________________
३०३
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
જેમ દાનેશ્વરી દાન આપી કીર્તિની રક્ષા કરે છે, કૃપણ તિજોરીમાં ધન સાચવી તેની સુરક્ષા કરે છે, તેમ ભવ્ય જીવો સમકિતની સુરક્ષા કરે છે...૮૪૦
જેમ દરિયો મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, ધર્મમાં શૂરવીર વ્યકિત લીધેલા વ્રત-નિયમોનું પ્રાણના ભોગે પણ જતન કરે છે, તેમ સમકિતીએ સમકિતને અખંડ પણે સાચવવું જોઈએ...૮૪૧
જેમ ઉત્તમ બળદો ગમે તેવા સંજોગોમાં પણ ધૂંસરી છોડતાં નથી, ઉત્તમ સ્ત્રીઓ આપત્તિમાં પતિનો સાથ છોડતી નથી, તેમ સમકિતી આત્મા બેધ્યાની બની સમકિત છોડતો નથી....૮૪૨
• સમકિતના પ્રકારઃ
કવિએ કડી૮૨૪ થી ૮૨૯માં સમકિતના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે.
(૧) એક પ્રકાર : શુદ્ધ આત્મ પરિણતિ એ મુખ્ય સમકિત છે, જે દર્શન સપ્તકના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે.
(૨) બે પ્રકાર : નિતવિધિખાવ્વા તત્વાર્થસૂત્ર.૬૦૩ II
અન્યના ઉપદેશની અપેક્ષા વિના જીવના સ્વયંના પરિણામથી ઉત્પન્ન થતું સમકિત તે નિસર્ગજ સમકિત છે. સંત, શ્રવણ અને શાસ્ત્ર આદિ નિમિત્તથી ઉત્પન્ન થતું સમકિત તે અધિગમજ સમકિત છે. (૩) ત્રણપ્રકાર : રોચક, કારક અને દીપક સમકિત.
૦ રોચક સમકિત – આ સમકિતના પ્રભાવથી સમકિતીને માત્ર સમ્યક્ ક્રિયામાં રુચિ હોય છે. તે ૪થા ગુણસ્થાનકવાળાને હોય છે. સમકિતી શ્રેણિક અને શ્રી કૃષ્ણ મહારાજાની જેમ સદાનુષ્ઠાનમાં રુચિ થાય પણ આચરણ કરી શકતા નથી.
૦ કારક સમકિત – આ સમકિતના પ્રભાવથી સમકિતી દઢ શ્રદ્ધાવાન બની સમ્યક્ ચારિત્રનું પાલન કરે છે. તે ૫,૬,૭મા ગુણસ્થાનકવાળાને હોય છે.
• દીપક સમકિત – જેમ દીપકની નીચે અંધારું હોય છે, તેમ આ સમકિતીને તત્ત્વજ્ઞાન હોય પણ તત્ત્વશ્રદ્ધા ન હોય. આવા જીવો બીજાને સમકિત પમાડે પરંતુ સ્વયં કોરા રહે છે. અંગારમર્દકાચાર્યના ૫૦૦ શિષ્યો તેમનાથી સમકિત પામ્યા પરંતુ આચાર્ય સ્વયં મિથ્યાત્વી રહ્યા.
(૪) ચાર અને પાંચ પ્રકારનું વિવેચન આ પ્રકરણમાં પૂર્વે થઈ ગયું છે.
(૫)દશપ્રકાર : સમકિત એ અનુભૂતિનો વિષય છે. અનુભૂતિના સ્તરે પહોંચતાં પહેલાં સાધકને તત્ત્વોની શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થવી અનિવાર્ય છે. દસ પ્રકારની રુચિ સમકિતપ્રાપ્તિના નિમિત્તરૂપ હોવાથી તેને સમકિતના પ્રકારોમાં ગણેલ છે. જેમ જવરનો રોગ નષ્ટ થતાં તંદુરસ્ત માણસને ભોજનની રુચિ થાય છે તેવી જ રીતે મિથ્યાત્વરૂપી જવર નષ્ટ થતાં કર્મોના ભારથી હળવા બનેલા જીવને દસ પ્રકારે ધર્મારાધના કરવાની રુચિ જાગે છે. જેમ રુચિપૂર્વક કરેલું ભોજન શરીરને પુષ્ટ કરે છે, તેમ રુચિપૂર્વક કરેલું ધર્માચરણ જીવ માટે પુષ્ટિકારક બને છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સમકિતના દસ પ્રકાર દર્શાવેલ છે.