________________
૪૧૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
મેળવ્યું. તે ધન ખર્ચાઈ જતાં નિર્ધન બન્યો. લોહ વણિક પશ્ચાતાપ કરવા લાગ્યો. પોતાના ભાગ્યને કોસવા લાગ્યો, તેમ હે પ્રદેશી ! જો તમે ખોટી પ્રણાલિકા અને વિકૃત વ્યવહારનો ત્યાગ નહીં કરો તો લોહ વણિકની જેમ પાછળથી પસ્તાશો. કુળાચાર એ ધર્મ નથી પરંતુ પ્રાણી રક્ષા એ ધર્મ છે.’’
કેશી શ્રમણના વચનોથી પ્રદેશી રાજા જાગૃત થયો. તે બાર વ્રતધારી સુશ્રાવક થયો. પ્રદેશી રાજાની સૂર્યકાંતા રાણીએ પર પુરુષમાં આસક્ત થઈ, પૌષધના પારણેપ્રદેશી રાજાને ઝેર આપ્યું. આ વાતની પ્રદેશી રાજાને જાણ થઈ, છતાં રાણી પર દ્વેષ ન કર્યો. પોતાના અશુભ કર્મનો ઉદય સમજી પ્રદેશી રાજાએ અનશન કર્યું. તે સમતાભાવે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે સૂર્યભવિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા.
પ્રસ્તુત રચનામાં જીવ અને શરીર સંબંધી જૈન ફિલસૂફીની ચર્ચા કરવામાં આવી છે. જીવ અને શરીર (અજીવ) બંને સ્વતંત્ર દ્રવ્ય છે; એવું વિવિધ દેષ્ટાંત દ્વારા સુંદર રીતે ગ્રંથકાર પ્રસ્તુત કરે છે. જે આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મ પ્રત્યે અભાવ અથવા નાસ્તિક જણાતા યુવાનો માટે અતિ ઉપયોગી છે. આ કથા દ્રવ્યાનુયોગનું પ્રતિપાદન કરે છે. જેમાં જીવ અને અજીવ દ્રવ્યની વાત કહી છે. આ વિષય ઘણો ગહન છે. દ્રવ્યાનુયોગની વિચારણાથી દર્શન-સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. અર્થાત્ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.
પ્રદેશી રાજા નાસ્તિક હતા પરંતુ કદાગ્રહી ન હતા. તેઓ જિજ્ઞાસુ હતા તેથી કેશી શ્રમણને વિવિધ રીતે પ્રશ્નો પૂછી, જીવ અને દેહ સંબંધી પોતાની મિથ્યા માન્યતાઓને બદલી નાખી. કદાગ્રહી ન હોવાથી જ પ્રદેશી રાજાને હરિભદ્રસૂરિની જેમ સત્ય સમજાતાં તે સ્વીકારતાં વાર ન લાગી. તેઓ સત્યને જીવન પર્યંત વળગી રહ્યા. આ કથા એક બાજુ પ્રદેશી રાજાની નાસ્તિકતા દર્શાવે છે કે તો બીજી બાજુ સમકિત પ્રાપ્ત થયા પછીના વ્રતધારી શ્રાવકના લક્ષણો પણ દર્શાવે છે. સાચો સમકિતધારી દેહ અને આત્માની ભિન્નતા જાણે છે, તેથી વિકટ પ્રસંગોમાં પણ સમભાવ રાખે છે.
આ કથામાં દેહ અને જીવની સૂક્ષ્મ ગતિઓનો તેમજ નવતત્ત્વનો પરિચય કરાવવામાં આવ્યો છે. જેમકે જીવ શાશ્વત, અમૂર્ત (અરૂપી), અગુરુલઘુ, અપ્રતિહત છે. જીવથી વિપરીત અજીવ તત્ત્વ છે. જે જડ છે, નાશવંત છે, રૂપી છે. સ્વર્ગ એ પુણ્યનું ફળ છે. નરક એ પાપનું ફળ છે. શુભાશુભ કર્મ એ આસ્રવ છે. કર્મબંધ અનુસાર ફળ પ્રાપ્ત થાય છે. તેથી બંધતત્ત્વ છે. દેશવિરતિ ધર્મ એ સંવર છે. તપથી કર્મ નિર્જરા થાય છે. તેથી સંવર અને નિર્જરા તત્ત્વ સિદ્ધ થાય છે. સર્વશ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનથી અમૂર્ત જીવને જુએ છે. તેથી સર્વ કર્મનો ક્ષય એ મોક્ષ છે. આ પ્રમાણે આ કથામાં નવતત્ત્વનો પરિચય પણ થાય છે.