________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮ જો પદાર્થ ક્ષણિક જ હોય અને પદાર્થમાં નિત્યતા સર્વથા ન હોય તો, કારણના અન્વય વગર કાર્ય નિષ્પન્ન થાય નહીં અર્થાત્ પૂર્વેક્ષણવાળો પદાર્થ નાશ પામે અને ઉત્તરક્ષણવાળો પદાર્થ ઉત્પન્ન થાય, તે બે વચ્ચે અનુગત કારણ સ્થિર ન હોય તો કાર્ય નિષ્પન્ન થાય નહીં; કેમ કે દ્રવ્ય જ પૂર્વભાવને છોડીને ઉત્તરભાવને પામે છે એમ સ્વીકારીએ તો પૂર્વ અને ઉત્તર અવસ્થામાં અન્વયી દ્રવ્ય જ કાર્યરૂપે થાય છે એમ સ્વીકારી શકાય, પરંતુ કારણ નાશ પામે અને કાર્ય ઉત્પન્ન થાય તે બેની વચ્ચે અનુગત દ્રવ્ય ન સ્વીકારવામાં આવે તો કારણક્ષણથી કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં કારણક્ષણ નિહેતુક નાશને અનુભવતો અછતો છે, તે કાર્યક્ષણ પરિણતિ કેમ કરે ? અર્થાત્ અવિદ્યમાન એવી કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિ કરી ન શકે.
આશય એ છે કે, બૌદ્ધ મતાનુસાર પૂર્વની કારણક્ષણ કોઈ હેતુ વગર સ્વતઃ નાશ પામે છે અને ઉત્તરક્ષણમાં જે કાર્ય થાય છે તે વખતે કારણક્ષણ અવિદ્યમાન હોય છે, તેથી અવિદ્યમાન એવી કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિને કરી શકે નહીં. જો બૌદ્ધ કહે કે, કાર્યકાળમાં અવિદ્યમાન પણ કારણક્ષણ કાર્યક્ષણને કરે છે તો ઘણા કાળ પહેલાં નાશ થયેલી કારણક્ષણથી પણ કાર્ય થવું જોઈએ; કેમ કે કાર્યક્ષણકાળમાં પૂર્વની કારણક્ષણ પણ વિદ્યમાન નથી અને ઘણા કાળ પહેલાની કારણક્ષણ પણ વિદ્યમાન નથી; છતાં જો પૂર્વની કારણક્ષણ પણ અવિદ્યમાન હોવા છતાં કાર્ય કરે છે તો અવિદ્યમાન એવી તેની પૂર્વની કારણક્ષણો પણ તે કાર્ય કરે તેમ માનવાની આપત્તિ આવે. છે. વળી, “અથવાથી ગ્રંથકારશ્રી અન્ય દોષ પણ કહે છે –
કાર્યક્ષણમાં અવિદ્યમાન એવી પૂર્વની કારણક્ષણથી કાર્ય થતું હોય તો અનુત્પન્ન કારણથી પણ કાર્ય થવું જોઈએ; કેમ કે કાર્યક્ષણમાં જે કારણ ક્યારેય ઉત્પન્ન થયું નથી તે પણ અવિદ્યમાન છે અને પૂર્વની કારણક્ષણો પણ અવિદ્યમાન છે, તેથી અવિદ્યમાન એવા અનુત્પન્ન કારણથી પણ કાર્ય થાય છે, તેમ માનવાની આપત્તિ આવે. જો આમ સ્વીકારીએ તો કાર્યકારણભાવની વિડંબના થાય. કાર્ય સાથે કારણનો કોઈ સંબંધ નથી તેથી કારણથી કાર્ય થાય છે તેમ સ્વીકારી શકાય નહીં; છતાં માનવાની આપત્તિ આવે. માટે એમ જ માનવું પડે કે દ્રવ્ય પૂર્વનો પરિણામ ત્યાગ કરીને ઉત્તરના પરિણામને પામે છે તે વખતે પૂર્વના પરિણામમાં વિદ્યમાન દ્રવ્ય જ ઉત્તરના પરિણામમાં અન્વયરૂપે છે. જો આમ સ્વીકારીએ તો, પદાર્થ તે તે પરિણામની અપેક્ષાએ ક્ષણિક છે અને પદાર્થમાં વર્તતા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે માટે પદાર્થમાં જેમ અનિત્ય સ્વભાવ છે, તેમ નિત્ય સ્વભાવ પણ માનવો જોઈએ.
અહીં બૌદ્ધ કહે કે, ચિરકાળનષ્ટ કારણક્ષણ કે અનુત્પન્ન કારણક્ષણ કાર્ય કરતી નથી, પરંતુ અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણને કરે છે. તેથી દરેક પદાર્થો ક્ષણિક હોવા છતાં પૂર્વની ક્ષણ ઉત્તરની ક્ષણ પ્રત્યે ઉપાદાનકારણ છે, પરંતુ પદાર્થમાં નિત્યતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
રૂપના આલોકના વિષયમાં=જ્ઞાનના વિષયમાં, મનસ્કાર ઉપાદાન છે=ઉપાદાનકારણ છે, અને આલોકાદિક પ્રકાશ અને ચક્ષુ, નિમિત્ત=નિમિત્તકારણ, છે એ વ્યવસ્થા કેમ ઘટે ? અર્થાત્ ઘટે નહીં.
આશય એ છે કે, બૌદ્ધ દર્શનવાદી ઘટના રૂપના જ્ઞાન પ્રત્યે જ્ઞાન કરનારના મનસ્કારાદિને ઉપાદાનકારણ