________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
જેવી રીતે પક્ષીને આકાશમાં ઉડવા માટે આંખ અને પાંખની જરૂર છે. તેવીજ રીતે મોક્ષયાત્રામાં સમ્યક્ત્વ સાથેની કરણી(ક્રિયા)ની આવશ્યકતા છે. તેને ઘી અને સાકરરૂપ ઉપમા અલંકાર વડે કવિએ અલંકૃત કરી છે. ઘી અને સાકર મિશ્રિત સેવ પુષ્ટિકારક અને શક્તિવર્ધક બને છે, તેમ સમ્યકત્વ સહિતની ક્રિયા આત્માને ઊર્ધ્વગામી અને કર્મથી હલકો બનાવે છે.
સમકિતનો પ્રતિપક્ષ મિથ્યાત્વ છે, જે મોહનીય કર્મની પ્રકૃતિ છે. સૌ પ્રથમ મોહનીય કર્મ શું છે? તે જોઈએ.
વાળ, નખનો ઉપરનો ભાગ, દાંતની અણીઓ, નાક, કાન, મોટું અને પેટ વગેરેનાં પોલાણોમાં આત્મા નથી, બાકી આખા શરીરના સંપૂર્ણ ભાગમાં આત્મા વ્યાપ્ત છે. પ્રત્યેક આત્માનો સ્વભાવ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો છે; છતાં પ્રત્યેક આત્મા પૂર્વકૃત કર્મ અનુસાર જીવનમાં સુખ-દુ:ખ જેવી ઘટનાઓનો સહભાગી બને છે. આત્માના અસંખ્યાત પ્રદેશો ઉપર અનંત કર્મોના થર જામેલા છે. આ કર્મ તપાવેલા લોખંડમાં અગ્નિના પ્રવેશ સમાન અથવા દૂધમાં પાણીની જેમ આત્મા સાથે ભળી ગયાં છે.
આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, અક્ષયસ્થિતિ, અરૂપી, અગુરુ લઘુત્વ અને સંપૂર્ણ બળ-વીર્ય એ આઠ મુખ્ય ગુણો છે. આ ગુણોનું આવરણ કરનાર મુખ્ય આઠ કર્મ છે. તેમાં મોહનીય કર્મ એ મુખ્ય કર્મ છે. તેના બે ભેદ છે. ૧) દર્શન મોહનીય-જે સમકિત ગુણને છૂપાવે છે, તેમજ આત્માના ચૈતન્ય સ્વરૂપનું વિસ્મરણ કરાવે છે. ૨) ચારિત્રમોહનીય - જે ચારિત્રગુણને ઢાંકે છે.
દર્શન મોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય. આ ત્રણને ‘દર્શન ત્રિક' કહેવાય છે. સમકિત ગુણને પૂર્ણરૂપથી ઢાંકનાર મિથ્યાત્વ મોહનીય કર્મ છે. સમકિત ગુણને અડધું ઢાંકનાર મિશ્ર મોહનીય કર્મ છે. સમકિત ગુણને આંશિક ઢાંકનાર સમકિત મોહનીય કર્મ છે. ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણની જેમ સમજવું.
ચારિત્ર ગુણને ઢાંકનાર ચારિત્ર મોહનીય કર્મ છે. તેના બે પ્રકાર છે. કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીયના ચાર પ્રકાર છે. ૧) અનંતાનુબંધી. ૨) અપ્રત્યાખ્યાનાવરણીય. ૩) પ્રત્યાખ્યાનાવરણીય. ૪) સંજ્વલન.
૧) અનંતાનુબંધી કષાયઃ જે કષાય જીવને અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે તે અનંતાનુબંધી કષાય છે. તે લોહપિંડ જેવો છે. તેની સ્થિતિ જીવન પર્યત છે. તેના અસ્તિત્વમાં જીવ નરક ગતિનો બંધ કરે છે. આ કષાય સમ્યકત્વ ગુણનો ઘાત કરે છે. તેથી જ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં તેને સર્વપ્રથમ ક્ષય કરવાનું ગ્રંથકાર કહે છે
खवणं पडुच्च पढमा, पढमगुणविघाइणो त्ति वा जम्हा ।
संजोयणाकसाया, भवादिसंजोयणाओ (दो) त्ति ।। અર્થ સમ્યગુદર્શન પ્રાપ્ત થતાં અને ક્ષપકશ્રેણીમાં પ્રથમ તેનો ક્ષય થાય અથવા સમ્યગુદર્શરૂપ પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી તે પ્રથમ કષાય છે. સંસારમાં યોજનાર હોવાથી તેને સંયોજના કષાય કહેવાય છે. તે લોઢાના ગોળા જેવો છે. તેની સ્થિતિ જીવન પર્વતની છે. તેના સર્ભાવમાં નરકગતિનો બંધ પડે છે.