________________
૪૦૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
--
દેશના, પ્રયોગ અને કરણ એ પાંચે લબ્ધિનો વિશેષ ઉપયોગ કરી આગળ વધે છે. સમકિત પૂર્વે પાંચ લબ્ધિ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિઓનું વિશેષ મહત્ત્વ હોવાથી તેનું સ્વરૂપ જોઈએ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. સમ્યક્ત્વની પ્રાપ્તિને યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરાવે તે લબ્ધિ છે. તે પાંચ છે. તે લબ્ધિસાર ગ્રંથમાં દર્શાવેલ છે . (૧) ક્ષયોપશમ લબ્ધિ :- તત્ત્વવિચાર થઈ શકે તેવો કર્મોનો ક્ષયોપશમ થાય તે ક્ષયોપશમ લબ્ધિ કહેવાય. અકામ નિર્જરા અને શુભ અધ્યવસાયોના બળે જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની અશુભ પ્રકૃતિઓનો અનુભાગ (રસ) અનંતગણો ઘટવાથી જીવની ઉત્ક્રાંતિ થાય છે. સંશી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થતાં સમ્યક્ત્વના વિરોધી ગાઢ મિથ્યાત્વ કર્મને આત્મા દૂર કરે છે. અવ્યવહારરાશિમાંથી નીકળવામાં આ લબ્ધિના પરિણામોની મુખ્યતા રહે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને યોગ્ય સામગ્રી તરીકે સંશી પંચેન્દ્રિય તથા કર્મોનો ક્ષયોપશમપ્રાપ્ત થતાં જીવ જ્ઞાનનો ઉપયોગ તત્ત્વ નિર્ણયમાં કરે છે, તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય.
(૨) વિશુદ્ધિ લબ્ધિ :- ક્ષયોપશમ લબ્ધિના બળે અશુભકર્મોનો વિપાકોદય ઘટે છે, તેથી વિશુદ્ધિ વધે છે. શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થતાં દેહ અને ભોગો પ્રત્યેની તીવ્ર આસક્તિ ઓછી થતી જાય છે, તેથી સંસારની અરુચિ અને ધર્મપ્રત્યેની રુચિ વધે છે.
(૩) દેશના લબ્ધિ ́ :- દેશના એટલે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ. વિશિષ્ટ જ્ઞાની પાસેથી જીવને તત્ત્વજ્ઞાનરૂપ દેશના, ગંભીરતાથી સાંભળવાની આંતરિક રુચિ જન્મે છે. તે જીવ સત્સમાગમથી તત્ત્વોનો જ્ઞાતા બને છે. આ દેશના લબ્ધિ શ્રવણ, ગ્રહણ, ધારણ, નિર્ધારણ અને પરિણમનરૂપ છે. એવી ભૂમિકા પ્રાપ્તિના કારણરૂપ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ છે.
(૪) પ્રાયોગ્ય લબ્ધિ :- તત્ત્વજ્ઞાનના શ્રવણ આદિ દેશના લબ્ધિથી જીવ સ્વસ્વરૂપને જાણે છે, ત્યારે તેને પર પદાર્થ પ્રત્યેનું આકર્ષણ છૂટી જાય છે. તેનો ઉપયોગ પરથી હટી આત્માની સન્મુખ ઉત્તરોત્તર સૂક્ષ્મ થતો જાય છે, આવા શુભ ભાવોની ભૂમિકાને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય છે.” આ ભૂમિકામાં જીવ શાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મોનો રસ જે પર્વત જેવો કઠણ હતો તેને કાષ્ટ અને લતા જેવો પોચો બનાવે છે. વેદનીય આદિ ચારે અઘાતી કર્મોનો રસ હળાહળ ઝેર જેવો હતો, તેને લીંબડાના રસ જેવો મંદ બનાવે છે. અહીં °કર્મોની પૂર્વ સત્તા ઘટી અંતઃક્રોડા-ક્રોડી સાગરોપમ જેટલી રહે છે તથા નવીન કર્મોનો બંધ પણ તેટલો જ થાય છે. પાપ પ્રકૃતિઓનો સ્થિતિબંધ અને રસબંધ ઓછો થાય છે. પુણ્ય પ્રકૃતિનો શુભ રસ વધતો જાય છે. જેમ સહારાના રણમાં પવનના ઝપાટાથી રેતીના ઢગલાને ઉડાવવામાં બહુ તકલીફ પડતી નથી તે સહજ થાય છે, તેમ અહીં આવેલ જીવને કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી પણ સહજ થઈ જાય છે. આ ભૂમિકા પર જીવને વ્યવહારિક વ્રત-પ્રત્યાખ્યાન, તપ-ત્યાગના ભાવ વિશેષ રહે છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. તેનો બંધ અને ઉદય અહીં પણ ચાલુ છે. ઉપરોક્ત ચારે લબ્ધિનો કાળ અંતર્મુહૂર્ત છે.''આ ચારે લબ્ધિઓ ભવ્ય અને અભવ્ય બંનેને સરખી હોય છે.