________________
૪૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૭ દિગંબરો કાલાણુને કહે છે, જ્યારે શ્વેતાંબર સંપ્રદાય દિગંબરોની જેમ કાળ નામનું સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારતા નથી પરંતુ પરમાણુની ગતિની અવધિથી નિર્મીત કરાયેલા એક સમયમાં દરેક પદાર્થોને આશ્રયીને વર્તના થાય છે, એમ શ્વેતાંબર સંપ્રદાય સ્વીકારે છે.
હવે જો મંદગતિવાળા અણુની ગતિરૂપ જે કાર્ય, તેનો હેતુ એવો પર્યાયરૂપ સમય, તેનું ભાજનદ્રવ્ય કાળદ્રવ્ય છે અર્થાત્ ધર્માસ્તિકાયાદિથી અતિરિક્ત કાળદ્રવ્ય છે અને તે કાળદ્રવ્ય અણુપ્રમાણ સર્વ લોકાકાશમાં રહેલું છે તેમ દિગંબરો કલ્પના કરે છે તેમ સ્વીકારીએ તો, મંદગતિવાળા પરમાણુની અન્ય આકાશપ્રદેશ પર થતી ગતિમાં હેતુ ધર્માસ્તિકાયદ્રવ્ય છે, તેથી તે હેતુતારૂપ ગુણનું ભાજન ધર્માસ્તિકાય છે. તેથી તે ધર્માસ્તિકાય પણ કાલાણુની જેમ જ અણપ્રમાણ ચૌદ રાજલોકમાં રહેલા છે તે દિગંબરના મત અનુસાર સિદ્ધ થાય. જો આમ સ્વીકારી લઈએ તો અધર્માસ્તિકાયને અને આકાશાસ્તિકાયને પણ અણુપ્રમાણ સ્વીકારીને કહેવું જોઈએ કે, ધર્માસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં રહેલા છે, અધર્માસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં રહેલા છે અને આકાશાસ્તિકાયના અણુઓ ચૌદ રાજલોકમાં અને અલોકમાં રહેલા છે; પરંતુ તેમ દિગંબરો સ્વીકારતા નથી. તેથી આ પ્રકારના પ્રતિબંદી દૂષણ આપીને ગ્રંથકારશ્રી કહે છે કે જેમ દિગંબરો કાળને અપ્રમાણ સ્વીકારે છે તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને પણ અણુપ્રમાણ સ્વીકારવા જોઈએ અને જો દિગંબરો ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોને એક અખંડ દ્રવ્ય માને, તો તેને કાલદ્રવ્યને પણ ચૌદરાજલોકપ્રમાણ એક અખંડ દ્રવ્ય માનવાની આપત્તિ આવે.
આ દોષના નિવારણ માટે દિગંબરો કહે કે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો માત્ર મંદગતિવાળા પરમાણુની ગતિ આદિમાં હેત નથી પરંતુ જીવ-પુદ્ગલસર્વસાધારણ ગતિના હેતુતાદિવાળા છે. માટે ધર્માસ્તિકાયાદિને સ્કંધરૂપે જ માનવા પડે; કેમ કે અસંખ્યાત પ્રદેશ ઉપર રહેલા જીવને કે પુદ્ગલને સ્થાનાંતર કરવા માટે ધર્માસ્તિકાય અણુપ્રમાણ હોય તો તે ગતિ સહાયક બની શકે નહીં, પરંતુ અખંડ દ્રવ્ય હોય તો પોતાના સ્થાનમાં રહેલા જીવને કે પુદ્ગલને અન્ય સ્થાનમાં જવા માટે તે ધર્માસ્તિકાયનો સ્કંધ કારણ બની શકે. માટે ધર્માસ્તિકાયને એક અખંડ દ્રવ્ય જ માનવું પડે, ત્યારપછી વ્યવહારને અનુસાર તેના દેશ, પ્રદેશની કલ્પના કરી શકાય. માટે “કાળને અણુપ્રમાણ સ્વીકારવા છતાં ધર્માસ્તિકાયાદિને અણુપ્રમાણ સ્વીકારવાની અમને આપત્તિ આવશે નહીં” એમ દિગંબરો કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
જેમ કાલાણુઓ સમયપર્યાયનું ભાન છે તેમ દિગંબર મતાનુસાર ચૌદ રાજલોકમાં રહેલા કાલાણુઓ જીવ, અજીવ આદિ પાંચે દ્રવ્યસાધારણમાં પ્રતિક્ષણ થતી વર્તનાના હેતુ છેઃનિમિત્તકારણ છે અને તે નિમિત્તકારણગુણને લઈને કાળદ્રવ્યને પણ એક અખંડ દ્રવ્ય કલ્પવું જોઈએ; કેમ કે જેમ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ એવા જીવને કે પુદ્ગલના સ્કંધને ગતિમાં સહાય કરવા માટે ધર્માસ્તિકાયનો એક અણુ કારણ સ્વીકારી શકાય નહીં માટે ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય દિગંબરો સ્વીકારે છે, તે રીતે અસંખ્યાત પ્રદેશપ્રમાણ એવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં થતી વર્તના પ્રત્યે નિમિત્તકારણ એક કાલાણુ થઈ શકે નહીં, માટે તે કાલાણુઓને પણ ધર્માસ્તિકાયની જેમ એક અખંડ દ્રવ્યરૂપે દિગંબરોએ કલ્પવાં જોઈએ.