________________
કાકીને પગે હાડકાં ભાંગી જવાથી પથારીવશ થઈ ગયાં હતાં. કાકા તેમને મા ગણી, પોતે પુત્ર હોય તેમ નિર્દોષતાથી સ્નાનાદિ સર્વ સેવા જાતે કરતા. બ્રહ્મચર્યની નિષ્ઠા જાણે વિજયશેઠ અને વિજયા શેઠાણીનું દૃષ્ટાંત પૂરું પાડે તેવી હતી. સમતા અને ધીરજ એવી અડગ કે કાકી અકળાય તો પણ તેઓ મા મા કરીને સેવા કરતા.
કાકા ટૂંકી માંદગી ભોગવીને લગભગ ૯૨ વર્ષની વયે અવસાન પામ્યા. ગાંધી આશ્રમમાં પથારીવશ કાકીને એકલાં રાખવાની તકલીફ હતી. તેથી તેમના એક દૂરના સગા તેમને લઈ ગયા. તેમના પછી તેમની મૂડી તેઓને મળે તેમ વ્યવસ્થા કરી, છેવટે કાકી પણ અવસાન પામ્યાં.
આ દષ્ટાંતનો સાર એ છે, કે પ્રભુ મહાવીરના પવિત્ર શાસનમાં તે કાળના વિજય શેઠ, વિજયા શેઠાણીના સંસ્કારના વારસાના આપણને આ કાળમાં કંઈક દર્શન થાય છે. આથી નિશ્ચય રાખવો કે ધર્મશાસન સનાતન
છે.
ગૃહસ્થ છતાં સાધુની જેમ પાંચ વ્રતનું પાલન કરી આકિંચન્યપણે રહેવાની ભાવનાવાળા જીવોનું દર્શન થાય છે. પ્રારબ્ધ પર વિશ્વાસ કેવો! ભાવિ પ્રજા ન હતી કે તેમનો નિર્વાહ કરે. નવી આવક થવાની ન હતી. છતાં પિતાની મૂડી અને ગાંધીનિધિનો પુરસ્કાર મળ્યો તેને એક રાત પણ પોતાની પાસે રાખ્યો નહિ. નિર્ભયતા અને નિર્લોભતાને આત્મસાત્ કરી ગયા. આવા જીવોનું જીવન શાસ્ત્રને પાને ભલે ન ચડે પણ જનસમુદાય પર સૂક્ષ્મ રીતે તેની અસર નીપજે છે. તે જ તેનું મૂલ્ય છે.
અમે-તેમની પાસે જનારા મિત્રો ઉપર તેમના જીવનની પવિત્રતા સુરેખ અંકાયેલી છે. અમે માનીએ છીએ કે આ અમારી મૂડી છે. જન્માંતરે સાથે આવે એવી વીમા યોજના છે. અમારા જન્મો થતા રહેશે ત્યાં સુધી અમને હાથ પકડી ઊંચે લઈ જનારા આ રૂડા આત્માઓનો સંયોગ થતો રહેશે, અને સન્માર્ગે જવું સરળ બનશે. મારી મંગલયાત્રામાં આ ઘટનાઓ એક અંગ છે.
વિભાગ-૬
૧૪૨
. મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org