________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૦ / ગાથા-૭ હોય તો, ધમસ્તિકાયના અભાવને કારણે અલોકાકાશમાં કોઈક સ્થાને નિરંતર સ્થિતિ સ્વભાવવાળું દ્રવ્ય છે તેમ સ્વીકારી શકાય પરંતુ જેમ નિત્ય ગતિ સ્વભાવવાળું દ્રવ્ય અહીં પ્રાપ્ત થતું નથી તેમ નિત્યસ્થિતિસ્વભાવવાળું દ્રવ્ય અલોકાકાશમાં છે એમ સ્વીકારી શકાય નહીં. તે માટે શ્રી જિનવાણીનો પરમાર્થ સ્મરણ કરીને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય-એ બે દ્રવ્ય અસંકીર્ણ સ્વભાવવાળાં જીવ અને કર્મોની જેમ સંકીર્ણ સ્વભાવવાળાં નહીં પરંતુ સિદ્ધના જીવો અને તે સ્થાનમાં રહેલા કર્મોની જેમ અસંકીર્ણ સ્વભાવવાળાં, માનવાં. ૧૦/૭ ભાવાર્થ :
અધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કરતાં સ્વતંત્ર સ્વીકારવા માટે યુક્તિ દેખાડે છે – સર્વ જીવની અને સર્વ પુદ્ગલની સાધારણ સ્થિતિનો હેતુ એવો અધર્માસ્તિકાય ન સ્વીકારવામાં આવે અને એમ કહેવામાં આવે કે ધર્માસ્તિકાયના અભાવને કારણે અલોકમાં જીવની અને પુદ્ગલની ગતિનો અભાવ છે તેથી અલોકાકાશમાં જીવ અને પુદ્ગલ જતા નથી અને લોકાકાશમાં ધર્માસ્તિકાય દ્રવ્ય છે, અધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી લોકમાં ધર્માસ્તિકાયના અવલંબનથી જીવ અને પુદ્ગલ ગતિ કરે છે તથા જે વખતે જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું અવલંબન લેતા નથી તે વખતે જીવ અને પુગલ સ્થિર પરિણામવાળા થાય છે. આમ સ્વીકારીને અધર્માસ્તિકાયને સ્વીકાર્યા વગર વ્યવસ્થાની સંગતિ કરવામાં આવે તો, ગ્રંથકારશ્રી કહે છે કે અલોકાકાશમાં કોઈક સ્થાનમાં ગતિ વગર જીવની અને પુદ્ગલની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ; કેમ કે સ્થિતિમાં અધર્માસ્તિકાય હેતુ નથી તેમ પૂર્વપક્ષી સ્વીકારે છે અને અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે તેથી લોકમાંથી કોઈ પુદ્ગલ કે જીવ ત્યાં જઈ શકે નહીં તોપણ સ્થિતિમાં કોઈ દ્રવ્યની અપેક્ષા ન હોય તો જીવ અને પુદ્ગલ અલોકાકાશમાં નિત્ય રહે છે તેમ માનવાની આપત્તિ આવે, માટે જિનવચનાનુસાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે સ્વતંત્ર દ્રવ્યને ગતિના અને સ્થિતિના હેતુ સ્વીકારવા જોઈએ.
વળી, લોકનું નિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને તે ગતિમાં સહાયક છે, તેના આલંબનના અભાવમાં જીવની અને પુદ્ગલની અલોકમાં ગતિ થતી નથી પરંતુ લોકમાં જ ગતિ થાય છે, તેમ સ્વીકારવું ઉચિત નથી, તેમાં યુક્તિ બતાવે છે –
ગતિ અને સ્થિતિ એ જીવના અને પુદ્ગલના સ્વતંત્ર પર્યાય છે. જેમ પુદ્ગલમાં ગુરુત્વપર્યાય અને લઘુત્વપર્યાય સ્વતંત્ર છે તેથી ગુરુત્વના અભાવમાં લઘુત્વ છે કે લધુત્વના અભાવમાં ગુરુત્વ છે તે પ્રમાણે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, માટે ગુરુત્વ અને લઘુત્વ-બે ધર્મ સ્વીકારાય છે તે રીતે જીવના અને પુદ્ગલના ગતિપર્યાયને અને સ્થિતિ પર્યાયને સ્વીકારવા જોઈએ. જીવમાં અને પુદ્ગલમાં ગતિરૂપ અને સ્થિતિરૂપ બે કાર્યો સ્વીકારવામાં આવે તો તે બંને કાર્યના અપેક્ષાકારણરૂપ એક એક દ્રવ્યને અવશ્ય માનવું પડે, તેથી ગતિનું અપેક્ષાકારણ ભિન્ન દ્રવ્ય છે અને સ્થિતિનું અપેક્ષાકારણ ભિન્ન દ્રવ્ય છે તેમ સ્વીકારવું
પડે.