________________
૧૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૨ / ગાથા-૯
કર્મની ઉપાધિથી જનિત અને બહિર્ભાવરૂપ નર-નારકાદિ ભાવરૂપે પરિણમન પામવાની યોગ્યતા અને તેને અનુકૂળ કર્મબંધને અનુકૂળ પરિણતિની યોગ્યતા સંસારી જીવોમાં વર્તે છે, તે અશુદ્ધ સ્વભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મની સાથે આત્મા એકત્વભાવને પામેલો છે અને તેવા એકત્વભાવને કારણે જ નરનારકાદિ ભાવરૂપે પરિણમન પામવાની યોગ્યતા અને તે તે પ્રકારનાં કર્મ બાંધવાની યોગ્યતા જીવમાં વર્તે છે. તે યોગ્યતા જ જીવનો અશુદ્ધ સ્વભાવ છે. આ રીતે સંસારીઅવસ્થામાં નિશ્ચયનયની દૃષ્ટિથી અને વ્યવહારનયની દૃષ્ટિથી શુદ્ધ અને અશુદ્ધ બંને સ્વભાવ છે એમ બતાવ્યા પછી સંસારીઅવસ્થામાં કેવલ અશુદ્ધ સ્વભાવ સ્વીકારવામાં આવે અને શુદ્ધ સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
જો આત્મામાં કર્મની ઉપાધિને કારણે શુદ્ધ સ્વભાવ નાશ પામ્યો હોય અને અશુદ્ધ સ્વભાવ જ માત્ર અવશેષ હોય તો કર્મના નાશથી પણ મુક્તિ ઘટે નહીં, કેમ કે શુદ્ધ સ્વભાવ નાશ થયેલ હોવાથી કર્મના નાશથી પણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થઈ શકે નહીં. માટે સંસારીઅવસ્થામાં શુદ્ધ સ્વભાવ વિદ્યમાન જ છે, ફક્ત કર્મના આવરણને કારણે તિરોહિત છે, તેમ માનવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, સંસારી આત્મામાં શુદ્ધ સ્વભાવ હોય તો તેનો વિરોધી એવો અશુદ્ધ સ્વભાવ કઈ રીતે રહી શકે ? અર્થાત્ રહી શકે નહીં. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારનયની દૃષ્ટિથી કર્મ સાથે કથંચિત્ એકત્વભાવ હોવાને કારણે આત્માનો અશુદ્ધ સ્વભાવ પણ માનવો જોઈએ. જો આત્માનો અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો સંસારી આત્માને જે નવાં નવાં કર્મોનો લેપ થાય છે તે ઘટે નહીં અને નવાં નવાં કર્મોનો લેપ ઘટે નહીં તો મનુષ્યાદિ ભવોની પ્રાપ્તિરૂપ પ્રત્યક્ષથી દેખાતો સંસાર ઘટે નહીં. માટે આત્મામાં સૂક્ષ્મ દૃષ્ટિથી શુદ્ધ સ્વભાવ છે અને સ્થૂલદષ્ટિથી અશુદ્ધ સ્વભાવ છે એમ સ્વીકારવું જોઈએ. આથી જ=આત્મામાં શુદ્ધ સ્વભાવને ન માનીએ તો મુક્તિ ઘટે નહીં અને અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ઘટે નહીં આથી જ, વેદાન્ત આદિ મતો કહે છે કે શુદ્ધ સ્વભાવ ક્યારેય અશુદ્ધતાને પામે નહીં અને અશુદ્ધ સ્વભાવ પાછળથી પણ શુદ્ધતાને પામે નહીં. તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે –
સિદ્ધમાં વર્તતો શુદ્ધસ્વભાવ ક્યારેય અશુદ્ધતાને પામતો નથી, જ્યારે સંસારીઅવસ્થામાં શુદ્ધ સ્વભાવ શક્તિરૂપે રહેલો છે, વ્યક્તિરૂપે નથી માટે શક્તિરૂપે શુદ્ધ સ્વભાવ હોવા છતાં વ્યક્તિરૂપે સંસારી જીવોમાં અશુદ્ધતાને સ્વીકારવામાં બાધ નથી. સંસારીઅવસ્થામાં અશુદ્ધ સ્વભાવ વ્યક્તિરૂપે વિદ્યમાન હોવા છતાં કર્મના નાશને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાથી અશુદ્ધ સ્વભાવ નાશ પામે તો શક્તિરૂપે રહેલ શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટ થયા પછી ક્યારેય પણ તેનો નાશ થતો નથી. તેથી સંસારી જીવો યોગમાર્ગની સાધના કરીને મુક્ત થાય છે, જે સર્વ દર્શનકારો સ્વીકારે છે, તેની સંગતિ કરવા માટે ઉભયસ્વભાવ માનીએ તો કોઈ દૂષણ પ્રાપ્ત થાય નહીં.