________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૭
વળી, ધર્માસ્તિકાયને સ્વીકારીને અધર્માસ્તિકાયનો અપલોપ કરવામાં આવે અને કહેવામાં આવે છે, જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું આલંબન લેતા નથી ત્યારે સ્થિતિ પરિણામ પ્રાપ્ત કરે છે અને ધર્માસ્તિકાયનું આલંબન લે છે ત્યારે ગતિપરિણામને પ્રાપ્ત કરે છે તો તેની જેમ એમ પણ કહી શકાય કે અધર્માસ્તિકાય લોકનું અને અલોકનું નિયામક છે તથા જીવ અને પુદ્ગલ અધર્માસ્તિકાયનું આલંબન લે છે ત્યારે સ્થિતિ પરિણામવાળા થાય છે અને અધર્માસ્તિકાયનું આલંબન લેતા નથી ત્યારે ગતિપરિણામવાળા થાય છે. જો આમ સ્વીકારીએ તો, તે રીતે જ ધર્માસ્તિકાયનો અપલાપ પણ થઈ શકે. જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બેમાંથી કોને સ્વીકારીને કોનો અપલાપ કરી શકાય ? તેનું વિશેષગ્રાહક પ્રમાણ ન હોય ત્યારે ગતિપર્યાયની પ્રાપ્તિમાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે અને સ્થિતિ પર્યાયની પ્રાપ્તિમાં અપેક્ષાકારણ અધર્માસ્તિકાય છે તેમ બંને દ્રવ્ય સ્વીકારવાં પડે. માટે ભગવાનની વાણી અનુસાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-બંને દ્રવ્યને પ્રમાણભૂત સ્વીકારવાં જોઈએ.
વળી, ટબામાં પ્રથમ કહેલ કે, સર્વ જીવની અને સર્વ પુદ્ગલની સ્થિતિનો હેતુ અધર્માસ્તિકાય દ્રવ્ય ન સ્વીકારીએ અને ધર્માસ્તિકાયના અભાવને કારણે અલોકમાં જીવની અને પુદ્ગલની સ્થિતિ નથી તેમ કહીએ તો અલોકાકાશમાં કોઈક સ્થાને જીવની અને પુલની નિત્યસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. ત્યાં પૂર્વપક્ષી કહે કે, અમે અલોકાકાશમાં કોઈક સ્થાનમાં જીવની અને પુદ્ગલની નિત્યસ્થિતિ સ્વીકારી લઈશું જેથી અધર્માસ્તિકાય દ્રવ્યને સ્વીકાર્યા વગર વ્યવસ્થાની સંગતિ થશે અને તેમ સ્વીકારવાથી એક દ્રવ્યની ઓછી કલ્પના થવાથી લાઘવની પ્રાપ્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
લોકાકાશમાં ધર્માસ્તિકાયના બળથી જીવ અને પુદ્ગલ ગતિ કરે છે છતાં તે જીવ અને પુદ્ગલમાંથી નિરંતર ગતિસ્વભાવવાળું દ્રવ્ય કોઈ નથી પરંતુ તે દ્રવ્ય જ ક્યારેક ગતિપરિણામવાળાં થાય છે અને તે જ દ્રવ્ય અન્ય સમયે સ્થિતિ પરિણામવાળાં થાય છે તેથી નિત્ય ગતિ સ્વભાવવાળા દ્રવ્યની જેમ પ્રાપ્તિ નથી તેમ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં દ્રવ્ય પણ કેવી રીતે સ્વીકારી શકાય ? અર્થાત્ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં દ્રવ્યો અલોકાકાશમાં છે તેમ સ્વીકારીને પણ અધર્માસ્તિકાયનો અપલાપ કરવો ઉચિત નથી પરંતુ ગતિ સ્વભાવ પ્રત્યે ધર્માસ્તિકાય કારણ છે અને સ્થિતિસ્વભાવ પ્રત્યે અધર્માસ્તિકાય કારણ છે એ પ્રકારની ભગવાનની વાણીનો પરમાર્થ સાંભળીને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યો છે અને તેઓ પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં છે સંસારી જીવો જેમ દેહ સાથે અને કર્મ સાથે સંકીર્ણ સ્વભાવવાળા છે તેવા સ્વભાવવાળા નહીં પરંતુ એક આકાશપ્રદેશ પર રહેલા હોવા છતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં છે, તેમ માનવું જોઈએ. જેમ સિદ્ધના જીવો સિદ્ધશિલાના સ્થાને રહેલા છે ત્યાં અનંતી કર્મણવર્ગણાઓ તે જ આકાશપ્રદેશ પર રહેલી છે છતાં ત્યાં સિદ્ધના જીવો અને તે અનંતી કાર્મણવર્ગણાઓ પરસ્પર અસંકીર્ણ સ્વભાવાળી છે તેમ એક આકાશમાં રહેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યો પરસ્પર અસંકીર્ણ સ્વભાવવાળાં માનવા જોઈએ. ll૧૦/ગા