________________
૩૭૦
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
કવિ યશોવિજયજી તાત્ત્વિક શિરોમણિ હતા. તેથી છ સ્થાનકમાં વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય કરી વાદીઓની સામે અનેકાંતરૂપ સિંહનાદ કર્યો છે. તેમણે આ સ્થાનકોમાં ગંભીર આશય પ્રગટ કર્યો છે. તેમની અસાધારણ બુદ્ધિમત્તા જોઈને ચિત્તમાં ચમત્કાર થયા વિના રહેતો નથી. આ છ સ્થાનકોનું વર્ણન કવિ ઋષભદાસે અતિ સંક્ષિપ્ત રીતે કેવલ નામનિર્દેશન કરી દર્શાવેલ છે. આ છ સ્થાનકો ભવ્ય જીવોને બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. તેમજ કેટલાય આત્માઓના અંતઃકરણ જિનશાસનના અવિહડ રંગથી રંગાય, તેવી રીતે કવિ યશોવિજયજીએ આ સજઝાયમાં ગૂંથેલ છે. પૂર્વના મહર્ષિઓ રચિત કઠિન વિષયોવાળા ગ્રંથને સરળ ગુર્જર પદ્યમય અકૃત્રિમ અનુવાદ કરવાની તેઓ અપૂર્વ શક્તિ અને કુશળતા ધરાવતા હતા. આપણને તે પરમ પ્રભાવકની જિનશાસન પ્રત્યેની દાઝ અને વિદ્વતા અહીં નજરે ચઢે છે.
કવિ ઋષભદાસે સમકિતના સડસઠ બોલમાંથી કેટલાંક બોલ સંક્ષિપ્ત રીતે કહ્યાં છે, જ્યારે કેટલાક બોલમાં કથાઓ દ્વારા વિવરણાત્મકરૂપ પણ આપ્યું છે. કવિના શબ્દો અત્યંત સરળ અને સુગમતાથી સમજાય તેવાં છે, જ્યારે કવિ યશોવિજયજીની સજઝાયના શબ્દો અત્યંત માર્મિક અને કઠિન છે. તે સમજવા માટે અન્યગ્રંથોનો સહારો લેવો પડે છે. કવિ યશોવિજયજીએ સમક્તિના સડસઠ બોલમાંથી ૫૫ બોલ સંક્ષિપ્તમાં કહ્યાં છે. છ ભાવના અને છ સ્થાન એમ ૧૨ બોલ વિસ્તારથી કહ્યાં છે. આ બોલ ઘણાં આગમના રહસ્યોને તેમજ જિનશાસનની સાધનાના રહસ્યને પ્રગટ કરે છે.
તેમની સજઝાયકૃતિ તત્ત્તરસથી ભરપૂર અને બોધપ્રદ છે. તેમની એક એક પંક્તિમાં તર્ક અને કાવ્યનો પ્રસાદ તરી આવે છે. આવા એક પ્રસાદિક કવિ જેઓ મુક્તિમાર્ગના અનન્ય ઉપાસક, અખંડસંવેગી, પ્રખર જિનાજ્ઞા પ્રતિપાલક અને પ્રચારક મહાપુરુષની આ સજઝાય ગંભીર અને જિનાગમરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરિત થયેલી છે. તેથી તેના રહસ્યને પૂરે પૂરો પાર પામવા માટે આગમશાસ્ત્રોના પારગામી એવા ગીતાર્થ ગુરુઓના ચરણોની સેવાનો આશ્રય એ જ એક ઉપાય છે. આવિશેષતાથી જ કવિ ‘તાત્ત્વિક કવિ' તરીકે ઓળખાયા છે.
કવિ ઋષભદાસ એક શ્રાવક કવિ છે. તેમની કૃતિ પ્રમાણમાં દીર્ઘ છે, પરંતુ વિવરણાત્મક હોવાથી સમજવામાં સરળ છે. કવિએ આ રાસકૃતિમાં શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો આપી વિષયને સુગમ અને સરળ પણ બનાવ્યો છે. કવિ ઋષભદાસ પાસે કવિ યશોવિજયજી જેવી તાત્ત્વિક શક્તિનો અભાવ છે, છતાં ગૃહસ્થ શ્રાવક કવિએ પોતાની સંપૂર્ણ ‘સમકિતસાર રાસકૃતિને કથાપ્રસ્તુતિના કૌશલ્યથી મઠારી છે. કવિ ઋષભદાસે પ્રસંગોપાત કથાઓનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે. કવિ ઋષભદાસે સંભવ છે કે સામાન્ય જીવો આ રાસકૃતિને સરળતાથી સમજી શકે તેથી તે પ્રમાણેની રચના પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો હોય.
કવિ ઋષભદાસની આ કૃતિ કથાઓ ઉપરાંત અન્ય સિદ્ધાંતો જેમ કે પંચાચાર, વંદનાના ૩૨ દોષ, ૩૩ આશાતના, સંયમને અયોગ્ય પ્રાણીઓ, કુગુરુનું સ્વરૂપ, આગમનું સ્વરૂપ, નપુંસકનું વર્ણન, દાનનો મહિમા ઇત્યાદિ વિષયોને કારણે દીર્ઘ અને વિવરણાત્મક બની છે, જ્યારે કવિ યશોવિજયજીની સજઝાય તાત્ત્વિક ભાવોને કારણે તત્ત્વ સભર અને સંક્ષિપ્ત બની છે.
કવિ ઋષભદાસે વિષયાનુસાર જ્યાં જ્યાં વિસ્તાર કરવા મળ્યો, ત્યાં તેમણે શાસ્ત્રમાંથી જ લઈ આ રાસ કૃતિમાં ઉમેર્યું છે. કવિ યશોવિજયજી તર્ક અને ન્યાયના વિશારદ હોવાથી તેમનો એક એક અક્ષર અતિ મૂલ્યવાન અને રહસ્યથી ભરપૂર છે. તેમણે અતિ સંક્ષિપ્ત રીતે, વિષયાનુસાર ખૂબ જ ટૂંકાણમાં પરંતુ ઘણા રહસ્યો સાથે વેધક