________________
૯૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ગાથા-૧૧ જીવને પણ ત્યાં રહેવા અવકાશ આપે છે અને પુદ્ગલને પણ રહેવા અવકાશ આપે છે. વળી, જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યો નિત્ય મળતાં હોય છે છતાં પોતપોતાના ભાવને છોડતા નથી. જેમ જે આકાશ ઉપર પોતાનો આત્મા છે તે આકાશથી અન્ય આકાશમાં રહેલા પરમાણુ આદિ પુદ્ગલો જીવના અવગાહનવાળા આકાશમાં આવે છે ત્યારે જીવને મળતા જ હોય છે તોપણ બંનેમાંથી એકપણ પોતપોતાના ભાવનો ત્યાગ કરતા નથી. આથી જ ધર્માસ્તિકાય દ્રવ્ય અધર્માસ્તિકાય બનતું નથી કે આકાશાસ્તિકાય પણ બનતું નથી અને જીવ પણ ક્યારેય અજીવરૂપ બનતો નથી કે પુદ્ગલરૂપ બનતો નથી અર્થાત્ તે તે અસ્તિકાયો પોતપોતાના સ્વભાવને છોડતા નથી. આ રીતે તે પાંચે અસ્તિકાયોનો અન્ય અસ્તિકાયરૂપે નહીં થવાના સ્વભાવરૂપ અભવ્ય સ્વભાવ છે.
દરેક પદાર્થોમાં ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ ભિન્નધર્મવચ્છેદથી છે તેથી નિત્યાનિત્ય સ્વભાવની જેમ વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે છે –
જો પદાર્થમાં ભવ્યસ્વભાવ ન માનીએ તો તે પદાર્થ કોઈરૂપે થવાના સ્વભાવવાળો નથી તેમ પ્રાપ્ત થાય. કોઈરૂપે થવાનો સ્વભાવ ન હોય તો પદાર્થમાં દેખાતાં કાર્યો કાલ્પનિક છે, વાસ્તવિક નથી તેમ માનવું પડે; કેમ કે તે તે કાર્યરૂપે થવાનો વસ્તુનો સ્વભાવ નથી તેથી દેખાતાં કાર્યો તેમાં નથી, ફક્ત ઊંઘમાં દેખાતા હાથીઘોડા જેવાં કાલ્પનિક છે. જેમ, સાંખ્યદર્શનકાર આત્માને કૂટનિત્ય માને છે, તેથી તેમના મતે આત્માનો કોઈ સ્વરૂપે થવાનો સ્વભાવ નથી. જો આવો સ્વભાવ ન હોય તો પોતાના આત્મામાં જે ભિન્ન ભિન્ન કાર્યો દેખાય છે અર્થાતુ ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક જ્ઞાન, ક્યારેક અજ્ઞાન રૂપ જે ભિન્ન કાર્યો દેખાય છે તે સર્વ ખોટાં કાર્યો છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો આત્માનું શૂન્યપણું પ્રાપ્ત થાય અથવા જુદા જુદા ભવ્ય સ્વભાવ વગરનાં સર્વ દ્રવ્યોનું શૂન્યપણું પ્રાપ્ત થાય.
ભવ્ય સ્વભાવ ન સ્વીકારીએ તો દ્રવ્યોનો શુન્ય સ્વભાવ કેમ પ્રાપ્ત થાય? તેમાં યુક્તિ બતાવે છે –
દરેક દ્રવ્ય સ્વભાવરૂપે ન હોય અને પરભાવરૂપે ન હોય તો તે દ્રવ્ય નથી તેમ જ માનવું પડે. આશય એ છે કે દ્રવ્યમાં પરભાવરૂપે થવાનો સ્વભાવ નથી તેથી તે પરભાવરૂપે થતું નથી અને પોતાનામાં થતાં જે કાર્યો છે તે કાર્યો ખોટાં હોવાથી તે રૂપે પણ થવાનો સ્વભાવ નથી. જે વસ્તુમાં કોઈ સ્વભાવ ન હોય તે શૂન્ય છે.
જેમ શશશૃંગમાં જીવરૂપે પણ થવાનો સ્વભાવ નથી કે કોઈ અન્યરૂપે પણ થવાનો સ્વભાવ નથી, માટે શશશૃંગ જગતમાં નથી તેમ આત્મદ્રવ્ય પોતાનામાં થતા તે તે ભાવારૂપે થવાના સ્વભાવવાળું પણ ન હોય અને પુદ્ગલાદિરૂપ થવાના સ્વભાવવાળું પણ ન હોય તો તેનામાં કોઈ સ્વભાવ નથી. જેમાં કોઈ સ્વભાવ ન હોય તેવી કોઈ વસ્તુ જગતમાં નથી, તેથી તે શૂન્ય છે તેમ માનવું પડે. આથી જ સતુનું લક્ષણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય છે. તેથી નક્કી થાય છે કે દરેક દ્રવ્ય તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વ પૂર્વનો પર્યાય નાશ પામે છે અને તે તે દ્રવ્યરૂપે નિત્ય છે. નિત્યરૂપ દ્રવ્યમાં તે તે પર્યાયરૂપે થવાનો સ્વભાવ છે માટે સત્ છે.