________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૧
વળી, દરેક દ્રવ્યોમાં માત્ર ભવ્યસ્વભાવ માનવામાં આવે અને અભિવ્ય સ્વભાવ ન માનવામાં આવે તો એક ક્ષેત્રમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અન્ય દ્રવ્યના સંયોગને કારણે દ્રવ્યાંતરને પ્રાપ્ત કરે. જો આમ સ્વીકારીએ તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય બધા એક અવગાહનમાં હોવાને કારણે=એક સ્થાનમાં રહેલા હોવાને કારણે, કાર્યનું સંકર થાય અર્થાત્ જીવદ્રવ્ય પુદ્ગલરૂપ થાય, તેથી જીવદ્રવ્ય પુદ્ગલનું કાર્ય કરે, જીવદ્રવ્ય ધર્માસ્તિકાય થાય તેથી જીવદ્રવ્ય ધર્માસ્તિકાયનું કાર્ય કરે, જીવદ્રવ્ય અધર્માસ્તિકાય થાય તેથી જીવદ્રવ્ય અધર્માસ્તિકાયનું કાર્ય કરે એમ કાર્યનું સંકર થાય. તે રીતે દરેક દ્રવ્યો એકબીજારૂપે થવાથી “આ જીવદ્રવ્યનું કાર્ય છે,” “આ ધર્માસ્તિકાયનું કાર્ય છે એ રૂપ પ્રતિનિયત કાર્યનો વિભાગ પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થાય નહીં, પરંતુ બધાનાં કાર્યો પરસ્પર એકબીજા સ્વરૂપે પ્રાપ્ત થાય, તેથી અભવ્યસ્વભાવ સ્વીકારવો જોઈએ. તેના કારણે પાંચે મૂળ દ્રવ્યો પરસ્પર અન્ય દ્રવ્યરૂપે ક્યારેય પ્રાપ્ત થતાં નથી એટલું જ નહીં, પણ એક પુદ્ગલ પણ અન્ય પુદ્ગલરૂપે થતું નથી અને એક જીવ પણ અન્ય જીવરૂપે થતો નથી. આથી જ, મોક્ષમાં જનારા જીવો શુદ્ધ દ્રવ્યમાં વિલય પામતા નથી પરંતુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેનું કારણ દરેક દ્રવ્યોનો અન્યરૂપે નહીં થવાનો સ્વભાવ છે. અભવ્યસ્વભાવ માનવાથી કાર્ય સંકર ન થાય એટલું જ નહીં પણ તે તે દ્રવ્ય તે તે પ્રતિનિયત કાર્યના હેતુ છે એ પ્રકારની વ્યવહારમાં જે કલ્પના થાય છે, તેથી પણ દ્રવ્યમાં અભવ્ય સ્વભાવ રહેલો છે. જેમ, માટીદ્રવ્યમાં ઘટરૂપ કાર્યની હેતુતા છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, તેથી ઘટનો અર્થી માટીમાં યત્ન કરે છે તેમાં પણ માટીમાં પટવ આદિ રૂપે નહીં થવાનો સ્વભાવ ગર્ભમાં છે. આથી જ માટીમાંથી ઘડો થશે, પટ નહીં થાય એવો નિર્ણય કરીને ઘટનો અર્થી માટીમાં યત્ન કરે છે અને પટનો અર્થ “તંતુથી પટ થશે, ઘટ નહીં થાય' એવો નિર્ણય કરીને તંતુમાં યત્ન કરે છે. તેથી તંતુમાં ઘટ થવાના અભવ્યત્વસ્વભાવથી યુક્ત પટ થવાનો સ્વભાવ છે માટે પટરૂપ કાર્યની હેતુતા તંતુમાં છે તેવી કલ્પના થાય.
વળી, આત્માના ભવ્યસ્વભાવના વિષયમાં આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું વચન છે, જેના બળથી પ્રાપ્ત થાય છે, તે તે કાર્યની હેતતા રૂપ ભવ્યત્વસ્વભાવની કલ્પના તે તે દ્રવ્યમાં થાય છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
આત્માદિ પદાર્થોમાં પોતાનામાં વર્તતા અનંતકાર્યની જનનશક્તિ તે ભવ્યતા છે. તેથી એ પ્રાપ્ત થાય કે, આત્મદ્રવ્ય અનાદિનું છે અને તે દ્રવ્યમાં પ્રતિક્ષણ જે નવા નવા પર્યાયરૂપ કાર્યો થાય છે તે અનંત કાર્યોની જનનશક્તિ તે આત્મદ્રવ્યમાં છે તે શક્તિ જ ભવ્યતા છે અર્થાત્ આત્માનો ભવ્યસ્વભાવ છે. આત્મામાં રહેલી છે તે કાર્યને નિષ્પન્ન કરવાની યોગ્યતા તે તે સહકારીના સમવધાનથી તે તે કાર્યને ઉત્પન્ન કરે તેવી શક્તિ તે તથાભવ્યતા છે. તેથી એ પ્રાપ્ત થાય છે, આત્મામાં જે જે કાર્ય થાય છે તે સર્વ કાર્યો પ્રત્યે તે જીવનો પુરુષકાર, તે જીવનું તથા પ્રકારનું કર્મ, તથા પ્રકારની ભવિતવ્યતા તે સહકારી કારણો છે. તે સહકારી કારણોની પ્રાપ્તિના બળથી આત્મામાં રહેલી જે કાર્ય કરવાની શક્તિ તે તથાભવ્યતા છે અને તેવી