________________
૧૯૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક (નવદીક્ષિત), ગ્લાન, સાધુ, સમનોજ્ઞ, સંઘ, કુલ, ગણ એમ દશની વૈયાવચ્ચ ક૨વી. તેમને અન્નપાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટલા, સંથારા, વગેરે આપી સંયમ પાલનમાં સહાયક બનવું, શુશ્રુષા કરવી, ઔષધ આપવું ઈત્યાદિ પ્રકારે શાતા પહોંચાડવી તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચનું ફળ દર્શાવતાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે –
વૈયાવચ્ચ કરવાથી જીવ તીર્થંકર નામ કર્મનો બંધ કરે છે.’
વૈયાવચ્ચના સંદર્ભમાં કવિએ સરળ ભાષામાં રોચક રીતે નંદિષેણ મુનિનું દૃષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. આ કથાનક સાધના માર્ગનો આરોહ-અવરોહ દર્શાવે છે. નંદિષણ મુનિએ સાધનાનું ફળ માંગી સમકિત ગુમાવ્યું. નંદિષેણ મુનિએ મિથ્યાત્વ અવસ્થામાં નિયાણું કર્યું.
નિયાણું : નિયાણું = તપ અને સંયમના ફળ સ્વરૂપે ભૌતિક સુખની અથવા અન્ય કોઈપણ પદાર્થની ઈચ્છા કરવી. જૈનદર્શનમાં માયા, નિદાન અને મિથ્યાત્વને શલ્ય કહ્યા છે. આ ત્રણ શલ્યને દૂર કર્યા વિના મોક્ષમાર્ગની કેડી પર ચાલવું અસંભવ છે. સાધકે ઈચ્છાનો નિરોધ કરવો તે જ સાધના છે. શ્રી દશાશ્રુતસ્કંધમાં ૧૦ મી દશામાં નવ પ્રકારના નિદાનસૂત્રકારે દર્શાવેલ છે. (૧) રાજા (૨) શ્રેષ્ઠી (૩) પુરુષ (૪) સ્ત્રી (૫) પરપ્રવિચાર (૬) સ્વ-પ્રવિચાર (૭) અલ્પવિકાર (૮) દરિદ્રી (૯) વ્રતધારી શ્રાવક.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે
सम्मदंसण रत्ता अणियाणा सुक्कलसमोगा " । इय जे मरंति जीवा तेसिं सुलभा भवे बोहि ।।
અર્થ : સમ્યગ્દર્શનથી યુક્ત નિદાનરહિત અને શુક્લલેશ્યાથી યુક્ત જીવો સુલભ બોધિ બને છે . ઉપાધ્યાય યશોવિજયજી કહે છે
निषेधायानयोरेव विचित्रानर्थदायिनोः ।
सर्वत्रैवानिदानत्वं जिनेन्द्रेः प्रतिपादितम् ।।
અર્થ : વિચિત્ર અનર્થને ઉત્પન્ન કરનારા અનુષ્ઠાનોનો નિષેધ કરવા માટે જિનેશ્વરોએ નિદાન ન કરવાનું પ્રતિપાદન કર્યું છે.
નિયાણું આત્મ વિકાસમાં પ્રતિબંધક છે. સમ્યક્ત્વયુક્ત ભાવધર્મ સહિત કરેલી ધર્મક્રિયા મંડૂકચૂર્ણ જેવી છે. મિથ્યાત્વની હાજરીમાં કરેલા સુકૃત્યના ફળ સ્વરૂપે જે માંગણી કરાય છે તે નિદાન શલ્ય બને છે જે સંસાર વૃદ્ધિનું કારણ બને છે.
ભગવાન મહાવીરના આત્માએ સોળમા વિશ્વભૂતિ મુનિના ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી નિયાણું કર્યું હતું. શ્રી હરિભદ્રસૂરિ કૃત સમરાદિત્ય કેવલીની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા, રાજકુમાર ગુણસેનના હાથે અવહેલના પામતાં દીક્ષા લઈ ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણું બાંધે છે; આવું નિયાણું અપ્રશસ્ત પ્રકારનું છે.