________________
૫૧
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
અને સુવિધિનાથ જિનને નમન કરું છું તેમજ (ભવ્ય જીવોના સંતાપ હરનારા) શીતલનાથ જિન (મારી) સર્વ અભિલાષાઓ પૂર્ણ કરશે...૪
(૧૧ થી ૧૫) શ્રેયાંસનાથ જિનને નિત્ય વંદના કરું છું. વળી વાસુપૂજ્ય દેવને પ્રણામ કરું છું તેમજ વિમલનાથ, અનંતનાથ અને ધર્મનાથ જિનની સદા ભક્તિ-સ્તુતિ કરીશ...૫
(૧૬ થી ૨૪) શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ અને મલ્લીનાથને નમસ્કાર કરું છું. મુનિસુવ્રત સ્વામી, નમિનાથ સ્વામી, નેમનાથ સ્વામી, પાર્શ્વનાથ સ્વામી તથા મહાવીર સ્વામી આ ચોવીસ જિનેશ્વર દેવોને પ્રણામ કરતાં કવિ ગૃહે (કવિ ઋષભદાસના આત્મામાં) ક્ષેમ કુશળતા વર્તાય છે ...૬
આ ચોવીસ તીર્થંકરોને ભાવપૂર્વક નમસ્કાર કરી, ગણધર ભગવંતોના ઉપકારોનું સ્મરણ કરી બ્રહ્માપુત્રી અને શ્રુતદેવી માતા સરસ્વતીને હૃદયમાં ધારણ કરી સમકિતસાર રાસનું કવન કરીશ (સમકિત એ જૈનત્વની નિશાની છે, તેમજ સર્વ શાસ્ત્રોનો સાર છે; માટે કવિ તેને સમકિતસાર કહે છે.)...૭
મંગલાચરણ :
કવિએ કડી ૧ અને ૨માં માતા સરસ્વતીને તેમજ કડી ૩ થી ૭માં ચોવીસ તીર્થંકરો અને ગણધરોને મંગલાચરણમાં સ્તવ્યા છે.
વિશેષાવશ્યક ભાષ્યના પ્રસિદ્ધ ટીકાકાર શ્રી હેમચન્દ્રાચાર્ય મંગલાચરણનું મહત્ત્વ દર્શાવતાં કહે છે"मङक्यते अलंक्रियते आत्मा येनेति मंगलम् ।
જેના દ્વારા આત્મા શોભાયમાન થાય તે મંગલ છે. અથવા જેના દ્વારા સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય, પાપનો ક્ષય થાય તે મંગલ છે.
કાર્યના પ્રારંભમાં મંગલનું સ્મરણ કરવું એ મંગલાચરણ છે. તેનાથી ત્રણ લાભ થાય છે. ૧)આરંભેલુ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. ૨) સ્થિર થવાય છે. ૩) વિઘ્નોનો નાશ થાય છે .
આચાર્ય આત્મારામજીએ પણ મંગલાચરણના લાભ દર્શાવતાં કહયું છે કે – (૧) વિઘ્નોપશમન (૨) શ્રદ્ધા (૩) આદર (૪) ઉપયોગની શુદ્ધિ (૫) નિર્જરા (૬) અધિગમ-સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશિષ્ટ નિમિત્ત તે અધિગમ. (૭) ભક્તિ-જ્ઞાન અને વિવેક સાથેની ભક્તિ આત્મા માટે કલ્યાણકારી બને (૮) પ્રભાવના
ર
આ હેતુથી પ્રાચીન ભારતીય પંરપરાને અનુસરીને કવિ ઋષભદાસે પોતાની બધીજ રાસ કૃતિઓમાં મંગલાચરણ કર્યાં છે. કવિ ઋષભદાસ માટે એવું કહેવાય છે કે તેઓ પ્રારંભમાં મંદ બુદ્ધિના હતા. તેઓ ઉપાશ્રયમાં ગુરુભગવંતોની સેવા કરતા અને તેમને શાતા ઉપજાવવા કચરો કાઢતા હતા. એકવાર સારસ્વત પર્વમાં પૂજ્ય વિજયસેનસૂરિ મહારાજે પોતાના મંદબુદ્ધિ શિષ્ય માટે બ્રાહ્મી મોદક સિદ્ધ કરીને પાટલા ઉપર મૂક્યો. પચ્ચક્ખાણ આવ્યું ન હોવાથી ગુરુદેવ બહાર ગયા. ઋષભદાસ શ્રાવક પ્રાતઃકાળે કચરો કાઢવા આવ્યા. તેમણે મોદક જોયો અને તે ખાઈ ગયા. પૂજ્ય વિજયસેનસૂરિએ શિષ્ય માટે મોદક શોધ્યો, મળ્યો નહિ. ઋષભદાસ શ્રાવકને પૂછતાં એમણે મોદકનો ઉપયોગ કર્યો છે એવું જાણ્યું. અંતે ગુરુદેવના આશીર્વાદથી ૠષભદાસ મહાકવિ બન્યા. તેથી તેઓ માતા સરસ્વતીના અનન્ય ઉપાસક બન્યા.