________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧
૫૭
આશય એ છે કે પુદ્ગલમાં વર્તતું શ્વેતાદિ રૂપ ક્યારેક ઉત્કર્ષને પામે છે તો ક્યારેક અપકર્ષને પામે છે, જે પ્રત્યક્ષથી દેખાય છે તેમ દ્રવ્યમાં વર્તતું દ્રવ્યત્વ ઉત્કર્ષ-અપકર્ષ પામતું દેખાતું નથી માટે દ્રવ્યત્વને ગુણ કહી શકાય નહીં; પરંતુ સર્વ દ્રવ્યમાં અનુગત એવી ગુણથી અતિરિક્ત દ્રવ્યત્વજાતિ સ્વીકારવી જોઈએ એમ નૈયાયિક કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિક પણ એકત્વ, દ્વિત્વ આદિ સંખ્યાને વસ્તુમાં રહેલા ગુણરૂપે સ્વીકારે છે; આમ છતાં જેમ વસ્તુમાં ૨હેલો એકત્વગુણ રૂપની જેમ હાનિ-વૃદ્ધિ પામતો નથી તેમ દ્રવ્યમાં રહેલો દ્રવ્યત્વગુણ પણ હાનિવૃદ્ધિ પામતો નથી-એમ સ્વીકારી શકાય છે, માટે જે ગુણ હોય તે ઉત્કર્ષ-અપકર્ષવાળા જ હોય તેવી વ્યાપ્તિ નથી; પરંતુ કેટલાક ગુણ ઉત્કર્ષ-અપકર્ષ પામે છે અને કેટલાક ગુણ સદા અવસ્થિત હોય છે. આથી જ ‘આ એક વસ્તુ છે' એવી બુદ્ધિનો નિયામક એકત્વગુણ સદા તે વસ્તુમાં ૨હેલો છે તેમ દ્રવ્યત્વગુણ પણ સર્વ દ્રવ્યોમાં સદા રહેલો છે, પરંતુ હાનિવૃદ્ધિ પામતો નથી.
(૪) પ્રમેયત્વગુણ :- પ્રમાણથી પરિચ્છેદ્ય એવું વસ્તુનું જે સ્વરૂપ છે તે પ્રમાનું વિષયપણું છેયથાર્થ જ્ઞાનનું વિષયપણું છે, અને તે જ્ઞેય પદાર્થમાં વર્તતો પ્રમેયત્વગુણ છે. વળી, આ પ્રમેયત્વગુણ તે તે પ્રમેય વ્યક્તિમાં વિશ્રાંત છે. જેમ કોઈને ઘટનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાનના વિષયભૂત ઘટ પ્રમેય બને છે અને તેમાં પ્રમેયત્વગુણ રહેલો છે તેમ કથંચિત્ સર્વ પ્રમેય અનુગત એવું પ્રમેયત્વ સાધારણ ગુણ છે અને સર્વ પ્રમેય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયો છે; કેમ કે કેવલીને કેવલજ્ઞાનથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો પ્રત્યક્ષથી જણાય છે તેથી કેવલીના જ્ઞાનભૂત પ્રમાનું વિષયપણું સર્વ દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં છે તેથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો અનુગત પ્રમેયત્વગુણ સાધારણ છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રમેયત્વગુણને તે તે પ્રમેયમાત્રમાં વિશ્રાંત ન સ્વીકારતાં ‘કથંચિત્ સર્વ પ્રમેય અનુગત સાધારણ ગુણ છે' તેમ કેમ કહ્યું ? તેથી કહે છે -
પરંપરા સંબંધથી પ્રમાત્વજ્ઞાનથી પણ પ્રમેયત્વનો વ્યવહાર થાય છે માટે પ્રમેયત્વગુણ સ્વરૂપથી સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય અનુગત છે.
આશય એ છે કે, કેવલીને સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે તેથી કેવલીનું જ્ઞાન પ્રમારૂપ છે અને કેવલીના જ્ઞાનમાં પ્રમાત્વધર્મ છે. કેવલીના જ્ઞાનમાં રહેલા પ્રમાત્વનું જ્ઞાન પરંપરા સંબંધથી છદ્મસ્થ એવા આપણને થાય છે અને તે પ્રમાત્વજ્ઞાનનો વિષય સર્વ પ્રમેય છે–તે પ્રમાત્વજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે, તેથી સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં પણ પ્રમેયનો વ્યવહાર થાય છે. માટે સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં રહેલો પ્રમેયત્વગુણ પ્રમેયત્વ સ્વરૂપે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયમાં અનુગત છે.
અહીં ‘પરંપરા સંબંધથી' એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, કેવલીમાં સર્વ પ્રમેયવિષયક પ્રમાજ્ઞાન છે અને તેમાં પ્રમાત્વ ધર્મ રહેલો છે. છદ્મસ્થને શાસ્ત્રવચન દ્વારા જ્ઞાન થાય છે કે, ‘કેવલીમાં સર્વદ્રવ્યવિષયક અને સર્વપર્યાયવિષયક પ્રમાજ્ઞાન છે', તેથી શાસ્ત્રના સંબંધ દ્વારા કેવલીમાં રહેલા પ્રમાત્વનું જ્ઞાન આપણને