________________
પર
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ગાથા-૨૧ | ઢાળ-૧૦નું આત્મકલ્યાણમાં યોજનનું સ્વરૂપ
સંસારનો ઉચ્છેદ કરવા માટે સમર્થ બનો અને યોગ્ય જીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરાવી શકે એવા સુયશને તમે પ્રાપ્ત કરો, જેથી સ્વપરના કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. II૧૦/૨૧॥
પ્રસ્તુત ઢાળનું આત્મકલ્યાણમાં યોજનનું સ્વરૂપ :
દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદ જે પ્રકારે ભગવાને કહ્યા છે એ પ્રકારે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં બતાવેલ છે તેથી તેના બોધથી વિસ્તારરુચિ સમ્યક્ત્વ પ્રગટે છે. સમ્યક્ત્વ હંમેશાં સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને હિતાનુકૂળ યત્ન કરાવે છે તેથી જે મહાત્માને વિસ્તારરુચિ સમ્યક્ત્વ પ્રગટે તે મહાત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયનો જે પરસ્પર ભેદ છે તેના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવોને જોડીને ક્ષપકશ્રેણીના પ્રથમ પાયાને અનુકૂળ શક્તિનો સંચય કરે છે; કેમ કે જીવ જિનવચનના તત્ત્વનો સૂક્ષ્મ બોધ કરે છે ત્યારે તેના તે પ્રકારના બોધને અનુકૂળ વ્યાપારથી મિથ્યાત્વ વિદ્યમાન હોય તો અવશ્ય નાશ પામે છે, મિથ્યાત્વ નાશ થયેલું હોય તો સૂક્ષ્મસૂક્ષ્મતર બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ-નિર્મળતર થાય છે અને જેમ જેમ શ્રુતજ્ઞાનનો સમ્યગ્ ઉપયોગ જીવમાં વર્તે છે તેમ તેમ આત્મામાંથી અવિરતિ, પ્રમાદ, કષાયરૂપ ભાવમળ સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે, જેના બળથી સુખપૂર્વક ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિનો સંચય થાય છે.
છ દ્રવ્યોના યથાર્થ ચિંતવનથી ક્ષપકશ્રેણીને અનુકૂળ વીર્યનો સંચય થાય છે, તેથી છ દ્રવ્યો કેવાં છે ? તેનાં લક્ષણો શું છે ? તેનું સ્વરૂપ પ્રસ્તુત ઢાળની ગાથા-૩ થી ગાથા-૨૦ સુધી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. કાળદ્રવ્યના વિષયમાં દિગંબર-શ્વેતાંબર મતમાં વિવાદ છે તેથી દિગંબર મતાનુસાર કાળદ્રવ્યની શું માન્યતા છે ? તે બતાવીને શ્વેતાંબર મતાનુસાર કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્યરૂપે કેમ સ્વીકાર્યું નથી અને ઉપચારથી જ કાળદ્રવ્યને સ્વીકાર્યું છે ? તેની સ્પષ્ટતા શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર ગ્રંથકારશ્રીએ કરેલ છે; જેનાથી શાસ્ત્રનું અવલંબન લઈને સૂક્ષ્મ પદાર્થો અનુભવ અનુસા૨ જોડવાની મહાપ્રજ્ઞા પ્રગટે છે. આ પ્રજ્ઞાના બળથી જ સ્વયં સૂક્ષ્મ પદાર્થોનો બોધ થાય છે અને તે બોધથી જ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે. તેથી પ્રસ્તુત ઢાળમાં બતાવેલાં છ દ્રવ્યોનું સ્વરૂપ અને કાળવિષયક સૂક્ષ્મ ચર્ચા જે બુદ્ધિમાન પુરુષ યથાર્થ જાણીને તેનાથી અનુભવ અનુસાર છ દ્રવ્યનું ચિંતવન ક૨વાની શક્તિનો સંચય કરે છે, તે મહાત્મા તે છ દ્રવ્યોની ઉચિત વિચારણાથી સંસા૨પરિભ્રમણશક્તિનો સતત ઉચ્છેદ કરે છે. આથી જ પ્રથમ ઢાળમાં કહેલ છે કે ભિક્ષાશુદ્ધિ આદિ સંબંધી ચરણક૨ણાનુયોગ નાનો યોગ છે જ્યારે દ્રવ્યાનુયોગ એ મોટો યોગ છે. તેથી જે સાધુ દ્રવ્યાનુયોગના મર્મને જાણીને છ દ્રવ્યોના ૫૨માર્થને સ્પર્શે તે રીતે તેનું ભાવન કરી શકે છે, તેઓને તેવા પ્રકારના સંયમમાં ભિક્ષાદિ દોષોની પ્રાપ્તિ હશે, તોપણ દ્રવ્યાનુયોગના ભાવનના બળથી સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરશે. આ રીતે પ્રસ્તુત ઢાળ સંયમની વૃદ્ધિમાં અત્યંત ઉપકારક છે.