________________
૨૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૧-૧૨ આ પ્રમાણે ક્રિયાનો જે યોગ-જ્ઞાનપ્રધાન આદરીને પ્રમાદી પણ સાધુનો કાલાદિથી વિકલ એવો જે ક્રિયાનો યોગ, તદ્રુપ જે ગુણ, તેના અભ્યાસ કરીને ઈચ્છાયોગથી તરે છે=ભવાર્ણવ ઈચ્છાયોગથી તરે છે. ll૧૫/૧૧] ભાવાર્થ :
કોઈ મહાત્મા સંસારસાગરથી તરવાના અર્થી હોય અને સંયમ ગ્રહણ કરેલું હોય છતાં જો શાતા-અશાતા પ્રત્યે સમભાવ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવ, શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રહે તે પ્રકારના ઉપયોગપૂર્વક નિગ્રંથભાવમાં જવા માટે સમર્થ ન થઈ શકે અર્થાત્ સર્વ ભાવો પ્રત્યે સ્નેહના સંબંધના ત્યાગરૂપ નિગ્રંથભાવ પ્રત્યે જવા માટે સમર્થ ન બની શકે તો પણ જો ભગવાનના શાસનના પરમાર્થને યથાર્થ જાણીને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન તથા તે બેના ઉત્તરભાવી ભાવનાજ્ઞાનથી સંપન્ન થઈને જ્ઞાનપ્રધાનયોગને આદરનારા છે તોપણ અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદના કારણે સંયમની ક્રિયાઓના જે કાલાદિ અંગો છે તે શાતાના અર્થિતા નામના દોષને કારણે વિકલ સેવે છે, તેથી ચરણકરણગુણથી હીન છે. આમ છતાં જિનવચનનાં રહસ્યોને જાણનારા હોવાને કારણે ભગવાને કહેલી અંગસાકલ્યથી સેવાયેલી સંયમની સર્વ ક્રિયાઓ અંતરંગ સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે તેવો સ્થિર નિર્ણય હોવાથી તેવી જ ક્રિયા કરવાની ઇચ્છાવાળા છે અર્થાત્ સર્વ અંગસાકલ્યથી તે ક્રિયા કરીને ચારિત્રના કંડકની વૃદ્ધિના અર્થી છે, તોપણ શાતા આદિના અર્થી હોવાને કારણે વિકલ ક્રિયા કરે છે. આવા મહાત્માનો ત્રુટિત એવો પણ ક્રિયાનો યોગ ઇચ્છાયોગરૂપ છે; કેમ કે શ્રુતઅનુસાર ક્રિયા કરવાની ઉત્કટ ઇચ્છાવાળા છે, છતાં અનાદિના અભ્યસ્ત પ્રમાદને કારણે સ્કૂલના પામનારા છે. આવા મહાત્માઓ ઇચ્છાયોગથી પણ ભવસમુદ્રને તરે છે. માટે જ્ઞાનમાં જ ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે ત્રુટિત ક્રિયા હોવા છતાં સમ્યજ્ઞાન હોવાથી તે ત્રુટિત ક્રિયા પણ મોક્ષનું કારણ બને છે. જે ઓની પાસે સમ્યજ્ઞાન નથી તેઓ કદાચ બાહ્ય રીતે અંગસાકલ્યથી સર્વ ક્રિયાઓ કરે તોપણ શ્રતના તાત્પર્યને સ્પર્શીને તેમનો ઉપયોગ ક્રિયામાં નહીં વર્તતો હોવાથી તે ક્રિયાના બળથી તેઓ ભવસમુદ્રને તરવા સમર્થ નથી; કેમ કે તેઓમાં ક્રિયાયોગ પણ નથી અને ઇચ્છાયોગ પણ નથી. આમ માત્ર બાહ્ય ક્રિયાના બળથી કોઈ જીવો યોગમાર્ગના સેવન વગર સંસારસાગર તરી શકે નહીં. માટે જ્ઞાનમાં જે ઉદ્યમ કરવો જોઈએ; જેથી સુખપૂર્વક સંસારસાગરને તરી શકાય. આ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. II૧૫/૧૧થી અવતરણિકા :
ગાથા-૧૧માં બતાવ્યું કે ચારિત્રહીન એવા પણ જ્ઞાનપ્રધાનવાળા સંવિગ્સપાક્ષિક શાસ્ત્રાભ્યાસને કારણે ઇચ્છાયોગથી તરે છે. તેથી હવે શ્રાવક જ્ઞાન પ્રધાન છે અને મુનિને જ્ઞાન અને ક્રિયા બંને પ્રધાન છે, તે બતાવીને વિધિશુદ્ધ ક્રિયા કરવા અસમર્થને પણ તરવાનું કારણ જ્ઞાન છે, તે બતાવીને પ્રસ્તુત ઢાળના અધ્યયનથી બહુશ્રત થયેલાને સંસાર તરવો સુકર છે તે બતાવવા અર્થે કહે છે –