________________
૪૩૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
સરોવરમાં રહેનારો હંસ છું. મેં કાગડાની સંગતિ કરી તેથી મારી આ દુર્દશા થઈ.'' ખરેખર ! દુષ્ટોનો સંગ દુઃખદાયી હોય છે.
૨૩) ભગવાન મહાવીર અને ગોશાલક ઃ (ભવભાવના પ્રકરણ – ભાગ-૨, પૃ. ૨૨૨-૨૨૫.)
જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરનો છદ્મસ્થ અવસ્થાનો, પોતાને શિષ્ય તરીકે જાહેર કરતો ગોશાલક નામે વ્યક્તિ હતો. તેણે પરમાત્મા પર જુલમ ગુજારવામાં કોઈ કમી રાખી ન હતી.
ભારે ગરીબીના કારણે તેને રખડતાં રખડતાં ભગવાન મહાવીર જેવા તારક મળ્યા. તે તેમનો વગર બનાવ્યે શિષ્ય થઈ પડયો. કૂર્મ ગામમાં વૈશ્યાયન તાપસ આતાપના લેતા હતા. તેમના વાળમાં ઘણી જુ જોઈને ગોશાળાએ તેને ‘ચૂકા શય્યાતર’ કહી મશ્કરી કરી. તાપસે ક્રોધિત થઈ ગોશાળા ઉપર તેજોલેશ્યા છોડી. ત્યારે તેને બચાવવા ભગવાને છદ્મસ્થ અવસ્થામાં શીતલેશ્યા છોડી. ગોશાળો ઉગરી ગયો. ત્યાર પછી તે ભગવાન પાસેથી તેજો લેશ્યાનો પાઠ શીખ્યો, તેમજ અષ્ટાંગ નિમિત્તોની જાણકારી મેળવી. આટલું જ્ઞાન પ્રાપ્ત થતાં તે અહંકારી બન્યો. સ્વયંને તીર્થંકર માનવા લાગ્યો. વિદ્યાનું અજીર્ણ અહંકાર છે. આગ્રહપૂર્વક સ્વીકારેલા પ્રભુને અસત્ય સાબિત કરવા પરમાત્મા મહાવીર દેવની સામે થયો.
ગોશાળાએ ભગવાનને અપશબ્દ કહ્યા. તેમની નિંદા કરી. ભગવાન મહાવીરના બે શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર તેને રોકવા આવ્યા. તેમને પણ તેણે તેજોલેશ્યા છોડી બાળી નાખ્યાં. એટલું જ નહિ તેણે તારક પરમાત્મા મહાવીર દેવ ઉપર તેજોલેશ્યા પણ છોડી, તે અગ્નિ જવાળા ભગવાનના શરીરને ત્રણ પ્રદક્ષિણા આપી ગોશાળાના શરીરમાં પ્રવેશી ગઈ. ભગવાન મહાવીરને છ માસ સુધી લોહીના ઝાડા થયા. ગોશાળાને કારણે ભગવાન મહાવીરને અનેક કષ્ટો વેઠવાં પડયાં, તેમ મિથ્યાત્વીના સંગથી ચતુર્ગતિનાં કષ્ટો વેઠવાં પડે છે. ૨૪)શ્રીપાળ-મયણા : (મંગલમયી મયણાસુંદરી અને શીલ સંપન્ન શ્રીપાળ રાજા, પૃ. ૬-૯. લેખિકા – સુનંદાબહેન.)
અંગદેશની ચંપાપુરી નગરીના સિંહરથ રાજા અને કમળપ્રભા રાણીનો શ્રીપાળ નામે રૂપવાન કુંવર હતો. અચાનક સિંહરથ રાજાને અસાધ્ય રોગ થતાં તેમનું મૃત્યુ થયું. ત્યારે શ્રીપાળ ફક્ત પાંચ વરસનો હતો. અનુભવી મંત્રીઓ દ્વારા રાણીએ શ્રીપાળ કુંવરનો રાજ્યાભિષેક કર્યો. પરંતુ શ્રીપાળના જ કાકા અજિતસેને રાજ્ય પડાવી લીધું. તેમજ બાળકુંવરને મારી નાખવાનું કાવત્રુ રચ્યું. આ કાવત્રાની જાણ થતાં રાજમાતા અને શ્રીપાળે ગુપ્તમાર્ગે રવાના થઈ રાજ્ય છોડયું. તેઓ જંગલમાં આવી પહોંચ્યા. અહીં રાજમહેલના ભોગ સુખો કે ખાધ સામગ્રી ન હતી. માતાની આંખમાં અશ્રુધારા હતી. રાત્રિએ જંગલમાં ભયંકર પશુઓની ત્રાડ સાંભળી ત્યારે રાણીએ નવકાર મંત્રનું શરણું સ્વીકાર્યું. રાણીના શીલના પ્રભાવે રાત્રિ નિર્વિઘ્ને પસાર થઈ. દિવસ થતાં બાળકે દૂધ માંગ્યુ. માતા બાળકને સમજાવતી હતી. તે વખતે ૭૦૦ કોઢિયા -કુષ્ટરોગીઓનું ટોળું ત્યાંથી નીકળ્યું. અજિતસેન રાજાના માણસોથી બચવા રાણી કુમારને લઈ કોઢિયાઓના ટોળામાં ભળી ગઈ. કોઢિયાના સંગથી શ્રીપાળને કોઢનો રોગ લાગુ પડયો. માતા અત્યંત દુઃખી થઇ. બાળકને ટોળામાં મૂકી કોઢની દવા શોધવા માતા દેશ-દેશાંતર ફરતી રહી. શ્રીપાળના શરીરના રોમે રોમમાં કોઢનો રોગ વ્યાપી ગયો. શ્રીપાળ રાજકુંવરને કોઢિયાના સહવાસથી ઉંબર જાતિનો કોઢનો રોગ થયો, તેમ મિથ્યાત્વના સંગથી ભવરોગ લાગુ પડે છે.