________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે
અર્થ: આ જગતમાં કિંમતી વસ્તુઓ ઘણી છે. જેમકે કામનાપૂરક કુંભ, ચિંતામણિરત્ન, ઈક્ષરસ, અમૃત ચિત્રાવેલી, આ શ્રેષ્ઠ વસ્તુઓ જો ઘરે આવે તો રંગરેલી (આનંદ) થાય છે...૮
કામધેનુ, કલ્પવૃક્ષ જેમ જગતમાં ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરાવે છે તેમ દક્ષિણાવર્ત શંખ પણ મંગલકારી સારી વસ્તુ છે. આ પદાર્થો પ્રાપ્ત થતાં દરિદ્રતા દૂર થાય છે. અપાર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે....૯
મોહનવેલી જગતના લોકોને મોહિત કરે છે. ચંદન તાપનું નિવારણ કરી શીતળતા બક્ષે છે. અમૃત રસનો કુંભ જગતમાં કિંમતી છે. લોખંડના ઢગલા પર પારસમણિનો રસ છાંટતાં તે લોખંડ સુવર્ણરૂપે પરિવર્તિત થાય છે...૧૦
મણિધર નાગની ફેણમાં રહેલું મણિ અતિ કિંમતી છે કારણ કે તે મહાવિષને દૂર કરનાર છે. જગતમાં ઘણી કિંમતી અને શ્રેષ્ઠ વસ્તુઓ છે, પણ સમકિતની તોલે એક પણ વસ્તુ ન આવે..૧૧
પૂર્વે કામકુંભ આદિ વર્ણવ્યા તે સર્વ એક ભવમાં સુખ પ્રદાન કરે છે, પરંતુ સમકિત ભવોભવ સુખ આપે છે. સમ્યક્ત્વથી દેવનો અવતાર મળે છે...૧૨
સમકિત જગતમાં શ્રેષ્ઠ છે. સમકિત વિના મનુષ્ય સંસારનો પાર પામી શકતો નથી. સમકિત એ મુક્તિનો આધાર છે. સમકિત વિના કરેલું તપ, ક્રિયા આદિ અસાર છે ... ૧૩
દાન, શીલ, તપ અને ભાવ ધર્મના આ ચાર પ્રકાર છે. તેમાં સર્વ પ્રથમ સમ્યગદર્શનનું સ્થાન છે. સમ્યગુદર્શન વિના આ ચારે ધર્મનું આચરણ કરવા છતાં જીવ શિવપુરીનો અધિકારી બની શકતો નથી...૧૪
જીવ સમકિત વિના ઠેર ઠેર જિનમંદિરો બંધાવે, રત્નજડિત સુવર્ણની પ્રતિમાઓ ભરાવે, ત્રણે કાળે જિનેશ્વર દેવની મૂર્તિની પૂજા વિધિવત્ કરે, છતાં મુક્તિ નગરના પંથે પ્રયાણ નિશ્ચયથી ન કરી શકે...૧૫
પૌષધવત, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ઈત્યાદિ ધર્મના અનુષ્ઠાનો જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધ અર્થાત્ સમ્યકત્વ વિના હોય તો મુક્તિ પંથનો આરાધક સાધક ન બની શકે તેવી વ્યક્તિ વ્યર્થ દેહને કષ્ટ આપે છે...૧૬
અણગાર ધર્મ (સર્વવિરતિધર્મ) અને આગાર ધર્મ (દેશવિરતિ ધર્મ) બંને શ્રેયકારી છે. પરંતુ સમ્યકત્વ વિના આ બંને ધર્મ પણ જીવને (સંસાર સમુદ્રથી) તારવા સમર્થ નથી. સમ્યકત્વ વિના અહિંસા, સત્યવચન અને ધર્મનું શરણું પણ તારનાર નથી. સમકિત વિના સાધક શુભગતિ પણ ન પામે...૧૭
સમકિત વિનાનું ધ્યાન, સમકિત વિનાનું ગાન (ભક્તિ-સ્તુતિ), સમકિત વિનાની વિદ્યા અને સમકિત વિનાની વાણી શોભાયમાન નથી અર્થાત્ સમકિત વિના બધું જનિઃસાર છે ...૧૮
આ ચોપાઈમાં કવિએ સમ્યકત્વનો મહિમા ગાયો છે. સમ્યકત્વનો મહિમા અપૂર્વ અને અચિંત્ય છે તેથી જપૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુવામી પણ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે.
तुह सम्मते लद्धे चिंतामणि कपपाय वब्भहिए।" पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।४।। इय संथुओ महायस, भत्तिभर निब्भरेण हियएण । ता देव दिज्जबोहिं, भवे भवे पास जिणचंद!।।५।।