________________
૨૦૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
વળી અન્ય દર્શનના શાસ્ત્રોનું શ્રવણ કર્યું, તેની પ્રશંસા કરી અંતઃકરણપૂર્વક તેની શ્રદ્ધા કરી. આ રીતે મિથ્યાત્વની ક્રિયાઓ કરીદુર્ગતિ નારીનો સંગ કર્યો...૪૭૨.
(આવું કરનાર ભવ્ય જીવને) શુભગતિરૂપી નારીએ ધક્કો માર્યો. તેથી જૈન ધર્મનો તેમજ શુભ ક્રિયાનો પણ ત્યાગ કર્યો. (આવા જીવની) મોહનીય કર્મના કારણે મતિ ખરાબ થઈ...૪૭૩.
આ પ્રમાણે વિવિધ યોનિઓમાં ભવોભવ પરિભ્રમણ કરી વિવિધ આકાંક્ષાઓ કરી હોય તેનું દેવ ગુરુ અને જિનપ્રતિમાની સાક્ષીએ ભાવપૂર્વક મિચ્છામિદુક્કડં સ્વીકારું છું...૪૭૪.
(૨) કાંક્ષાઃ
જિનેશ્વર પ્રરૂપિત અહિંસા ધર્મને છોડી અન્ય દર્શનની ઈચ્છા કરવી તે કાંક્ષા દૂષણ છે. તેના બે પ્રકાર છે. (૧) દેશકાંક્ષા (૨)સર્વકાંક્ષા. જેમાં સર્વ પાખંડી ધર્મોને સેવવાની ઈચ્છા હોય તે સર્વકાંક્ષા છે, તથા જેમાં કોઈ એક પાખંડી (અન્ય ધર્મ) ધર્મને સેવવાની ઈચ્છા હોય જેમકે ભગવાન બુદ્ધ શરીરને સુખ ઉપજે એ રીતે ધર્મદર્શાવ્યો છે માટે તેમનો ધર્મ ઉત્તમ છે, સુવિધાજનક છે, એવું વિચારવું તે કાંક્ષા દૂષણ છે. અરિહંત દેવોના વચનોમાં અવિશ્વાસના કારણેજ કાંક્ષા દોષ ઉત્પન્ન થાય છે. સાક્ષાત્ કલ્પવૃક્ષ મળ્યા પછી બાવળની કામના કરનાર મૂઢ તથા અજ્ઞાની છે. અન્ય ધર્મના ચમત્કાર જોઈ અન્ય મતની આકાંક્ષા કરવાથી સમકિત પ્રાપ્ત થવું દુર્લભ બને છે, અથવા સમકિત હોય તો ચાલ્યું જવાની સંભાવના છે.
કેટલાક મુગ્ધ જીવો ઘણો ધર્મ કરવાની બુદ્ધિએ સર્વ ધર્મોને આરાધે છે. સર્વ ધર્મને આરાધનારો લાભને બદલે નુકસાન મેળવે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવેલું અનાજ મહેનત દ્વારા ઘણો પાક આપે છે, પણ સર્વત્ર વાવેતર કરનારો બીજ ગુમાવે છે. કારણકે યોગ્ય ભૂમિમાં તે પૂર્ણ પ્રયત્ન કરી શકતો નથી. ઔચિત્ય સર્વનું કરવું જોઈએ, પરંતુ ધર્મબુદ્ધિએ અન્ય ધર્મની ઈચ્છા કરવી એ દૂષણ છે.
અહીં જૈનદર્શન જ શ્રેષ્ઠ છે, એવો ભાવ નથી. જૈનદર્શન વીતરાગ પ્રરૂપિત અનેકાત્તમય હોવાથી શ્રેષ્ઠ છે. સંક્ષેપમાં એક ધ્યેય નિશ્ચિત કર્યા પછી તેને મક્કમતાથી વળગી રહેવાને બદલે અન્ય પદાર્થોની આકાંક્ષા કરવાથી લક્ષ્ય સુધી પહોંચવા માટેની શ્રદ્ધામાં ઉણપ આવે છે.
ઉપરોક્ત ઢાળમાં કવિએ જગતના વિવિધ મિથ્યાત્વી દેવો અને ધર્મગુરુઓનો નામોલ્લેખ કર્યો છે. કડી ૪૭૨ અને ૪૭૩માં મિથ્યાત્વને દુર્ગતિરૂપી અશુભ નારી તથા સમકિતીને સદ્ગતિરૂપી શુભ નારી સાથે સરખાવી છે. મિથ્યાત્વનું સેવન કરનાર દુર્ગતિમાં જાય છે, જ્યારે સમકિતનું સેવન કરનાર સદ્ગતિમાં જાય છે. તેથી મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકત્વનું આચરણ કરવું, તેમજ પૂર્વે સેવેલા મિથ્યાત્વ ધર્મની ગુરુ સાક્ષીએ આલોચના (મિચ્છામિદુક્કડ) લેવી જોઈએ. આલોચના એ પ્રતિક્રમણ છે. પાપોનું પ્રાયશ્ચિત ભવિષ્યમાં ભૂલ નહિ કરવાના નિર્ણયપૂર્વક જ હોય છે.