________________
૨૫૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫ તેઓની જ ક્રિયા સફળ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે, દ્રવ્યાનુયોગના ચિંતવન માટે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો બોધ આવશ્યક છે. વળી પરમાત્મતુલ્ય પોતાના આત્માને સંપન્ન કરવા અર્થે ભગવાને ક્રિયાયોગ બતાવેલ છે. જે મહાત્મા તે રીતે ક્રિયામાં યત્ન કરે છે તે જિનવચનાનુસાર ભગવાનની સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે અને જેઓ આવી ક્રિયા સેવીને ભગવાનની સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે તેઓની ક્રિયા સફળ થાય છે.
ક્રિયાના સેવનથી ભગવાનની સાથે કઈ રીતે સમાપત્તિ થાય છે ? તે બતાવવા અર્થે ષોડશકની બે ગાથા બતાવે છે –
જે મહાત્માઓ દ્રવ્યાનુયોગનો વિચાર કરનારા છે તેઓને આત્માના અશુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય અરમ્યરૂપે ભાસે છે અને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાય એ આત્માની રમ્ય અવસ્થા છે તેમ દેખાય છે. તેની પ્રાપ્તિ અર્થે જ ભગવાને ચાર અનુયોગો કહ્યા છે, જેમાં શ્રેષ્ઠ એવો દ્રવ્યાનુયોગનો વિચાર છે, જેના બળથી આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું રમ્ય છે ? અને સંસારીઅવસ્થાવાળું અશુદ્ધ સ્વરૂપ કેવું વિડંબનાવાળું છે ? તેનો બોધ થાય છે તથા અશુદ્ધ એવા આત્માને શુદ્ધ કરવાનો ઉપાય ભગવાનનું વચન છે તેવો સ્થિર નિર્ણય થાય છે. તેથી પોતાની શક્તિ અનુસાર જે કોઈ ક્રિયા, અનુષ્ઠાન તે મહાત્મા સેવવા તત્પર થાય છે ત્યારે ભગવાને બતાવેલી આ ક્રિયા કઈ રીતે સેવીને જીવ ભગવાનતુલ્ય થાય છે? તેનું સ્મરણ કરે છે. તેથી તે વખતે તે મહાત્માના હદયમાં વીતરાગ થવાને અનુકૂળ ભગવાનનું વચન ઉપસ્થિત થાય છે. તે વિધિરૂપે ભગવાનનું વચન હદયમાં હોતે છતે ભગવાન તે મહાત્માના હદયમાં ઉપસ્થિત થાય છે; કેમ કે આ વિધિથી આ અનુષ્ઠાન સેવીને ભગવાનતુલ્ય થવાય છે તે પ્રકારે ભગવાને હ્યું છે તે પ્રકારનો બોધ હોવાથી વીતરાગ થવાને અનુકૂળ વ્યાપારરૂપ તે ક્રિયા હોવાથી લક્ષ્યરૂપે હૈયામાં વીતરાગ હોય છે.
જેમ વ્યાપાર કરનાર વેપારીના હૈયામાં લક્ષ્યરૂપે ધનપ્રાપ્તિ હોય છે તેમ તે મહાત્માના હૈયામાં ભગવાન સ્મૃતિરૂપે ઉપસ્થિત થાય છે. સદનુષ્ઠાનસેવનકાળમાં મુનીન્દ્ર એવા વીતરાગ જેના હૈયામાં હોય તેને નિયમથી આલોકના અને પરલોકના હિતને કરનારા એવા ધર્મ-અર્થ-કામરૂપ પુરુષાર્થની સિદ્ધિ છે; કેમ કે વીતરાગના ગુણોથી રંજિત થયેલું ચિત્ત તે તે ક્રિયાઓ દ્વારા વીતરાગ તરફ જનારું હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, જેનાથી આલોકમાં અને પરલોકમાં સુંદર ભોગાદિ મળે છે તથા ભોગકાળમાં પણ વીતરાગના ગુણોથી વાસિત ચિત્ત હોવાને કારણે વીતરાગની પ્રાપ્તિનું કારણ બને તેવી ઉત્તમ સમાધિને જ તે મહાત્મા પ્રાપ્ત કરે છે. ષોડશકની પૂર્વની ગાથાના અંતે કહ્યું કે હૈયામાં મુનીન્દ્ર હોય તો બધા પ્રયોજનની સિદ્ધિ થાય છે.
હૈયામાં મુનીન્દ્ર હોય તો બધા પ્રયોજનની સિદ્ધિ કેમ થાય છે ? તેથી કહે છે –
ભગવાન પ્રકૃષ્ટ ચિંતામણિ છે તેથી જેમ સંસારમાં ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય તો સંસારનાં બધાં પ્રયોજનો સિદ્ધ થાય છે તેમ ભગવાન તે ચિંતામણિ કરતાં પણ પ્રકૃષ્ટ ચિંતામણિ છે તેથી વર્તમાનના ભવોના કે ઉત્તરના ભવોના - સર્વ ભવોના પ્રયોજનો સિદ્ધ કરે તેવા ચિંતામણિ ભગવાન છે.