________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨
ઢાળ-૧૦ | ગાથા-૮-૯ ‘આકાશ નામનું દ્રવ્ય નથી પરંતુ દેખાતા ભૂતલના ઊર્ધ્વના તે દેશમાં મૂર્તદ્રવ્યનો અભાવ છે અર્થાત્ જેમ ભૂતલ મૂર્તદ્રવ્ય છે તેમ ઉપરમાં કોઈ મૂર્તદ્રવ્ય નથી, તેના દ્વારા ‘અહીં પક્ષી છે, અને અહીં પક્ષી નથી’ એમ વ્યવહાર થાય છે. અર્થાત્ નીચેની જમીનને અવલંબીને ‘આ ઊર્ધ્યસ્થાનમાં પક્ષી છે અને નીચેની જમીનને અવલંબીને ‘આ ઊર્ધ્વસ્થાનમાં પક્ષી નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત થાય છે. માટે નહીં દેખાતા એવા આકાશદ્રવ્યની કલ્પના કરવી ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -
૨૨
વર્ધમાન ઉપાધ્યાયનું આ કથન યુક્ત નથી; કેમ કે અભાવ પણ કોઈક વસ્તુનો પર્યાય છે તેથી ઉપ૨ના તે ક્ષેત્રમાં પક્ષીનો અભાવ અનુભૂયમાન છે તે સ્વરૂપે તે અભાવનો આધા૨ દ્રવ્યાંશ છે અને ઉપરમાં પક્ષીનો ભાવ દેખાય છે તેના આધારરૂપે અનુભૂયમાન આધાર દ્રવ્યાંશ છે તેના અપલાપનો પ્રસંગ આવે. તેથી એ પ્રાપ્ત થાય કે, જેમ ભૂતલમાં ઘટ હોય તો ઘટદ્રવ્યનો આધાર ભૂતલ દ્રવ્યાંશ છે અને ઘટાભાવનો આધાર અન્ય ભૂતલ દ્રવ્યાંશ છે તેમ ઉપર દેખાતા પક્ષીમાં પણ પક્ષીદ્રવ્યનો આધાર આકાશદ્રવ્યાંશ છે અને પક્ષીના અભાવનો આધાર અન્ય આકાશદ્રવ્યાંશ છે તેના અપલાપનો પ્રસંગ વર્ધમાનાચાર્યને થાય. આટલા કથનથી પણ નૈયાયિકને સંતોષ ન થાય. તેથી ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે -
આકાશમાં પક્ષી જોઈને જે પ્રકારે તાર્કિક એવા વર્ધમાનાચાર્યે ભૂતલનું પ્રતિસંધાન કરીને તે ભૂતલના ઊર્ધ્વસ્થાનમાં મૂર્તદ્રવ્યના અભાવ દ્વારા પક્ષીના ક્ષેત્રની સંગતિ કરી અને અન્ય નીચેના ભૂતલના પ્રતિસંધાન દ્વારા મૂર્તદ્રવ્યના અભાવ દ્વારા પક્ષીના અભાવના ક્ષેત્રની સંગતિ કરી તે પ્રકારનું પ્રતિસંધાન કર્યા વગર પણ લોકવ્યવહારથી આકાશદ્રવ્યનું પ્રતિસંધાન કરીને ‘અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી’ તેવો વ્યવહાર સ્પષ્ટ દેખાય છે. તેથી નક્કી થાય છે કે, ભૂતલના પ્રતિસંધાનપૂર્વક કરાયેલો વ્યવહાર કેવલ પોતાના સ્વમતને સ્થાપન કરવાવાળો નથી; કેમ કે નીચેના ભૂતલના પ્રતિસંધાન વગર સામાન્યથી સર્વ લોકમાં એ પ્રકારનો વ્યવહાર થાય છે કે ‘આ આકાશમાં પક્ષી છે, આ આકાશમાં પક્ષી નથી' માટે પક્ષીને અવકાશ આપનાર આકાશદ્રવ્ય સ્વીકારવું જોઈએ અને જેમ તે આકાશદ્રવ્ય પક્ષીને અવકાશ આપે છે તેમ સર્વ દ્રવ્યોને અવકાશ આપે છે - એ પ્રમાણે શાસ્ત્રવચનથી સ્વીકારવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં બે પ્રકારનું આકાશ કહેવાયું છે-લોકાકાશ અને અલોકાકાશ. અર્થાત્ જે આકાશમાં અન્ય દ્રવ્યો રહેલાં છે તેનાથી વિભક્ત એવો આકાશનો દેશ તે લોકાકાશ છે અને જે દેશમાં અન્ય કોઈ દ્રવ્ય રહેલું નથી તેવો આકાશનો દેશ અલોકાકાશ છે. ll૧૦/૮
અવતરણિકા :
પૂર્વની ગાથામાં કહ્યું કે, આકાશદ્રવ્યલોક, અલોક એમ બે પ્રકારે આગમમાં કહ્યું છે. તેથી હવે એક આકાશદ્રવ્યનો લોક-અલોકરૂપ વિભાગ કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરે છે
ગાથા:
ધર્માદિકસ્યું રે સંયુત લોક છઈં, તાસ વિયોગ અલોક;
તે નિરવધિ છઈં રે અવધિ અભાવનઈં, વલગી લાગઈ રે ફોક.
સમ॰ II૧૦/૯॥