________________
૧૧૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨| ગાથા-૪-૫
મૂર્તત્વસંવલિત જીવનો પણ અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો.
એકપ્રદેશ સ્વભાવ છે, તે કહીએ જે, એકત્વ પરિણત અખંડાકાર બંધ કહેતાં સંધિવેશ=અખંડ આત્મપ્રદેશોનો સંધિવેશ, તેનો નિવાસ–ભાજનપણું છે. I/૧૨/૪ ભાવાર્થ :
સંસારી જીવોનો દેહ સાથે કથંચિત્ એકત્વભાવ છે તેથી લોકવ્યવહારની દૃષ્ટિથી આત્માને મૂર્તસ્વભાવ છે તેમ પ્રાપ્ત થાય અને જો આત્માનો એકાંત મૂર્તસ્વભાવ માનીએ તો હજારો હેતુઓથી પણ તે આત્મા અમૂર્ત થઈ શકે નહીં. જેમ પુદ્ગલ દ્રવ્યનો મૂર્તસ્વભાવ છે તે સર્વથા મૂર્તસ્વભાવ છે તેથી પુદ્ગલ ક્યારેય પણ સર્વથા અમૂર્તરૂપે થઈ શકે નહીં તેમ સર્વથા મૂર્તસ્વભાવવાળો આત્મા સ્વીકારીએ તો ભગવાને બતાવેલા યોગમાર્ગને સેવીને સિદ્ધ અવસ્થામાં અમૂર્ત આત્મા પ્રગટ થાય છે તે થઈ શકે નહીં. માટે સંસારીઅવસ્થામાં પણ આત્મપ્રદેશોનો સ્વભાવ અમૂર્તસ્વભાવ છે; પરંતુ આત્મા કર્મથી આવૃત હોવાથી દેહના સંબંધને કારણે મૂર્તસ્વભાવવાળો જણાય છે. તે વખતે પણ આત્મામાં અમૂર્તસ્વભાવ વિદ્યમાન છે માટે સંસારી જીવમાં મૂર્તત્વસંવલિત અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો જોઈએ અર્થાત્ દેહ અને જીવ ઉભયરૂપે આત્માને જોવાથી આત્મા મૂર્તસ્વભાવરૂપ જણાય છે અને તે વખતે જ કર્મોથી અને દેહથી ભિન્ન એવા આત્મપ્રદેશોને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો આત્મામાં વર્તતો અમૂર્તસ્વભાવ પણ દેખાય છે. માટે વ્યવહારનયને ગૌણ કરીને નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો મૂર્તત્વસંવલિત અમૂર્તસ્વભાવવાળો આત્મા માનવો જોઈએ.
વળી, આત્માનો એકપ્રદેશ સ્વભાવ છે તે ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે –
વસ્તુતઃ દરેક આત્માઓ અસંખ્યાત પ્રદેશવાળા છે તોપણ દરેક આત્મપ્રદેશો અખંડ એકાકાર બંધપૂર્વક રહેનારા છે; પરંતુ ક્યારેય છૂટા પડતા નથી. તેથી આત્મા અખંડ એકદ્રવ્ય હોવાને કારણે એકપ્રદેશ સ્વભાવવાળો છે.
આશય એ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશો કલ્પનાથી વિભાગ કરાયેલા છે; કેમ કે એક પરમાણુની અવગાહના પ્રમાણ એકપ્રદેશ છે તેવી કલ્પના કર્યા પછી આત્મદ્રવ્ય કેટલા પ્રદેશવાળો છે ? તેને સામે રાખીને આત્માના અસંખ્યાત પ્રદેશ કહેવામાં આવે છે, પરંતુ જેમ સ્કંધમાંથી પરમાણુઓ છૂટા પડે છે તેમ આત્મદ્રવ્યના ખંડો થઈને કોઈ ભાગો છૂટા પડતા નથી. તેથી આત્મા અખંડ એકદ્રવ્ય છે એ અપેક્ષાએ એકપ્રદેશસ્વભાવવાળો છે. ll૧૨/૪ અવતરણિકા -
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં આત્માનો એક પ્રદેશ સ્વભાવ બતાવ્યો. હવે અપેક્ષાએ આત્માનો અનેક પ્રદેશ સ્વભાવ છે તે બતાવે છે –