________________
૨૫૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫-૧
વળી, આ રીતે ભગવાનને હૃદયમાં ઉપસ્થિત કરીને જેઓ સદનુષ્ઠાન સેવે છે તેઓને તે ક્રિયાથી પરમાત્માની સાથે ઉપયોગરૂપે એકતાની પ્રાપ્તિરૂપ સમરસની પ્રાપ્તિ થાય છે; કેમ કે ક્રિયાકાળમાં લક્ષ્યરૂપે • વીતરાગનું પ્રતિસંધાન છે અને બદ્ધલક્ષ્ય થઈને તે મહાત્મા ક્રિયા કરે છે. લક્ષ્યભૂત એવા પરમાત્માની સાથે
સમરસની પ્રાપ્તિ છે. આ સમરસની પ્રાપ્તિ અહીં=સંસારમાં, યોગીની માતા છે; કેમ કે તે ઉપયોગ દ્વારા જ તે મહાત્મા નિર્મળ-નિર્મળતર જ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિવાળા બને છે. તેથી જેમ માતા પુત્રને જન્મ આપે છે તેમ પરમાત્માની સાથે સમરસની આપત્તિ વિશેષ પ્રકારના યોગી પુરુષને જન્મ આપે છે.
વળી, આ સમરસની આપત્તિ વિશિષ્ટ પ્રકારના યોગીને નિષ્પન્ન કરીને નિર્વાણ ફળને પ્રાપ્ત કરાવનારી કહી છે. પરમાત્માની સાથે થયેલ સમરસની આપત્તિ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા નિર્વાણ ફળને પ્રાપ્ત કરાવનારી છે તેથી સર્વ પ્રયોજનને સાધનારી છે.
અહીં પ્રશ્ન થાય કે, સદનુષ્ઠાન કરનારા મહાત્માને પરમાત્મા સાથે સમાપત્તિ થઈ છે કે નહીં ? તે કેવી રીતે નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી સમાપત્તિનું લક્ષણ બતાવે છે –
જેમ ક્ષીણમલવાળું જાતિવાન મણિ હોય તે મણિની સન્મુખ જે વસ્તુ મૂકવામાં આવે તે વસ્તુના વર્ણવાળો તે મણિ થાય છે તેમ જે મહાત્માનાં ઘણાં કર્મો ક્ષીણ થયેલાં છે તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાવન કરવાથી તેનું ચિત્ત ઘણા પ્રકારની મોહધારાની ક્ષીણતાવાળું થયેલું છે, તેવા મહાત્મા જ્યારે પરમાત્મા થવાના અભિલાષથી પરમાત્માએ બતાવેલી ક્રિયાઓ સેવે છે ત્યારે તે ક્રિયા દ્વારા લક્ષ્યરૂપે જે પરમાત્મા છે તે, મહાત્માના ચિત્તમાં તદ્રસ્થ બને છે તે વખતે તે યોગીનું ચિત્ત પરમાત્માના ભાવોથી રંજિત થાય છે. જેમ કંઈક ક્ષીણ થયેલા જાતિવાન તે મણિની સન્મુખ રહેલી વસ્તુ મણિમાં રહેલી છે એમ ભાસે છે તથા તે મણિ તે વસ્તુથી રંજિત બને છે તેમ તે મહાત્માના ચિત્ત સન્મુખ લક્ષ્યરૂપે પરમાત્મા રહેલા છે, અને તે મહાત્માનું ચિત્ત પરમાત્માના વીતરાગતા આદિ ભાવોથી રંજિત છે, તેને પરમાત્મા સાથેની સમાપત્તિ કહેવાય છે.
જેઓ અનુષ્ઠાન દ્વારા સંશયરહિત એવી સમાપત્તિ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓ અલ્પ કાળના અનુષ્ઠાનના સેવનથી પણ સર્વ પ્રયોજનોની સિદ્ધિ કરી શકે છે; કેમ કે વચનાનુષ્ઠાન સમાપત્તિથી જ પ્રમાણ બને છે. કોઈ મહાત્મા નમસ્કાર મહામંત્રાદિના જાપના પરમાર્થને જાણીને જ્યારે જિનવચનાનુસાર નમસ્કાર મંત્રનાં પદો હૈયાને સ્પર્શે તેવા પ્રણિધાનપૂર્વક જાપ કરે તો તે જાપ જિનવચનાનુસાર બને. જો તે જાપ જિનવચનાનુસાર બને તો તેને વચનાનુષ્ઠાન કહેવાય તથા જાપકાળમાં વચનાનુષ્ઠાન સમાપત્તિથી જ પ્રમાણ બને છે અર્થાત્ સફળ બને છે. ll૧૬/પII અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથમાં અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું વર્ણન કર્યું. તે વર્ણન સાંભળીને જે મહાત્મા તેના પરમાર્થનો યથાર્થ બોધ કરીને તે પદાર્થોથી આત્માને અત્યંત ભાવિત કરે છે તેઓને દ્રવ્ય-ગુણપર્યાયના સૂક્ષ્મ બોધપૂર્વક તેના પારમાર્થિક ભાવોથી આત્મા વાસિત બને તેવી તત્વની રુચિ પ્રગટે છે, જેના બળથી તે મહાત્મા અલ્પકાળમાં મોક્ષને પામશે. તે બતાવવા અર્થે કહે છે –