________________
૩૪.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ અમદાવાદથી મુંબઈ પર છે અને સુરત અપર છે તેનો નિર્ણય કરવા માટે મુંબઈમાં પરત્વપર્યાય અને સુરતમાં અપરત્વપર્યાય સ્વીકારવો પડે અને તે વ્યવહારને સ્વીકારવા માટે પરદિશા-અપરદિશારૂપ દિશા દ્રવ્યને સ્વીકારવું પડે એમ કેટલાક માને છે તેનું નિવારણ કરતાં કહે છે – શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે દિશાનું કાર્ય આકાશથી જ સિદ્ધ થાય છે; કેમ કે અમદાવાદ અમુક આકાશક્ષેત્રમાં રહેલું છે તેનાથી દૂરના આકાશક્ષેત્રમાં મુંબઈ રહેલું છે અને નજીકના આકાશક્ષેત્રમાં સુરત રહેલું છે તેથી અમદાવાદની અપેક્ષાએ મુંબઈમાં જે પરત્વ છે તે આકાશદ્રવ્યને આશ્રયીને સંગત થઈ શકે છે અને સુરતમાં જે અપરત્વ છે તે પણ આકાશદ્રવ્યને આશ્રયીને સંગત થઈ શકે છે. માટે આકાશદ્રવ્યથી અતિરિક્ત દિશા દ્રવ્ય માનવાની જરૂર નથી.
તેમ એક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુ મંદગતિથી બીજા આકાશપ્રદેશમાં જાય ત્યારે તે ગમનની અવધિને એક સમય કહેવાય છે તેથી આકાશને આશ્રયીને જે એક સમયની પ્રાપ્તિ થઈ. આ જ કાળની અવધિ દરેક વસ્તુમાં ન નવા ભાવો રૂપ વર્તન કરે છે, તેથી તે આકાશક્ષેત્રના બળથી નક્કી કરાયેલા સમયની સંખ્યાના બળથી “આટલી સંખ્યાના સમય પ્રમાણ એક દિવસ છે' ઇત્યાદિ નક્કી થાય છે. માટે બધા પદાર્થોમાં વર્તતા વર્તનાપર્યાયના અપેક્ષિતકારણરૂપે કાળદ્રવ્યને સ્વીકારવાની આવશ્યકતા નથી, પરંતુ આકાશથી જ તેની સંગતિ થાય છે, માટે કાળને સ્વીકારનાર તત્ત્વાર્થસૂત્રનો જે એક મત છે તે અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જ છે એ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું અર્થાત્ કાળદ્રવ્ય સ્વતંત્ર દ્રવ્ય છે તેમ ન માનવું પરંતુ લોકવ્યવહારની સંગતિ કરવા અર્થે ઉપચારથી કાળને સ્વીકાર્યું છે તેમ માનવું જોઈએ.
ટબામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, “ધર્મસંગ્રહણી'માં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ કાળવિષયક બે મતો બતાવ્યા છે તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
ધર્મસંગ્રહણીમાં ગાથા-૩રની અવતરણિકામાં કહ્યું કે, “હવે કાળ ધર્મ કહેવાય છે તેથી કાળ ધર્મ બતાવતાં કહ્યું કે, ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો છે તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયરૂપે જે વર્તના છે તે વર્તનાદિરૂપ પર્યાય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનો છે અને તે પર્યાયને કારણે જ પદાર્થો સતત નવા નવા ભાવરૂપે વર્તે છે. તેને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ ત્યાં કહ્યું કે, ધર્માસ્તિકાયાદિમાં રહેલો વર્તનાપર્યાય પદાર્થને સતત પ્રેરણા કરે છે કે “તું નવા નવા ભાવરૂપે વર્ત પરંતુ બેસી રહીશ નહીં' એ પ્રકારનો પદાર્થમાં રહેલો વર્તનાનો પરિણામ છે તે કાળનો ધર્મ છે. તે કાળનો ધર્મ ધર્માસ્તિકાયાદિ વસ્તુથી અતિરિક્ત કોઈ કાળ નામનો પદાર્થ નથી કે જે પ્રત્યક્ષથી પ્રાપ્ત થાય, તેથી ધર્માસ્તિકાયાદિના પર્યાયરૂપ જ કાળ છે. આ પ્રમાણે અર્થ કર્યા પછી ‘ધર્મસંગ્રહણીની ગાથામાં ‘વાથી અન્ય મત બતાવતાં કહે છે કે લોકમાં જે હેમંતાદિ ઋતુઓ પ્રસિદ્ધ છે તે કાળનો ધર્મ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કાળ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ તે તે કાળે તે તે ઋતુ આવે છે, તે કાળનો ધર્મ છે. આમ કહીને લોકવ્યવહાર અનુસાર કાળને દ્રવ્યરૂપે સ્વીકાર્યું છે.