________________
કાળે માને દિવસના બાર વાગે ઉપાડી જ લીધી. અંદરના ઓરડામાંથી રડવાની ચીસો સંભળાઈ અને બહેન અંદર દોડી ગઈ. અમે પણ દોડ્યાં, અને મોટી બહેનને વળગી પડ્યાં, તેની સાથે રડવા લાગ્યા. સગાંઓએ બહેનને સમજાવી, અમને લઈને બહાર મોકલી. પણ ઓહ ! બહેન તો ભીંતે માથું પછાડે અને બોલે. (બહેન બહુ મોટી ઉંમરે મને આવી વાતો કહેતી તે આધારે તેમાં કંઈ ફેરફાર સાથે અવતરણ કર્યું છે.)
“હે ભગવાન! હે નિર્દય કાળ ! તને આ બે બાળકોની દયા ન આવી ! તરતની જન્મેલી આ પુત્રીની દયા ન આવી ! તેં માને ઉપાડી લીધી. હે કાળ ! કોઈને ભરખવું જ હતું તો હું હતી. તારે મને લઈ જવી હતી. હજી પણ જો તને દયા આવતી હોય તો મને ઉપાડી લે. મારી માને પાછી મૂકી જા, મૂકી જા, મૂકી જા. ઓ કાળ, આ મારી અરજી મોટા મનનો થઈને સ્વીકારી લે. તારે કાંઈ ગુમાવવાનું નથી. અને મારી મા જો મળતી હોય તો મારે તારી પાસે રહેતા કાંઈ ગુમાવવાનું નથી. બહેન કોઈ વાર કહેતી, મા માંદી છે એ સાંભળ્યું ત્યારથી રડતી હતી, પણ કાળદેવે કાંઈ નોંધ ના લીધી. વળી બહેન ભીંતે માથું પછાડે, રડે. અમે તો તેની કાંખમાં ગભરાઈને ભરાઈ ગયા હતા. આ સર્વ વિગત બહેનના મુખે સાંભળેલી. તે કહેતી કે મને આવા કરુણ ભાવ ઊપજતા.
ત્યાં તો બે સગાં આવ્યાં. બહેનને ખૂબ જ પંપાળી, પાસે બેસીને સમજાવી. પણ બહેનના દિલનો ઘા એવો મોટો હતો કે આ નાના મલમપટાથી રૂઝાય કેવી રીતે ? છેવટે સગાંઓએ એક ઉપાય તેની સામે ધર્યો કે આ બે બાળકને તારે કાંખમાં લેવાનાં છે. તારે તે બંનેની મા બનવાનું છે. પણ બહેન તો એક જ બોલતી કે કાળને દયા ન આવી?
સગાંઓએ કહ્યું કે હવે તેને કાંઈ ઉપાય નથી. તું આ બાળકોની સામે જો; બિચારાં હિજરાય છે (આ લખતાં આજે તો પેન અટકી ગઈ.) તે સમયે કાંઈ વધુ સમજ ન હતી પણ જયારે આજે લખું છું ત્યારે એ દશ્ય સાદશ્ય થયું. કારણ કે એ બાર વર્ષની બહેનની દશા આજે સમાજમાં આવે છે. ત્યારે તો સમજ ન હતી કે બાર વર્ષની બહેનનું શું ગજું ! મા બનવાનું કે માના વિયોગે ઝૂરવાનું ! અહીંયાં સમયના વહેણને જોવા સિવાય કોઈ ઉપાય ન હતો. વિભાગ-૨
મારી મંગલયાત્રા
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org