________________
૩૦૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
સમકિતનું ફળ : કવિએ કડી૮૩૨ થી ૮૩૪માં સમકિતનું ફળ દર્શાવ્યું છે.
સમકિતની પ્રાપ્તિથી આધ્યાત્મિક અને વ્યવહારિક ફળ મળે છે.
(૧) ભવપ્રપંચારૂપ મિથ્યાત્વનો નાશ થાય છે. (૨) જીવનો સંસારકાળ મર્યાદિત બને છે. (૩) તે જીવ હવે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ *અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં કંઈક ઓછું એટલા સમયમાં મોક્ષે જશે. (૪) સમકિતી મનુષ્ય અને તિર્યંચ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. સમકિતી નારકી કે દેવ મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે. (૫) સમકિતના સદ્ભાવમાં જીવ સાત બોલમાં આયુષ્યનો બંધ ન કરે. નરક, તિર્યંચ, ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષનું આયુષ્ય તેમજ સ્ત્રી વેદ, નપુંસક વેદ ન બાંધે. (૬) ચક્રવર્તીની પદવી નિર્મળ સમકિતથી મળે છે. (૭) સમકિતી ઉત્કૃષ્ટ કોટિના પાપ કર્મ ન બાંધે. અરે! શ્રી તીર્થંકર આદિની આશાતના વગેરે મહાપાપ કરનાર જીવ પણ સમ્યગ્દર્શન પામ્યા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં ભમતો નથી. ઉ.દા. ગોશાલક. (૮) સમકિતી જીવની ઉત્તરોત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય છે .
અહો! સમ્યગ્દર્શન આવતાં જ સંસાર પરિત થાય. કેવું અદ્ભૂત અને કલ્યાણકારી છે સમ્યગ્દર્શન!! કવિ કડી-૮૩૫માં કહે છે કે આ જગતના સર્વ પદાર્થો અને સંબંધો પુણ્ય પરવારતાં અશ્રેયસ્કર બની શકે છે. ભવ્ય જીવ માટે સમ્યગ્દર્શન ઉત્તરોત્તર શ્રેયકારી બને છે.
શ્રીમદ્ જિનહર્ષગણિએ સમ્યક્ત્વ કૌમુદી ગ્રંથમાં કહ્યું છે -
૨૦૦
सम्यक्त्वरत्नान्न परं हि रत्नं सम्यक्त्व मित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबंधोर्न परो हि बन्धुः सम्यक्त्वलाभान्न परो हि लाभ: ।।
અર્થ: આ સંસારમાં સમ્યક્ત્વ રત્નથી શ્રેષ્ઠ કોઈ રત્ન નથી. સમ્યક્ત્વ મિત્રથી વધીને શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી. સમ્યક્ત્વરૂપી બાંધવથી ઉત્તમ કોઈ બાંધવ નથી અને સમ્યક્ત્વ લાભથી વધીને કોઈ શ્રેષ્ઠ લાભ નથી.
કુટુંબ બે પ્રકારના છે - દ્રવ્ય કુટુંબ અને ભાવ કુટુંબ. માતા-પિતા, પુત્ર-પુત્રી એ દ્રવ્ય કુટુંબ છે. આત્મિકગુણો એ ભાવ કુટુંબ છે. સમકિતી જીવને ભાવકુટુંબ સાથે સંબંધ છે.
૨૦૧
સમકિતીનું ભાવકુટુંબ
•
(૧) ઉદાસીનતા - ચિત્તશુદ્ધિથી સમૃદ્ધ બનેલા આત્માનું એક જ ધ્યેય હોય છે કે હું કર્મથી કેમ હળવો બનું ? હોસ્પિટલની નર્સ નવજાત શિશુને રમાડે પરંતુ ‘આ બાળક મારું નથી' એવી પ્રતીતિ તેને સતત હોય છે, તેમ સમ્યગ્દૃષ્ટિ આત્મા સંસારના સર્વ વ્યવહારો કરે પણ ઉપયોગ સતત આત્મસ્વરૂપમાં હોય છે. તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય -ઉદાસીનતા જાગે છે.
* અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ - જીવ પુદ્ગલોને ગ્રહણ કરી શરીર, ભાષા, મન અને શ્વાસોશ્વાસના રૂપમાં પરિણત કરે છે. જ્યારે કોઈ જીવ જગતમાં રહેલા સમગ્ર પરમાણુઓને (આહારક શરીર સિવાય) શેષ સર્વ શરીરોના રૂપે તથા ભાષા, મન અને શ્વાસોશ્વાસના રૂપમાં પરિણત કરી તેને છોડી દે, તેમાં જેટલો કાળ લાગે તેને પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય, તથા તેનાથી અડધો કાળ તે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય. તેમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી આવે છે. (શ્રી ભગવતીસૂત્ર- ૩/૧૨/૪/૩૫, પૃ.-૬૯૪, પ્ર.- શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન)