
(૩) સિદ્ધાંતકારોના મત અનુસાર જે જીવ સર્વ પ્રથમ ઔપશમિક સમકિત સંપાદન કરે છે, તેનો પ્રકાર કર્મગ્રંથકારોએ દર્શાવેલ યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયે ઔપશમિક સમકિત પ્રાપ્ત થાય છે ત્યાં સુધી મળતો આવે છે. અહીંવિશેષતા એ છે કે ઔપશમિક સમકિતના અનુભવ કાળમાં તે જીવ ‘પૂંજ’ કરતો નથી. અહીં સ્પષ્ટ થાય છે કે, જીવ નિર્મળ ઔપશમિક ભાવને અંતર્મુહૂર્ત સુધી અનુભવી, ત્યાર પછીમિથ્યાર્દષ્ટિ જ બનશે. તેને ક્ષયોપશમ કે મિશ્રર્દષ્ટિ એવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી.
જે જીવ પ્રથમ ક્ષયોપશમ સમકિત સંપાદન કરે છે, તે પૂર્વે પ્રથમ યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને. ત્યાર પછી અપૂર્વકરણના અધ્યવસાયો વડે ગ્રંથિભેદ કરે. અપૂર્વકરણના બળથી જ ત્રણ પૂંજ કરે પછી અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે. એ કરણના બળથી શુદ્ધ, મિશ્ર કે અશુદ્ધ એવા ત્રણ ગૂંજમાંથી શુદ્ધ પૂંજનો જ અનુભવ કરે અર્થાત્ ક્ષયોપશમ સમકિત મેળવે છે. તેથી ઔપશમિક સમકિતનો અધિકારી થયા વિના જ જીવ ક્ષયોપશમ સમકિતનો સ્વામી બને છે.
આ પ્રમાણે સિદ્ધાંતકારો અને કર્મગ્રંથના મતમાં ભિન્નતા હોવા છતાં અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ જ શ્રેણી વિનાનું ઔપશમિક સમકિત પામે છે. આ સંદર્ભમાં બંને સંમત છે.
(૪) કર્મગ્રંથકારોના મતે ક્ષયોપશમ સમકિતી જીવ મરીને વૈમાનિક દેવપણે જ ઉત્પન્ન થાય છે. સિદ્ધાંતકારોના મતે સમકિત પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં તે જીવ જાય છે અને સમકિત પણ તેની સાથે જાય છે. નરકગતિમાં છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વ સાથે લઈ જાય છે. શ્રેણિક મહારાજાએ સમકિત પ્રાપ્ત કરવા પૂર્વે નરકનું આયુષ્ય બાંધ્યું હોવાથી, તેઓ સમકિતી હોવા છતાં નરકમાં ગયા.
(૫) સિદ્ધાંતકારોના મતે ગ્રંથિભેદ થયા પછી કોઈ આત્મા સમકિત વમી નાખે, તો પણ તે મિથ્યાત્વી જીવ હવે ઉત્કૃષ્ટ કોટિના કર્મબંધન કરતો નથી. “જ્યારે ગ્રંથકારોના મતે મિથ્યાર્દષ્ટિ બનેલો આત્મા ઉત્કૃષ્ટ કોટિનાં કર્મો બાંધે છે પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં કર્મો બાંધતો નથી.
આ બંને પક્ષમાં સ્થિતિના સંદર્ભમાં વિવાદ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતાનું તીવ્રપણું ૨સ વિના દર્શાવી ન શકે, તેથી ખાસ કોઈ ભિન્નતા નથી.