________________
જ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧૦ લક્ષણવાળો અભેદસ્વભાવ જાણવો અર્થાત્ સન્મુખ દેખાતી વસ્તુમાં “આ ભાગ દ્રવ્ય છે', “આ ભાગ ગુણ છે', “આ ભાગ પર્યાય છે' એવો ભેદ પ્રાપ્ત થતો નથી; પરંતુ જે દ્રવ્યરૂપે છે એ જ દ્રવ્યને વ્યાપીને ગુણ અને પર્યાય વર્તે છે તેથી અભેદસ્વભાવ છે.
વળી, એક જ વસ્તુમાં ભેદ અને અભેદ કઈ રીતે વર્તે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે –
પદાર્થમાં ભેદસ્વભાવ ન માનો તો સર્વ વસ્તુમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું એકપણું પ્રાપ્ત થાય અને એકપણું સ્વીકારીએ તો “આ દ્રવ્ય છે', “આ ગુણ છે', “આ પર્યાય છે એ પ્રકારના અનુભવસિદ્ધ વ્યવહારનો વિરોધ થાય છે.
જેમ “મારો આત્મા દ્રવ્ય છે', “મારા આત્માના જ્ઞાનાદિ ગુણો છે', “મારા આત્માના મનુષ્યાદિ પર્યાય છે એ પ્રમાણે ત્રણ વસ્તુને આશ્રયીને જે વ્યવહાર થાય છે, તે વ્યવહારનો વિરોધ થાય; કેમ કે અનુભવાતો પોતાનો આત્મા ભેદસ્વભાવ વગરનો હોવાથી “આ દ્રવ્ય છે, “આ ગુણ છે,’ ‘આ પર્યાય છે' એ ત્રણ પ્રકારની પ્રતીતિ પોતાનામાં સંગત થાય નહીં.
વળી, અભેદસ્વભાવ ન માનીએ તો=દ્રવ્યમાં વર્તતા ગુણનો અને દ્રવ્યમાં વર્તતા પર્યાયોનો પરસ્પર અભેદસ્વભાવ ન માનીએ તો, દ્રવ્યમાં પ્રતીત થતા એવા ગુણ-પર્યાયનો બોધ થાય નહીં.
કેમ બોધ થાય નહીં ? તેથી કહે છે – આધાર-આધેયનો અભેદ વગર બીજો સંબંધ ઘટતો નથી.
આશય એ છે કે, આત્મારૂપ દ્રવ્ય આધાર છે અને આત્માના જ્ઞાનાદિ ગુણ અને આત્માના મનુષ્યાદિ પર્યાય આધેય છે. આધેય એવા જ્ઞાનાદિ ગુણને અને મનુષ્યાદિ પર્યાયને આત્મામાં રાખવા માટે તે ત્રણથી અતિરિક્ત કોઈ સંબંધ નથી તે અનુભવસિદ્ધ છે. આધાર એવા આત્માને વ્યાપીને જ આત્માના જ્ઞાનાદિ ગુણ રહેલા છે અને મનુષ્યાદિ પર્યાય રહેલા છે, તેથી આધાર એવા આત્મદ્રવ્ય અને આધેય એવા ગુણપર્યાય વચ્ચે કથંચિત્ એકત્વભાવરૂપ અભેદસ્વભાવ છે.
વળી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો કથંચિત્ ભેદસ્વભાવ છે અને કથંચિત્ અભેદસ્વભાવ છે તે બતાવવા અર્થે પ્રવચનસારની સાક્ષી બતાવે છે.
પ્રવચનસારની ગાથા ૨/૧૪ના પૂર્વાર્ધ અનુસાર એ પ્રાપ્ત થાય કે, પ્રવિભક્ત પ્રદેશપણું પૃથપણું છે અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાયના પ્રદેશો પ્રવિભક્ત નથી પરંતુ જે દ્રવ્ય છે તે જ ગુણસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ દેખાય છે, માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ નથી પરંતુ અભેદ છે. જેમ, ઘટના પ્રદેશો જુદા છે અને પટના પ્રદેશો જુદા છે, તેથી ઘટ અને પટનું પૃથકપણું છે તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે પ્રવિભક્ત પ્રદેશપણું નથી, માટે દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદસ્વભાવ છે.
વળી, પ્રવચનસારની ગાથાના ઉત્તરાર્ધ અનુસાર એ પ્રાપ્ત થાય કે, “અતભાવ અન્યત્વ છે અર્થાત્ ‘તે સ્વરૂપ ન હોય તે અદ્ભાવ કહેવાય. તેથી તેનું એકત્વ કેમ કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં.”