________________
૨૮૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
કષાયોની ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા હતી એમ સમજવું જોઈએ.
જે મોટા અપરાધો પણ સમભાવ રાખીને ક્રોધાદિને શાંત કરે છે, તે ઉપશમ ભાવવાળો કહેવાય છે. નિરપરાધી મેતાર્ય મુનિને સોનીએ મસ્તકે પાણીમાં ભીની કરેલી ચામડાની વાઘર પહેરાવી, સૂર્યના તાપમાં ઊભા રાખ્યા. સૂર્યના તાપથી વાઘર તપવા લાગી, અસહ્ય વેદના થઈ. માથું ફાટવા માંડ્યું, બંને નેત્રો બહાર આવ્યા, છતાં મુનિ સમતા રસમાં ઝીલતા હતા. મુનિએ સોની પ્રત્યે મનથી પણ દ્વેષ ન કર્યો. મેતાર્ય મુનિએ ઉપશમરસની પરાકાષ્ટારૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી. વિકટ પરિસ્થિતિમાં, ભયંકર ઉપસર્ગ કે પરિષહમાં સમતામય રહેવાવાળાની સમતા અનાહત (આઘાત ન પામે) સમતા કહેવાય છે. કષાયોની ખણજથી સમકિત આઘાત પામે છે.
ભગવાન મહાવીરના આત્માએ અનેક વખત સમકિત પ્રાપ્ત કરી ગુમાવ્યું હતું.
ભગવાન મહાવીરે નયસારના ભવમાં માર્ગમાં ભૂલા પડેલા મુનિવરને પ્રીતિપૂર્વક દાન આપ્યું. મુનિવરના મુખેથી જિનવાણીનું શ્રવણ કરી સ્વ-પરનો વિવેક જાગૃત થતાં સમકિત મેળવ્યું.
ત્રીજા મરીચિના ભવમાં ત્રિદંડીપણાના વેશમાં શિષ્યના રાગે તેમણે કહ્યું, ‘‘અહીં પણ ધર્મ છે અને ત્યાં જિનમાર્ગમાં પણ ધર્મ છે.’’ આ ઉત્સૂત્ર વચનથી સમકિતનો સૂર્યાસ્ત થયો. ત્યાર પછી મોટા મોટા બાર ભવો સુધી ધનના લોભમાં, વિષયવાસનાપૂર્વક ભોગવિલાસમાં તથા હિંસા, જૂઠ આદિ પાપકાર્યોમાં સમકિત પ્રાપ્ત ન થયું.
સોળમા વિશ્વભૂતિના ભવમાં પુનઃ સમ્યગ્દર્શનનું તેજ પ્રકાશિત થયું. તેથી મુનિપણું પ્રાપ્ત થયું. સમકિતના પ્રભાવે તપશ્ચર્યા, ધ્યાન, સાધનાના માધ્યમે સંયમ સ્થાન શુદ્ધ બનાવ્યું. પિત્રાઈ ભાઈના અપમાનથી ઉત્તેજિત થઈ મુનિવરે નિદાન કર્યું. કષાયરૂપી વાયુ દ્વારા સમકિતની જ્યોત પુનઃ બુઝાઈ જતાં ફરીથી જીવનું અધઃપતન થયું.
અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અગીયારમા શ્રેયાંસનાથ તીર્થંકરના ચરણોમાં એકવાર ફરીથી સમકિતની જ્યોત પ્રગટી હતી. રાજ્યોની ખટપટ, વિષયવાસનાની તીવ્ર લાલસાએ ફરીથી સકિત ગુમાવ્યું. તે ભવમાં શય્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડાવી, રૌદ્રધ્યાન કરી નરકમાં ગયા.
બાવીસમા ભવમાં આત્મજ્યોતિના પ્રકાશથી વિમલકુમારે સંસાર છોડી સંયમ સ્વીકાર્યો. જીવમાત્ર પ્રત્યે અહિંસાની તીવ્ર ભાવના અને તપશ્ચર્યાથી કર્મમળ ધોવાઈ જતાં આત્મજ્યોતિ વધુ પ્રકાશમાન થઈ. ત્રેવીસમા ભવમાં પ્રિયમિત્ર ચક્રવર્તી થયા. છ ખંડનું સામ્રાજ્ય છોડી સંયમ શૂરા બન્યા.
પચ્ચીસમા ભવમાં નંદનમુનિ બન્યા. અહીં ક્ષાયિક સમકિતી બન્યા. ‘સલ્વિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું.
ભગવાન મહાવીરનું દ્રષ્ટાંત આપણને શીખ આપે છે કે, ઔપશમિક કે ક્ષયોપશમ સમકિત અશુભ નિમિત્તો મળતાં ગુમાવી દેવાય છે, છતાં જેને એકવાર આત્મસ્વરૂપનું દર્શન થાય છે, તે આત્મા વધુમાં વધુ દેશે ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. જેમ પવનના ઝપાટાથી વૃક્ષ પરનાં પાંદડાઓ સ્વયં ખરી જાય છે, તેમ સમકિત આવ્યા પછી સકામ નિર્જરાના બળે કર્મસત્તા સ્વયં ખરી પડે છે.