________________
પહેલાં તેમના હાથ નીચેના વકીલ પાસે મને તેમના ઘરે લઈ ગયા.
તેઓ ખૂબ સમજદાર હતા. બધું સાંભળ્યા પછી કહે : આપણે સેઇફના બધા દાગીના નોંધાવી દેવાના. તારા ભાગ્યમાંથી કોણ લઈ જશે ? આપણે જે કંઈ કરવું તે સાચું જ કરવું. આજે લાગે છે કે ધર્મ-સંસ્કાર આ રીતે સહાય કરતો હોય છે, એટલે અસત્ય કરવા ગઈ છતાં તેને સુધારવાની તક મળી. તેમની વાત સમજાઈ. ગભરાટ ઓછો થયો. અને કેસના કાગળ તૈયાર કરવામાં એ દાગીના નોંધાવી દીધા. જીવનમાં વડીલો કે વકીલો મળે તે પણ સત્યપરાયણ મળે તેને પણ સુયોગ માનું છું.
આમેય મને તેઓના ગયા પછી એ વૈભવમાં રસ ન હતો. એ બધું બોજા જેવું જ હતું. અને બાળકો નાનાં હતાં એટલે મને કંઈ દાગીનાની ઉપયોગિતાનો કોઈ વિચાર એ રીતે ઉદ્ભવતો પણ ન હતો. હવે ન્યાયમંદિરના દરવાજા જોવાના હતા :
આમ, છ માસ પછી કેસની મુદત આવી. હાઈકોર્ટમાં હાજર થવાનું હતું. તે દિવસે મન પર ભારે અસર થઈ. પ્રેશર ઘટી ગયું. શરીર શિથિલ થઈ ગયું. ભૂખ મરી ગઈ.
તેઓની હાજરીમાં સાડી, દાગીના કે શાકભાજી લેવા પણ એકલી ક્યાંય ગઈ ન હતી. તેમાં માંડ થોડી પા પા પગલી ભરી ત્યાં તો કુદરત કહે દોડ. ક્યાં ? હાઈકોર્ટના દરવાજે, જીવનમાં આવતી આવી આફતોમાં સ્વજન-મિત્રો, ધર્મની સાત્ત્વિકતાની રુચિના સંસ્કાર, સંતોના સમાગમ, તેમનું માર્ગદર્શન, સંસ્કારનાં બીજ વાવે છે. તેનું વૃક્ષ થઈ કસોટીના સમયે છાયા આપે છે. તે આ ક્ષેત્રમાં પ્રવેશેલાઓનો અનુભવ છે. તે ચમત્કાર નથી, સાક્ષાત્કાર છે. આમ સવાર તો કેવી ઊગી તેની વ્યથા શું લખું ? મનમાં ગત આત્માને ઉદ્દેશીને કહેતી હતી કે મને આને માટે મૂકતા ગયા છો ? તમારા ગુણ પ્રમાણે દેવલોકમાં હશો ત્યાં સુખમાં અને મારે માથે દુ:ખના ડુંગર ? શું તમારી પ્રીત સાચી હતી ? વળી મારે ક્યાં આ વૈભવ જોઈતો હતો ? ! મને તો છઠ્ઠી આંગળી જેવો લાગે છે. છતાં આ બધું સંભાળવાનું, વેઠવાનું ? આમ માનસિક વિકલ્પોનો ઝંઝાવાત ઊમટ્યો હતો.
ન્યાયમંદિર કે પ્રભુમંદિર ? :
હવે શું કરવું ? મનમાં કેટલાય તરંગો ઊઠતા. નિરાશ થઈ સોફા પર બેઠી હતી ત્યાં સામે ટેબલ પર ગાંધીબાપુનું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ હતું, જાણે કોઈ દેવે લબ્ધિથી મૂક્યું કે શું ? મેં હાથમાં લીધું. વાંચવામાં
વિભાગ-૫
૧૨૨
મારી મંગલયાત્રા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org