________________
૩૭૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
પરાવર્તનમાં મોક્ષનો આશય પેદા થતો નથી.
ઈન્દ્રિયનું સુખ તે સાચું સુખ નથી. જેમ વિષ મિશ્રિત દૂધપાક ભૂખની પીડાને ક્ષણિક સંતોષનું સુખ-આનંદ આપે છે પણ તે મૃત્યુરૂપી દુઃખનું મૂળ છે, તેમ ઈન્દ્રિયજન્ય સુખ વ્યાધિરૂપ છે માટે દુઃખરૂપ છે.
મોક્ષનું સુખ સ્વાધીન છે. દેહ અને મનની વૃત્તિથી શારીરિક અને માનસિક દુઃખ થાય છે. તે વૃત્તિના અભાવથી સિદ્ધ સુખ પ્રાપ્ત થાય છે. સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષમાં મહાસુખ છે.
આત્માને સર્વવ્યાપી માનનારાના મત પ્રમાણે જીવનો સંસાર ઘટી શકતો નથી. જૈનદર્શન આત્માને શરીર પ્રમાણ માને છે, તેથી સંસાર અને મુક્તિ ઘટે છે. જીવે જે ભવનું (ગતિ) આયુષ્ય બાંધ્યું હોય, તે ક્ષેત્રમાં જાય છે. જીવને આનુપૂર્વી નામકર્મ તે ક્ષેત્રમાં લઈ જાય છે. જીવ ઋજુગતિએ મોક્ષમાં જાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જવું, એ સંસાર છે.
-
જીવ મોક્ષમાં ચાર કારણોએ ગમન કરે છે. ૧) પૂર્વપ્રયોગ - લાકડીથી ચાકડો ફેરવ્યા બાદ લાકડી ખસેડી લેવા છતાં ચાકડો કેટલોક કાલ ઘૂમ્યા કરે છે, તેમ કર્મથી મુક્ત થતાં જીવ એક સમય માટે ગતિશીલ રહે છે. ૨) સંગનો અભાવ – માટીની લેપ વિનાનું તુંબડું જેમ પાણીની સપાટી પર તરે છે, તેમ કર્મનો સંગ દૂર થતાં જીવ લોકાકાશની ઉપલી સપાટીએ ગમન કરે છે. ૩) બંધ વિચ્છેદ - જેમ કોશમાં રહેલું એરંડાનું બીજ કોષનું બંધન તૂટતાં ઉડીને બહાર નીકળે છે, તેમ કર્મબંધન ખસતાં જીવ ઉર્ધ્વગતિ કરે છે. ૪) અગ્નિશિખાનો સ્વભાવ ઉર્ધ્વગમનનો છે, તેમ કર્મભારથી હળવો બનેલો જીવ ઉર્ધ્વગતિ કરે છે.
જીવની મુક્તિ થવા વિષે જણાવતાં ઉપાધ્યાયજી કહે છે - કેવળી ભગવાન અઘાતી કર્મોનો ક્ષય કરવા સમુદ્દાત કરે છે, ત્યારે પોતાના શરીરમાં રહેલા અસંખ્ય આત્મપ્રદેશોને સંપૂર્ણ લોકમાં ફેલાવી દે છે. લોકના અસંખ્યાત આકાશ પ્રદેશ પર એક એક આત્મપ્રદેશ સ્થાપી દે છે. આખા લોકમાં ફેલાયેલા તે આત્મપ્રદેશોને ફરી સમેટી શરીર પ્રમાણે કરે છે. આમ કરવામાં એક પણ આત્મપ્રદેશો ખંડિત થતાં નથી, હંમેશા સાથે જ રહે છે. સિદ્ધ થતાં આત્મપ્રદેશો પૂર્વે દેહના પ્રમાણના ૧/૩ ભાગને છોડી ૨/૩ ભાગમાં સમાઈ જાય છે.
શ્રીમદ્ભુ પણ મોક્ષતત્ત્વની સિદ્ધિ અને તેના ઉપાયો જણાવતાં કહે છે –
૧૫
કર્મ અનંત પ્રકારનાં તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.
આત્માના આઠ ગુણોને દબાવનાર આઠ કર્મો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે. જે આત્માના મૌલિક ગુણોને ઢાંકી રાખે છે. આ ચાર ઘાતી કર્મમાંથી મોહનીય કર્મ સૌથી વધુ બળવાન છે. તે આત્માના અનંત ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખને દબાવી રાખે છે. મિથ્યાત્વ, રાગદ્વેષ એ શ્રદ્ધા ગુણનો વિકાર છે. તે દર્શન મોહનીય છે. ચારિત્ર ગુણને વિકારી બનાવે, તે ચારિત્ર મોહનીય કર્મ છે. કેવળી પરમાત્મા, જ્ઞાન, સંઘ, ધર્મ અને દેવનાં અવર્ણવાદ બોલવાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે અને કષાયના ઉદયથી થતા આત્મપરિણામ, ચારિત્ર મોહનીય કર્મનો બંધ હેતુ છે. દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષય કરવા બોધિબીજ તથા વીતરાગતા આ બે ઉપાય છે.